પોલીસ સાથે ગેરવર્તન કરવાના અને અપશબ્દ બોલવાના આરોપસર મુલુંડના વેપારીની ધરપકડ

16 April, 2021 12:26 PM IST  |  Mumbai | Mehul Jethva

પોતાની ફરજ બજાવી રહેલા ટ્રાફિક પોલીસના અધિકારીઓ સાથે ગેરવર્તન કરવા બદલ મુલુંડ પોલીસે એક વેપારીની ધરપકડ કરી છે.

પોલીસ સાથે ગેરવર્તન કરવાના આરોપસર કસ્ટડીમાં જતીન સત્રા.

પોતાની ફરજ બજાવી રહેલા ટ્રાફિક પોલીસના અધિકારીઓ સાથે ગેરવર્તન કરવા બદલ મુલુંડ પોલીસે એક વેપારીની ધરપકડ કરી છે. ગઈ કાલે માર્કેટમાં ગેરકાયદે પાર્ક કરેલાં વાહનો પર કાર્યવાહી કરતા ટ્રાફિક અધિકારીઓને જોઈ વેપારીએ તેઓને ગાળો આપવાનું અને ગેરવર્તન કરવાનું શરૂ કરી દીધું હતું, જેનો વિડિયો અધિકારીઓએ ઉતારી લીધો હતો અને એ વિડિયો સિનિયર અધિકારીઓ સુધી ગયો હતો જેઓએ તરત જ વેપારીની સરકારી કામોમાં બાધા નાખવાના આરોપસર ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર ‘ગઈ કાલે મુલુંડ-વેસ્ટમાં આરઆરટી રોડ પર મોટા પ્રમાણમાં ટ્રાફિક જૅમ થતાં મુલુંડ ટ્રાફિક વિભાગના પોલીસ અધિકારી જ્ઞાનેશ્વર વાઘ ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા ગયા હતા. એ દરમ્યાન હસ્તકલા દુકાનની બહાર ગેરકાયદે પાર્ક કરેલા વાહનને જોતાં એ વાહન પર કાર્યવાહી કરવા ફોટો પાડ્યો હતો. એ દરમ્યાન ત્યાં ઊભેલા વાહનમાલિક જતીન સત્રાએ કૉન્સ્ટેબલ સાથે કથિત રીતે ગેરવર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. એ ઉપરાંત અપશબ્દ કહી તેઓનું અપમાન કર્યું હતું, જેનો વિડિયો જ્ઞાનેશ્વરે ઉતારીને સિનિયર અધિકારીઓને મોકલી આપ્યો હતો.’ 

આ સંબંધી મુલુંડ ટ્રાફિક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર જ્ઞાનેશ્વર લાંડશેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીએ અમારા અધિકારીને અપશબ્દ કહ્યા અને ગેરવર્તન કર્યું હતું. અમારાં કામોમાં અડચણ નિર્માણ કરી હતી, જેની ફરિયાદ અમે મુલુંડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.’

આ સંબંધી આરોપીના ભાઈ હિતેશ સત્રા સાથે ‘મિડ-ડે’એ વાત કરવાની કોશિશ કરતાં તેમણે કાલે ફોન કરવા કહ્યું હતું.

mumbai mumbai news Crime News mumbai crime news mulund mehul jethva