દુલ્હનના પિતા સહિત કુલ ચાર અન્ય લોકો પર લૉકડાઉનનું ઉલ્લંઘન કરવા બદલ થયો ગુનો દાખલ

11 May, 2021 10:09 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

કેળવે સાગરી પોલીસ દ્વારા લૉકડાઉન નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપસર મહિલા મંડપ ડેકોરેટર, કેટરર, દુલ્હનના પિતા અને દરિયાકિનારે આવેલા રિસૉર્ટના માલિક સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

કેળવે સાગરી પોલીસ દ્વારા લૉકડાઉન નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપસર મહિલા મંડપ ડેકોરેટર, કેટરર, દુલ્હનના પિતા અને દરિયાકિનારે આવેલા રિસૉર્ટના માલિક સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ૨૫ મહેમાનોની ઉપસ્થિતિની પરવાનગી સામે ૫૦થી વધુ મહેમાન હાજર રહ્યા હતા. સ્થાનિક કેળવે ગ્રામ પંચાયતે રિસૉર્ટમાં સંગીત સમારોહ યોજવા માટે પહેલાં જ રિસૉર્ટ બુક કરાવનાર મહેમાન એટલે કે દુલ્હનના પિતા સામે ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ પણ વસૂલ કર્યો છે. 

કેળવે કોસ્ટલ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ચારે આરોપીઓમાં માલિક સંજય ઘરત, કેટરર પુરુષોત્તમ રાવલ, મમતા પરેશ કિણી મંડપ ડેકોરેટર અને ક્લાયન્ટ એટલે કે દુલ્હનના સફાળેમાં રહેતા પિતા ચંદ્રપ્રકાશ જૈન સામે આઇપીસીની કલમ ૧૮૮, ૨૬૯ (ચેપી રોગનો ફેલાવો) અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટ, ૨૦૦૫ની કલમ ૫૧ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કોઈ ધરપકડ કરવામાં આવી નથી પરંતુ ચાર્જશીટ કોર્ટ સમક્ષ રજૂ થયા બાદ તેમને પાલઘર કોર્ટ સમક્ષ હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમ જ તેમને શહેર છોડીને નહીં જવા ચેતવણી આપવામાં આવી છે.’ 

કેળવેમાં સમુદ્રકિનારા સામે સ્થિત કોકોનટ વૅલી રિસૉર્ટમાં લગ્નનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. લગ્નમાં ફોટોગ્રાફરો, કેટરર્સ અને ઇવેન્ટ મૅનેજમેન્ટ ટીમને બાદ કરતાં ૫૦થી વધુ મહેમાનો હતા. લગ્ન બાદ કેળવે ગ્રામ પંચાયતે કાર્યવાહી કરી હતી. તાળાબંધીના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે રિસૉર્ટ બુક કરાવનાર દુલ્હનના પિતા સામે ૨૫ હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો હતો અને ગ્રામ પંચાયત દ્વારા રિસૉર્ટને સીલ કરાયો હતો.

કેળવે પોલીસ સ્ટેશનના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આ બનાવ વિશે તપાસ કરવામાં આવી રહી છે.

mumbai mumbai news coronavirus covid19 lockdown palghar Crime News preeti khuman-thakur