ઝવેરીનો ડ્રાઇવર જ નીકળ્યો એક કરોડનાં ઘરેણાંની લૂંટનો માસ્ટરમાઇન્ડ

04 June, 2021 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કેસમાં પોલીસે અન્ય આરોપીઓની સાથે પ્રોટેક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા એક હવાલદારની પણ ધરપકડ કરી

પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે

પોલીસ હોવાનું કહીને ભાયખલામાં સોનાના દાગીના બનાવવાનું કારખાનું ધરાવતા એક વેપારીને એક કરોડ રૂપિયાનો ચૂનો લગાડીને પલાયન થઈ ગયેલા આરોપીઓની મુંબઈની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ કેસમાં નાયગાંવમાં પ્રોટેક્શન વિભાગમાં કામ કરતા પોલીસ કૉન્સ્ટેબલની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીની તપાસ ભાયખલા પોલીસને સોંપીને કૉન્સ્ટેબલનો શું રોલ હતો એ બાબતની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યું હતું કે ‘૩૧ મેએ સાંજના છ વાગ્યે ફરિયાદી ભરત જૈન અને તેમનો ડ્રાઇવર મિલેશ કાંબળે કારખાનામાં તૈયાર થયેલા આશરે અઢી કિલો સોનાના માલની ડિલિવરી કરવા માટે બાઇક પર નીકળ્યા હતા. તેઓ ભાયખલામાં આવેલા દાદોજી કોંડદેવ માર્ગ પરથી પસાર થતા હતા ત્યારે બે જણ ત્યાં ઊભા હતા. એમાં એક યુવક પોલીસ યુનિફૉર્મમાં ઊભો હતો. તેણે ભરત અને મિલેશને તપાસ માટે અટકાવ્યા હતા. તપાસ દરમિયાન તેમની પાસે પડેલો સોનાનો માલ જેની કિંમતે આશરે એક કરોડ રૂપિયા હતી એ છીનવીને તેઓ ત્યાંથી પલાયન થઈ ગયા હતા. આ ઘટનાનો આઇવિટનેસ ડ્રાઇવર મિલેશ કાંબળે હતો. તેની વધુ તપાસ કરતાં અમને તેના પર શંકા ગઈ હતી. ત્યાર બાદ અમે તેની પૂછપરછ કરતાં તેણે ગુનામાં સામેલ હોવાનું કબૂલ કર્યું હતું. ત્યાર બાદ પોલીસ યુનિફૉર્મમાં ઊભેલા યુવક રવીન્દ્ર કુચિકુરવે અને તેના સાથી સંતોષ નાકટેની અમે શિવડીમાંથી ધરપકડ કરી હતી. ત્યાર બાદ આ ગુનામાં સામેલ વધુ એક આરોપી નાયગાંવ પ્રોટેક્શન વિભાગમાં કાર્યરત કૉન્સ્ટેબલ ખલીલ કાદર શેખની પણ અમે ધરપકડ કરી હતી.’

mumbai mumbai news Crime News mumbai crime news byculla mumbai police mumbai crime branch