મુદત પૂરી થવા આવેલા કોવિડ સેન્ટરનુ ઉદ્ધવ ઠાકરેએ ઉદ્ઘાટન કરવા સામે વિવાદ

11 November, 2020 07:56 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

મુદત પૂરી થવા આવેલા કોવિડ સેન્ટરનુ ઉદ્ધવ ઠાકરેએ ઉદ્ઘાટન કરવા સામે વિવાદ

કોવિડ સેન્ટર

મીરા-ભાઈંદરમાં કોરોનાના પેશન્ટની સારવાર અને આઇસોલેશનમાં રહેવા માટે ઊભાં કરાયેલાં કોવિડ સેન્ટર દરદીઓની સંખ્યામાં થયેલા ધરખમ ઘટાડાથી બંધ કરાઈ રહ્યાં છે ત્યારે ૧૨ કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ મહિનાથી જેનું કામ ચાલી રહ્યું છે એ કોવિડ સેન્ટરની મુદત પૂરી થવામાં છે ત્યારે એનું ઉદ્ઘાટન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કરતાં વિવાદ ઊભો થયો છે. મીરા-ભાઈંદરમાં અત્યારે કોરોનાના દરરોજ સરેરાશ ૫૦થી ૭૦ નવા કેસ નોંધાઈ રહ્યા છે એની સામે ૩૦૦૦ દરદીની સારવાર ચાલી શકે એટલી વ્યવસ્થા છે એટલે નવા કોવિડ સેન્ટર માટે ૧૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું યોગ્ય ન હોવાનું સત્તાધારી પક્ષ બીજેપીનું કહેવું છે, જ્યારે શિવસેના કહે છે કે કોરોનાની બીજી લહેર આવે તો આ કોવિડ સેન્ટર ઉપયોગી બની શકે એટલે એ શરૂ કરવામાં આવ્યું છે.

ભાઈંદરમાં આવેલા બાળાસાહેબ ઠાકરે મેદાનમાં તૈયાર કરાયેલા કોવિડ સેન્ટરનું બે દિવસ પહેલાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ઉદ્‌ઘાટન કર્યું હતું. જૂન મહિનાથી આ કોવિડ સેન્ટર ઊભું કરવાનું કામ ચાલી રહ્યું હતું, જે હમણાં પૂરું થયું છે. જ્યારે મીરા-ભાઈંદરમાં કોવિડના વધારે કેસ આવી રહ્યા હતા ત્યારે એની જરૂર હતી, પણ કામ પૂરું ન થયું હોવાથી એનો ઉપયોગ નહોતો કરી શકાયો.

છેલ્લા ચાર મહિનામાં મીરા-ભાઈંદરમાં ૧૭૫થી ૨૫૦ જેટલા દરરોજ કોરોનાના નવા કેસ આવતા હતા, જ્યારે પંદર દિવસથી એમાં ધરખમ ઘટાડો થયો છે. અત્યારે ૫૦થી ૭૦ કેસ દરરોજ નોંધાઈ રહ્યા છે. કેસ ઘટવાની સાથે રિકવરીમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાનાં મેયર જ્યોત્સ્ના હસનાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અહીં કોવિડના દરદી અને તેમના સંબંધીઓની સારવાર અને રહેવા માટે કોવિડ હૉસ્પિટલથી લઈને ક્વૉરન્ટીન સેન્ટર ઊભાં કરાયાં છે. આ સેન્ટરોમાં અત્યારે ૧૦ ટકા પણ દરદીઓ નથી એટલે અમે એ બંધ કરી રહ્યા છીએ એટલે નવા કોવિડ સેન્ટરની જરૂર જ નથી. બાળાસાહેબ ઠાકરે મેદાનમાં નવા કોવિડ સેન્ટરને અત્યારે શરૂ કરવાનો કોઈ અર્થ નથી રહેતો. કોરોનાની બીજી લહેર આવવાની શક્યતા હોવાનું કહેવાય છે એ માનીએ છીએ, પણ જો એવું થાય તો અમે ૩૦૦૦ નવા પેશન્ટને સમાવી શકીએ એટલી વ્યવસ્થા છે. આથી મને લાગે છે કે ૧૨ કરોડ રૂપિયા નવા કોવિડ સેન્ટરમાં વાપરવાને બદલે જે સેન્ટરો ચાલુ છે એમાં વ્યવસ્થા વધારવી જોઈએ.’

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બે દિવસ પહેલાં ડિજિટલી બાળાસાહેબ ઠાકરે મેદાનમાં ઊભા કરાયેલા કોવિડ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું એનો સત્તાધારી પક્ષ દ્વારા વિરોધ કરાઈ રહ્યો હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ શિવસેનાના સ્થાનિક વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને કહ્યું હતું કે જે લોકો આ કોવિડ સેન્ટરનો વિરોધ કરી રહ્યા છે તેઓ પ્રાઇવેટ હૉસ્પિટલના દલાલ છે. તેમના આ નિવેદનથી શિવસેના અને બીજેપી સામસામે આવી ગયા હતા.

પેશન્ટ ઘટતાં બે સેન્ટર બંધ કરાયા

મીરા-ભાઈંદરમાં કોવિડના પેશન્ટોની સારવાર અને રહેવા માટે ૧૦૯૬ પેશન્ટની ક્ષમતાવાળું ગોલ્ડન નેસ્ટ ક્વૉરન્ટીન સેલ અને ૫૦૦ લોકોની કૅપેસિટીવાળું ડેલ્ટા ક્વૉરન્ટીન સેન્ટર નવા દરદીઓની સંખ્યામાં ઘટાડો થતાં બંધ કરવામાં આવ્યાં છે. ૨૧૨ દરદીની ક્ષમતા ધરાવતા સ્વ. પ્રમોદ મહાજન હેલ્થ સેન્ટરમાં ૬૪ પેશન્ટ, ૧૬૫ દરદીની ક્ષમતાવાળા સૌ. મીનાતાઈ ઠાકરે હેલ્થ સેન્ટરમાં ૧૫ પેશન્ટ, ૮૦ દરદીની ક્ષમતાવાળા પદ્મશ્રી અપ્પાસાહેબ ધર્માધિકારી સભાગૃહ કોવિડ હેલ્થ સેન્ટરમાં ૪ પેશન્ટ, ૭૪૦ દરદીની કૅપેસિટી સાથેના સમૃદ્ધિ કોવિડ સેન્ટરમાં ૬૯ દરદી અત્યારે સારવાર લઈ રહ્યા છે; જ્યારે ભાઈંદરની કોવિડ હૉસ્પિટલમાં કન્વર્ટ કરાયેલી પંડિત ભીમસેન જોષી (ટેંબા) હૉસ્પિટલમાં ૧૫૦ દરદીની ક્ષમતા સામે ૫૮ દરદી ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે.

mumbai mumbai news coronavirus covid19 maharashtra uddhav thackeray shiv sena prakash bambhrolia