મુંબઈ: ઉદ્ધવ ઠાકરેને અયોધ્યાનું આમંત્રણ મળવાની શક્યતા ઓછી

31 July, 2020 07:09 AM IST  |  Mumbai | Dharmendra Jore

મુંબઈ: ઉદ્ધવ ઠાકરેને અયોધ્યાનું આમંત્રણ મળવાની શક્યતા ઓછી

ઉદ્ધવ ઠાકરે

અયોધ્યામાં રામજન્મભૂમિના સ્થળે મંદિરના ભૂમિપૂજનનો પ્રસંગ હવે માંડ પાંચ દિવસ દૂર છે ત્યારે એ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને સત્તાવાર આમંત્રણ મોકલવાની શક્યતા ઘટતી જાય છે. પાંચમી ઑગસ્ટે યોજાનારી ભૂમિપૂજનની વિધિમાં રોગચાળો ફેલાતો રોકવા માટેનાં શિસ્તનાં પગલાં લેવાશે અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે વિશાળ જનસમમુદાય એકઠો ન થાય એની તકેદારી રાખવામાં આવશે. એથી એ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ઉપરાંત અન્ય કોઈ રાજ્યના મુખ્ય પ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું નથી. મંદિર ટ્રસ્ટના એક અધિકારીએ જણાવ્યું કે મંદિરના સ્ટાફ સહિત ઘણા લોકો બીમારીની અસરમાં હોવાથી આમંત્રિતોની યાદીમાં ૨૦૦ નામમાંથી ઘટાડીને ૧૫૦ પર લાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે.

રામમંદિર આંદોલનમાં વિવિધ રૂપે સક્રિય રહેલા બીજેપી, વિશ્વ હિન્દુ પરિષદ તથા અન્ય હિન્દુ સંગઠનોના નેતાઓ, વિવિધ હિન્દુ પંથો અને સંપ્રદાયોના વડા અને પીઠાધીશોને ભૂમિપૂજનમાં આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ અયોધ્યામાં વિવાદાસ્પદ બાંધકામ તોડવાનો દાવો કરનાર શિવસેનાના કાર્યકરો પર ગુનાહિત આરોપો પણ મૂકવામાં આવ્યા હતા એથી શિવસેનાના પક્ષપ્રમુખને આમંત્રણ ન અપાય તો પક્ષના નેતાઓને અપમાનની લાગણી થવાની શક્યતા છે. એ ઉપરાંત જો આમંત્રણ ન અપાય તો શિવસેનાને બીજેપી પર પ્રહાર કરવાનું વધુ એક કારણ પણ મળી જશે. શિવસેનાના એક વિધાનસભ્યએ મહારાષ્ટ્રની લોકલાગણીને માન આપીને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ મોકલવાની વિનંતી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને કરી છે.

uddhav thackeray shiv sena ayodhya ayodhya verdict uttar pradesh mumbai news mumbai dharmendra jore