ઉદ્ધવ ઠાકરે ચીની કંપનીઓ સાથેના કરાર રદ કરે : કૅઇટ

20 June, 2020 12:48 PM IST  |  Mumbai | Mumbai Correspondent

ઉદ્ધવ ઠાકરે ચીની કંપનીઓ સાથેના કરાર રદ કરે : કૅઇટ

ઉદ્ધવ ઠાકરે

ભારતમાં ચીનના સામાનના બહિષ્કારનું અભિયાન શરૂ કરનાર કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૅઇટ)એ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખીને તાજેતરમાં જ ચીનની ત્રણ કંપનીઓ સાથે કરેલા કરાર રદ કરવાની માગણી કરી છે. પત્રમાં લખ્યું છે કે ચીનની સામે દેશવાસીઓના રોષ અને આક્રોશને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ કરાર તાત્કાલિક રદ કરવા જોઈએ.

કૅઇટના નૅશનલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે પત્રમાં જણાવ્યું હતું કે આખો દેશ જ્યારે ચીન વિરુદ્ધ એક થઈને ઊભો છે એવામાં રાજ્ય સરકારનું ચીનની કંપનીઓ સાથે કરાર કરવાનું પગલું યોગ્ય નથી. એક સાચા દેશભક્ત તરીકેની તેમની છબીને આ પગલાએ મલિન કરી છે. કૉન્ગ્રેસના બેવડા ધોરણની ટીકા કરતાં કહ્યું હતું કે એક તરફ એ ચીન સંબંધે વડા પ્રધાન મોદીને પ્રશ્નો કરી રહી છે તો બીજી તરફ શિવસેના સાથે મળીને મહારાષ્ટ્રમાં ચીનની કંપનીઓ સાથે મિલીભગત કરી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ચીનની ત્રણે કંપનીઓ પુણે જિલ્લાના તાલેગાંવમાં મૂડીરોકાણ કરશે. હેંગલી એન્જિનિયર્સ ૨૫૦ કરોડનું, પીએમઆઇ ઑટો સેક્ટરમાં ૧૦૦૦ કરોડનું અને ગ્રેટ વૉલ ૩૭૭૦ કરોડ રૂપિયાનું રોકાણ કરી ઑટોમોબાઇલ કંપનીની સ્થાપના કરશે.

પત્રમાં લખ્યું છે કે ભારતમાં આતંક ફેલાવવામાં ચીને હંમેશાં પાકિસ્તાનને ટેકો આપ્યો છે એ સર્વવિદિત છે તેમ જ શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેને રાજ્ય સરકાર પોતાનો આદર્શ માને છે, જે હંમેશાં સ્વદેશીમાં વિશ્વાસ કરતા હતા અને ભારતના વિરોધીઓ સામે અડગ ઊભા રહેતા હતા. આ વાતને અનુલક્ષીને તેમ જ ચીનની નાપાક હરકતોને જોતાં ઉદ્ધવ ઠાકરે દેશવાસીઓની ભાવના અને મનોદશાને ધ્યાનમાં રાખી ચીનની ત્રણે કંપનીઓ સાથેના કરારને તાત્કાલિક રદ કરશે એવી આશા કૅઇટે વ્યક્ત કરી હતી.

uddhav thackeray mumbai mumbai news shiv sena