મુંબઈઃકલંબોલીની સુધાગડ સ્કૂલ નજીક ટાઇમબૉમ્બ મળતાં ફફડાટ

18 June, 2019 10:47 AM IST  |  મુંબઈ

મુંબઈઃકલંબોલીની સુધાગડ સ્કૂલ નજીક ટાઇમબૉમ્બ મળતાં ફફડાટ

હાથલારીમાં શંકાસ્પદ વસ્તુ હોવાનું ધ્યાનમાં આવતાં સ્કૂલના વૉચમૅને પોલીસને અલર્ટ કરી : બૉમ્બ નષ્ટ કરવા માટે બૉમ્બ સ્ક્વૉડે ભારે જહેમત કરવી પડી : સ્કૂલ નજીક મૂકવામાં આવેલી લારીને નજીકના ગાર્ડનમાં લઈ જઈને બૉમ્બ નષ્ટ કરવામાં આવ્યો

કલંબોલીની સુધાગડ સ્કૂલ પાસેના પ્રથમેશ પાર્ક બિલ્ડિંગ નજીક ટાઇમબૉમ્બ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. બૉમ્બ સ્ક્વૉડ ટીમને આ બૉમ્બને ભારે જહેમત બાદ નષ્ટ કરવામાં સફળતા મળી હતી. બૉમ્બને નષ્ટ કરવા મોટ એને બૉમ્બ સ્ક્વૉડ સ્કૂલ નજીક આવેલા સેક્ટર ટૂ-ઈ વિસ્તારમાં આવેલા ગાર્ડનમાં લઈ ગઈ હતી. ટાઇમબૉમ્બની તીવ્રતા ભારે ન હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. જોકે બૉમ્બ નષ્ટ કરવામાં આવતાં મોટો અનર્થ ટળ્યો હતો.

કલંબોલીના પીએસઆઇ બેલોસેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સુધાગડ નજીક એક હાથલારીમાં શંકાસ્પદ વસ્તુ હોવાની માહિતી સુધાગડ સ્કૂલના વૉચમૅને આપી હતી. તપાસ હાથ ધરીને તાબડતોબ અમે બૉમ્બ-સ્ક્વૉડને માહિતગાર કરી હતી. હાથલારી પર મૂકવામાં આવેલી શંકાસ્પદ વસ્તુમાં ટાઇમબૉમ્બ હોવાનું જાણવા મળ્યા બાદ હાથલારીને સ્કૂલ નજીક આવેલા સેક્ટર ટૂ-ઈ ગાર્ડનમાં લઈ જવાઈ હતી, જ્યાં બૉમ્બને નષ્ટ કરવામાં આવ્યો હતો. બૉમ્બની તીવ્રતા ઓછી હતી.’

આ પણ વાંચોઃ ...તો બેસ્ટની બસમાં તમે સીટ બુક કરી શકશો

સુધાગડ નજીક હાથલારીમાં ટાઇમબૉમ્બ મળી આવ્યા બાદ પોલીસે ચારે તરફથી વિસ્તારને કૉર્ડન કરી લીધો હતો અને ત્યાંથી પસાર થનારા લોકોને સાવધાન કર્યા હતા. વિસ્ફોટક ઇલેક્ટ્રિક વાયર અને બૅટરી સાથે અટેચ હતો એવું કલંબોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. બૉમ્બ મળી આવ્યાની જાણ થતાં ઘટનાસ્થળે બૉમ્બ અને ડૉગ સ્ક્વૉડ પહોંચી ગઈ હતી. ઓછી તીવ્રતા ધરાવતો એ એલઈડી બૉમ્બ હોવાનું બૉમ્બ ડિસ્પોઝ કરાયા બાદ જાણવા મળ્યું હતું.

mumbai news