મુંબઈ બીએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મુલતવી રખાઈ

22 October, 2020 12:29 PM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ બીએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મુલતવી રખાઈ

બીએમસી

લૉકડાઉન પછી ગઈ કાલે પહેલી જ વાર મુંબઈ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં ૬૭૪ જેટલા પ્રસ્તાવો પર ચર્ચા કરીને નિર્ણય લેવાનો હતો, પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્ટેન્ડિંગ કમિટી માટે ભાલચંદ્ર શિરસાટને નોમિનેટ કરાતાં શિવસેના, કૉન્ગ્રેસ અને એનસીપી દ્વારા તેનો જોરદાર વિરોધ કરાયો હતો અને કહેવાયું હતું કે તેમને વોટ કરવાનો અધિકાર નથી.

શિવસેનાના કૉર્પોરેટર વિશાખા રાઉતે ભાલચંદ્ર શિરસાટના નોમિનેશન સામે ઓબ્જેકશન લેતા કહ્યું હતું કે મ્યુનિસિપલ કૉર્પોરેશન એક્ટ ૧૮૮૮ તેને માન્યતા આપતો નથી. કૉન્ગ્રેસ, એનસીપી અને સમાજવાદી પાર્ટીના નગરસેવકોએ તેમને એ માટે સમર્થન આપ્યું હતું. સમાજવાદી પાર્ટીના જૂથ નેતા રઇસ શેખે કહ્યું હતું કે કાયદા મુજબ શિરસાટ એ સ્ટેન્ડિંગ કમિટીના ચૂંટાઈ આવેલા સભ્ય નથી એથી તેમને કમિટીમાં બોલવાનો અધિકાર નથી.

કૉન્ગ્રેસના જૂથ નેતા રવિ રાજાએ કહ્યું હતું કે જે નગરસેવકો ચૂંટાઈને આવ્યા હોય એ જ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય બની શકે. બેસ્ટ કમિટીમાં ૧૬ સભ્યો છે, જેમાં ૧૫ ચૂંટાઈને આવેલા નગરસેવકો છે જ્યારે એક સભ્ય નોમિનેટ કરાયેલા છે. જોકે એમાં તેમને વોટ કરવાની છૂટ છે, પણ શિરસાટને વોટ આપવાનો અધિકાર નથી એથી તેમને સ્ટેન્ડિંગ કમિટીનું સભ્યપદ ન આપી શકાય.

સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન યશવંત જાધવે ભાલચંદ્ર શિરસાટનું સભ્યપદ રદ કરતા તેમને ગૃહની બહાર નીકળી જવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે શિરસાટની કમિટીમાં પસંદગી કાયદેસર નથી. એમના એ નિર્ણયનો બીજેપીના સભ્યોએ જોરદાર વિરોધ કરી નારાબાજી કરી હતી. એથી ત્યાર બાદ યશવંત જાધવે સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ પોસ્ટપોન કરાઈ હોવાની જાહેરાત કરી હતી.

આ સામે બીજેપીના જૂથ નેતા પ્રભાકર શિંદેએ કહ્યું હતું કે ‘શિવસેના આ આખા ઇશ્યુને રાજકીય રંગ આપી રહી છે, સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન શિરસાટનું સભ્યપદ રદ ન કરી શકે. અમે આ બાબતે કોર્ટમાં અરજી કરીશું.’

mumbai mumbai news brihanmumbai municipal corporation congress shiv sena nationalist congress party