07 August, 2026 02:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈ પોલીસ (Mumbai Police)એ બુધવારે એક શંકાસ્પદ સાયબર ફ્રોડ (Cyber Crime) કેસની તપાસ શરૂ કરી છે, જેમાં રાષ્ટ્રીયકૃત બેંકના એક સિનિયર અધિકારીએ અનાધિકૃત ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન દ્વારા રુપિયા ૪.૨૭ લાખ ગુમાવ્યા છે.
અહેવાલ અનુસાર, તપાસકર્તાઓને આશંકા છે કે પીડિતના પર્સનલ સેક્રેટરીએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (Chhatrapati Shivaji Maharaj Terminus - CSMT) ખાતેના ફ્રી પબ્લિક વાઇ-ફાઇ નેટવર્ક સાથે પોતાનો મોબાઇલ ફોન કનેક્ટ કર્યા બાદ આ ફ્રોડની શરૂઆત થઈ હોઈ શકે છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સાયબર ગુનેગારોએ પર્સનલ સેક્રેટરીના મોબાઇલ ફોનનો એક્સેસ મેળવી લીધો હતો અને બાદમાં આ હેક થયેલા ઉપકરણનો ઉપયોગ રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) ના ટ્રાફિક ચલણના નામે એક મલેશિયસ એન્ડ્રોઇડ એપ્લિકેશન પેકેજ (Android application package - APK) ફાઇલ ફેલાવવા માટે કર્યો હતો. આ નકલી એપ્લિકેશન ફોનની કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા બેંકના સિનિયર અધિકારીઓ સહિત અનેક લોકોને મોકલવામાં આવી હતી.
એમઆરએ માર્ગ (MRA Marg) પોલીસે એફઆઈઆર (FIR) નોંધી છે અને મોબાઇલ ઉપકરણ પબ્લિક વાઇ-ફાઇ નેટવર્ક, અસલી નેટવર્ક જેવું દેખાતા નકલી હોટસ્પોટ અથવા સાયબર ગુનેગારો દ્વારા વપરાતી અન્ય કોઈ પદ્ધતિ દ્વારા સંક્રમિત થયું હતું (Mumbai fake RTO challan APK scam) કે કેમ તેની તપાસ કરી રહી છે.
આ ઘટના અંગે વિગતો આપતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, વડાલાના ભક્તિ પાર્કમાં રહેતા અને ફોર્ટ વિસ્તારમાં આવેલી રાષ્ટ્રીયકૃત બેંકની ઓફિસમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા ૫૬ વર્ષીય ફરિયાદી ગોબિંદા બિસ્વાસને ૧૮ જુલાઈના રોજ તેમના પર્સનલ સેક્રેટરી નારાયણ સ્વામી તરફથી એક મેસેજ મળ્યો હતો. આ મેસેજ સત્તાવાર RTO ચલણ જેવો જ દેખાતો હતો અને તેમાં એક APK ફાઇલ સામેલ હતી.
પોલીસે જણાવ્યું કે મેસેજ મોકલતા પહેલા સ્વામીએ CSMT ખાતે ઉપલબ્ધ ફ્રી વાઇ-ફાઇ સર્વિસ સાથે પોતાનો ફોન કનેક્ટ કર્યો હતો. ફોન હેક થયા બાદ, મેસેજિંગ એપ્લિકેશન્સ દ્વારા ફોનમાં સેવ કરેલા ૨૦૦ થી વધુ કોન્ટેક્ટ્સને આ ખતરનાક ફાઇલ ઓટોમેટિક ફોરવર્ડ થઈ ગઈ હતી.
આ મેસેજને અસલી ટ્રાફિક ચલણ માનીને બિસ્વાસે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી લીધી હતી. પોલીસને આશંકા છે કે આ માલવેરે (Malware) તેમના ડિવાઇસમાં સ્ટોર થયેલી સંવેદનશીલ માહિતીનો એક્સેસ મેળવી લીધો હતો, જેનો ઉપયોગ નાણાકીય છેતરપિંડી માટે કરવામાં આવ્યો હોઈ શકે છે.
તપાસકર્તાઓનું માનવું છે કે સંક્રમિત એપ્લિકેશન અન્ય કોન્ટેક્ટ્સને પણ આ મલેશિયસ ફાઇલ મોકલતી રહી હતી. ૨૧ જુલાઈના રોજ બિસ્વાસે પોતાના ફોનમાં શંકાસ્પદ પ્રવૃત્તિ જોઈ અને એપ્લિકેશન ડિલીટ કરી દીધી હતી. જોકે, પોલીસને આશંકા છે કે એપ્લિકેશન હટાવતા પહેલા જ માલવેરે મહત્વની માહિતી મેળવી લીધી હતી.
પોલીસે જણાવ્યું કે, `બિસ્વાસને શંકાસ્પદ ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન અંગે કોઈ SMS એલર્ટ મળ્યા નહોતા. આ છેતરપિંડીનો ખુલાસો ૩ ઓગસ્ટે થયો જ્યારે તેમને ક્રેડિટ કાર્ડનું સ્ટેટમેન્ટ મળ્યું.’
તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘ફરિયાદ અનુસાર ૨૧ જુલાઈના રોજ માત્ર ૨૮ મિનિટના ગાળામાં રુપિયા ૪,૨૭,૨૬૪ ના પાંચ અનાધિકૃત ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા.’
બાદમાં બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગે ગ્રાહકનો સંપર્ક કરવા માટે અનેક વાર પ્રયાસો કર્યા હતા. ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ જણાતા અને સંપર્ક ન થઈ શકતા ક્રેડિટ કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યું હતું.
ત્યારબાદ બિસ્વાસે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી અને એમઆરએ માર્ગ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ શંકાસ્પદ સાયબર ગુનાના સંદર્ભમાં ૪ ઓગસ્ટે એફઆઈઆર નોંધવામાં આવી હતી.
મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, ‘માલવેરના સ્ત્રોતની ઓળખ કરવા અને આરોપીઓએ મોબાઇલ ડિવાઇસનો એક્સેસ મેળવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો તે શોધવા માટે તપાસ ચાલુ છે.’
મુંબઈ પોલીસે ચેતવણી આપતાં જણાવ્યું છે કે નાગરિકોએ પબ્લિક વાઇ-ફાઇ નેટવર્ક સાથે કનેક્ટ કરતી વખતે સાવચેત રહેવું જોઈએ અને અજાણ્યા સ્ત્રોતોમાંથી મળેલી એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરવાથી બચવું જોઈએ.
સાયબર નિષ્ણાતોએ વારંવાર ચેતવણી આપી છે કે હેકર્સ વ્યક્તિગત અને નાણાકીય માહિતી ચોરવા માટે નકલી એપ્લિકેશન્સ, ફિશિંગ મેસેજ અને અસુરક્ષિત પબ્લિક નેટવર્કનો ઉપયોગ કરી શકે છે. પોલીસે નાગરિકોને ડાઉનલોડ કરતા પહેલા લિંક્સ અને એપ્લિકેશન્સની ચકાસણી કરવા અને શંકાસ્પદ પ્લેટફોર્મ્સ દ્વારા બેંકિંગ વિગતો શેર ન કરવા સલાહ આપી છે.