સરકાર સાંભળતી ન હોવાથી વિપક્ષના શરણે ગયા એપીએમસીના વેપારીઓ

06 May, 2021 09:41 AM IST  |  Mumbai | Rohit Parikh

દાણાબંદરના વેપારીઓ, દલાલો, કર્મચારીઓ, માથાડી કામગારો અને ટ્રાન્સપોર્ટરોએ વિધાનપરિષદમાં વિરોધ પક્ષના નેતા પ્રવીણ દરેકરને આવેદનપત્ર આપીને કહ્યું કે અમે બધો સપોર્ટ આપીએ છીએ છતાં સરકાર અમારી માગણીઓ પ્રત્યે દુર્લક્ષ સેવી રહી છે

વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા પ્રવીણ દરેકરને આવેદનપત્ર આપી રહેલા ગ્રોમાના પ્રતિનિધિઓ.

કોરાનાના કપરા કાળમાં પણ નવી મુંબઈના વાશીમાં આવેલી એપીએમસી માર્કેટમાં દાણાબંદરના વેપારીઓ, કર્મચારીઓ, માથાડી કામગારો, દલાલો મુંબઈ, નવી મુંબઈ, થાણે અને આસપાસના ઉપનગરોના દુકાનદારો અને ગ્રાહકોને સમયસર જીવનાવશ્યક વસ્તુઓ મળી રહે એ માટે પહેલા લૉકડાઉનથી જ અવિરત સેવા આપી રહ્યા છે. આમ છતાં સરકાર તેમની વિવિધ માગણીઓ પ્રત્યે દુર્લક્ષ સેવી રહી છે એવી ફરિયાદ ગ્રોમા દ્વારા મંગળવારે વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા પ્રવીણ દરેકરને એક આવેદનપત્ર આપીને કરી હતી. 

આ અગાઉ મહારાષ્ટ્ર સરકાર પાસે કોરાનામાં માથાડી કામગારો માટે સુરક્ષાકવચ અને મૃત્યુ પામેલા કામગારોના પરિવારોને ૫૦ લાખ રૂપિયાની સહાય કરવા જેવી વિવિધ માગણીઓ સાથે નવી મુંબઈના એપીએમસી માર્કેટના કામગારોએ ૨૫ એપ્રિલે પ્રતીક હડતાળ પાડીને માર્કેટ સંપૂર્ણ બંધ રાખી હતી. . આ બધી જ માગણીઓને અનુલક્ષીને ધ ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન (ગ્રોમા)એ મંગળવારે માથાડી ભવનમાં પ્રવીણ દરેકર સાથે એક મીટિંગનું આયોજન કર્યું હતું. એમાં ભૂતપૂર્વ વિધાનસભ્ય અને માથાડી કામગાર નેતા નરેન્દ્ર પાટીલ, ગ્રોમાના અધિકારીઓ અમૃતલાલ જૈન, ભીમજી ભાનુશાલી, જયંતકુમાર ગંગર, મયૂર સોની તેમ જ એપીએમસીના ડિરેક્ટર નીલેશ વીરા હાજર રહ્યા હતા. એમાં દાણાબજારના અને એપીએમસી માર્કેટોના વેપારીઓને અને માથાડી કામગારોને પડી રહેલી અનેક મુશ્કેલીની નીલેશ વીરાએ પ્રવીણ દરેકરને માહિતી આપી હતી. આ મીટિંગની અને વેપારીઓની સમસ્યાઓની વિસ્તૃત માહિતી આપતાં ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અને નરેન્દ્ર પાટીલે અનેક વાર આ બાબતની સરકાર સમક્ષ રજૂઆત કરી છે. એપીએમસીના સેસમાં ઘટાડો કરવાની અમારી માગણી પર લક્ષ આપવામાં આવ્યું નથી. ઑનલાઇન વેપારીઓને દરેક પ્રકારની છૂટછાટ આપીને સરકાર ભેદભાવ રાખી રહી છે. ટ્રેનો અને સરકારી બસમાં પ્રવાસ કરવા માટે મંજૂરી આપવા, રીટેલરોના સમયમાં ફેરફાર કરવા, કોરાનાને કારણે મૃત્યુ પામેલા કામગારોને વળતર આપવા, સુરક્ષાકવચરૂપે વીમાકવચ આપવા જેવી અમારી અનેક માગણીઓ તરફ સરકાર દુર્લક્ષ સેવે છે.માર્કેટમાં કોવિડ સેન્ટર અને વૅક્સિન સેન્ટર શરૂ કરવા માટે પણ અનેક વાર નવી મુંબઈનાં વિધાનસભ્ય મંદાતાઈ મ્હાત્રે અને ભૂતપૂર્વ વિધાનસભ્ય ગણેશ નાઈકને પત્ર લખીને અનુરોધ કરવામાં આવ્યો છે. આમ છતાં આ બાબતે હજી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.’ 

mumbai mumbai news navi mumbai rohit parikh apmc market