બોરીવલી સ્ટેશનની બહાર કૉંગ્રેસ અને મોદીભક્તો વચ્ચે થઈ ઝપાઝપી

16 April, 2019 12:31 PM IST  |  મુંબઈ

બોરીવલી સ્ટેશનની બહાર કૉંગ્રેસ અને મોદીભક્તો વચ્ચે થઈ ઝપાઝપી

કૉંગ્રેસ અને મોદીભક્તો વચ્ચે થઈ ઝપાઝપી

ઉત્તર મુંબઈ લોકસભાની ચૂંટણી માટે ગઈ કાલે સવારે થઈ રહેલા કૉંગ્રેસના ચૂંટણીપ્રચાર દરમિયાન બોરીવલી રેલવે-સ્ટેશન પાસે અમુક લોકો અચાનક ‘મોદી-મોદી’ના સૂત્રોચ્ચાર કરવા માંડ્યા હતા. તેમને જોઈને પ્રચારમાં જોડાયેલા કૉંગ્રેસી કાર્યકરો પણ ‘ચૌકીદાર ચોર હૈ’નો સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. જોકે ત્યાર બાદ મામલો ધીરે-ધીરે ગંભીર બનતો ગયો અને બન્ને જૂથ વચ્ચે મારામારી સુધી આ મામલો પહોંચી ગયો હતો. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયો હતા. જોકે મામલાને વધતો જોઈને પોલીસ સતર્ક બની ગઈ હતી અને બોરીવલી પોલીસ તેમ જ રેલવે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ગરમ થઈ ગયેલા વાતાવરણને શાંત પાડ્યું હતું.

બન્યું હતું એવું કે કૉંગ્રેસના ઉમેદવાર અને ફિલ્મઅભિનેત્રી ઊર્મિલા માતોન્ડકરે BJP પર આક્ષેપ કર્યો હતો કે આ લોકો હંમેશાં નફરતની રાજનીતિ કરે છે અને આજે પણ એ જ કર્યું છે. એ ઉપરાંત એમ પણ કહ્યું હતું કે BJP મને પહેલાંથી જ ટાર્ગેટ કરતી આવી છે અને ફરી એણે એ જ કર્યું છે. BJPના કાર્યકરો જબરદસ્તી મારા કાર્યક્રમમાં આવ્યા અને ઘોષણાબાજી કરવા લાગ્યા હતા. મારા કાર્યકરો પર તેઓએ હુમલો પણ કર્યો હતો. BJPવાળા મને ડરાવવાની કોશિશ કરી રહ્યા છે, પણ હું ડરવાની નથી.’

હંગામા બાદ બોરીવલી પોલીસ-સ્ટેશને ઊર્મિલા માતોન્ડકર પહોંચી હતી અને તેણે લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેણે કહ્યું હતું કે મેં પોલીસમાં મારા પ્રોટેક્શનની અને દોષીઓ પર કાર્યવાહી કરવાની માગણી કરી છે.

દરમિયાન આ આખા બનાવમાં BJPના ઉમેદવાર ગોપાલ શેટ્ટીનું કહેવું છે કે ‘કૉંગ્રેસ પોતાની પબ્લિસિટી માટે પોતે હંગામો કરાવે છે અને બીજા પર આરોપ લગાવે છે. હંગામો કરી રહેલા BJPના કાર્યકરો નહીં, પણ મોદીભક્તો હતા અને તેમને તકલીફ થઈ એટલે તેમણે ‘મોદી-મોદી’ના નારા લગાડ્યા હતા. ભૂલ કૉંગ્રેસની છે. તેમની રૅલીનો રૂટ એસ. વી. રોડ હતો, પરતુ તેઓ સ્ટેશનની તરફ જતા રહ્યા હતા જેથી નારાજ યાત્રીઓએ નારેબાજી કરી હતી. મેં પોલીસ અને ચૂંટણી આયોગમાં આ વિશે યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી છે. જેમ બધા પક્ષને તેમના મત માંડવાનો અધિકાર છે એમ જનતાને પણ પોતાનો મત માંડવાનો અધિકાર છે અને એ માટે તેમના પર હુમલો કરવો એ તો તદ્દન ખોટું છે. કૉંગ્રેસની આ જૂની આદત છે.’

આ પણ વાંચો : મુંબઈ: કચ્છી ટીનેજરને સેલ્ફી લેવાનું ભારે પડ્યું

પોલીસ શું કહે છે?

આ વિશે ડીસીપી સંગ્રામસિંહ નિશાનદારે કહ્યું હતું કે ‘અમને કૉંગ્રેસ પાસેથી એક લેખિત ફરિયાદ મળી છે અને અમે ઊર્મિલા માતોન્ડકરને સુરક્ષા આપી છે. એ વિશે પોલીસતપાસ ચાલી રહી છે તેમ જ નારાબાજી કરી રહેલા લોકો પાસે પ્રચારનું કોઈ સાધન મળ્યું નથી એથી તેઓ કઈ પાર્ટીના હતા એની જાણકારી મળી નથી. બન્ને પક્ષે ફરિયાદ કરી છે.’

borivali urmila matondkar congress bharatiya janata party mumbai news