રેલવે પાની ભી મુફ્ત મેં નહીં દેતા, આપકો રૂપિયે તો દેને હી હોંગે

03 February, 2019 10:47 AM IST  |  | પ્રીતિ ખુમાણ ઠાકુર

રેલવે પાની ભી મુફ્ત મેં નહીં દેતા, આપકો રૂપિયે તો દેને હી હોંગે

પ્રતીકાત્મક તસવીર

બાંદરા ટર્મિનલથી છૂટતી પશ્ચિમ એક્સપ્રેસના S૩ ડબ્બામાં આઘાતજનક બનાવ બન્યો હોવાનો લાઇવ વિડિયો રેલવે યાત્રી પરિષદ, કુર્લાના અધ્યક્ષે સોશ્યલ મીડિયા સાથે રેલવે પ્રશાસનને પણ ટ્વીટ કર્યો છે. પરિષદના અધ્યક્ષ સુભાષ ગુપ્તાએ આરોપ કર્યો છે કે પ્રવાસીનો જીવ જોખમમાં હોવા છતાં પરિવાર પાસે દવા માટે ૨૦૦ રૂપિયા માગવામાં આવ્યા હતા તેમ જ પહેલાં જાણ કરી હોવા છતાં દાહોદ સ્ટેશન પર ઇમર્જન્સી સુવિધા અપાઈ નહોતી. રેલવેની લાપરવાહીને કારણે ૮૦ વર્ષના સિનિયર સિટિઝને જીવ ગુમાવ્યો હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે. જોકે ટ્વીટ દ્વારા રેલવેએ જવાબ આપ્યો હતો કે RPF અને GRPએ ત્યાં આવીને મૃત વ્યક્તિને અટેન્ડ કર્યા હતા.

આ બનાવ વિશે વધુ માહિતી આપતાં સુભાષ ગુપ્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું પશ્ચિમ એક્સપ્રેસના S૩ ડબ્બામાં પ્રવાસ કરી રહ્યો હતો અને એ ડબ્બામાં બે નાની દીકરીઓ, દીકરા અને પત્નીની સાથે ૮૦ વર્ષના સિનિયર સિટિઝન પ્રવાસ કરી રહ્યા હતા. વડોદરા સ્ટેશન આવતાં જ સિનિયર સિટિઝનને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને તબિયત ખૂબ બગડી રહી હતી. એથી કોચના TCને જાણ કરવામાં આવી અને તેમણે સંબંધિત લોકો અને દાહોદ સ્ટેશનને ફોન કરીને હેલ્પ માગી હતી. દાહોદ સ્ટેશન આવતાં ફક્ત એક ડૉક્ટર અને તેમની બૅગ લઈને એક મહિલા આવ્યાં હતાં. ડૉક્ટરે પ્રવાસીની તપાસ કરીને છ ગોળીઓ આપી હતી તથા દવાના ૨૦૦ રૂપિયા માગ્યા હતા. પૈસા વિશે સવાલ પૂછતાં ‘રેલવે પાની ભી મુફ્ત મેં નહીં દેતા, આપકો રૂપિયે દેને હી હોંગે’ એવું કહ્યું હતું એટલે મેં એની રસીદ માગી હતી. રસીદ માગતા એ ડૉક્ટરે TCને રસીદ આપવા કહ્યું હતું. TCએ કહ્યું કે મેં આવી રસીદ ક્યારેય આપી નથી. પ્રવાસીના સંબંધી બૂમો પાડવા લાગ્યા કે સિનિયર સિટિઝન કોઈ રિસ્પૉન્સ જ આપી રહ્યા નથી. જોકે ડૉક્ટર તો દવા આપીને પૈસા લઈને ટ્રેનમાંની નીચે ઊતરી ગયા હતા. પ્રવાસી કોઈ રિસ્પૉન્સ આપી રહ્યા ન હોવાથી તે મૃત્યુ પામ્યા હોવાનો અમને અંદાજ આવી ગયો હતો. એટલે અન્ય પ્રવાસીઓએ ચેઇન ખેંચી હોવાથી ટ્રેન ત્યાં જ ઊભી રહી હતી. જોકે દાહોદ સ્ટેશન પર પહેલેથી જાણ કરી હોવા છતાં સ્ટેશન પર સ્ટેશન-માસ્ટર, RPF, GRP, સહાયતા માટે કૂલી કે સ્ટ્રેચર એમ કંઈ નહોતું. પ્રવાસીઓએ મળીને મૃત્યુ પામેલા પ્રવાસીને પ્લૅટફૉર્મ પર સ્ટ્રેચર વગર જ મૂકવા પડ્યા હતા. પરિવાર ડેડ-બૉડી સાથે પ્લૅટફૉર્મ પર જ બેઠો હતો.’

આ પણ વાંચો : મુંબઈ: ભાઈંદરનો 41 વર્ષનો ગુજરાતી ગુમ થયો

રેલવે-પ્રશાસન અનેક બહાનાં આપીને હાથ ઉપર કરી રહ્યું છે એમ જણાવીને સુભાષ ગુપ્તાએ કહ્યું હતું કે ‘મોડી રાત સુધી હું સતત પરિવારનો સંપર્ક કરતો હતો અને લાંબા સમય સુધી તેઓ પ્લૅટફૉર્મ પર જ હતા. ૧૦૮ નંબરની ઍમ્બ્યુલન્સ ડેડ-બૉડી લઈ જતી નથી. આ બનાવ વિશે મેં રેલવેને ટ્વીટ કરીને જાણ કરી હતી અને સંબંધિતો સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. રેલવેએ જવાબ આપ્યો છે કે GRPએ ત્યાં આવીને મૃત વ્યક્તિને અટેન્ડ કરી હતી. સહપ્રવાસીઓએ પોસ્ટમૉર્ટમ માટે ના પાડતાં કાર્યવાહીમાં વિલંબ થયો એવું તેમણે કહ્યું હતું. જોકે આ ઘટના ખૂબ શરમજનક હોવાથી આ વિશે હું રેલવે મિનિસ્ટર સુધી પહોંચવાનો છું.’

western railway indian railways mumbai trains