એકની ભૂલ, બીજાને સજા

15 May, 2022 09:00 AM IST  |  Mumbai | Mehul Jethva

મુલુંડના એસ. એલ. રોડ પરના માર્કેટ વિસ્તારમાં આવેલી ૧૮ દુકાનોને ખાલી કરવાની સુધરાઈએ આપી નોટિસ : બીએમસીના કૉન્ટ્રૅક્ટરની ભૂલની સજા દુકાનદારોને મળી

ચાગપાર ખીમજી બિલ્ડિંગમાં આવેલી સેન્ટર પૉઇન્ટ માર્કેટ

મુલુંડ-વેસ્ટમાં એસ. એલ. રોડ પર આવેલી સેન્ટર પૉઇન્ટ માર્કેટની નીચેની બાજુ આવેલી દુકાનો બીએમસી હસ્તક ચાલે છે. આ દુકાનોનું સમારકામ બીએમસીએ હાથ ધર્યું હતું, જેમાં વેપારીઓ એક પછી એક દુકાનનું સમારકામ કરાવતા હતા. એ દરમ્યાન ગયા સોમવારે બીએમસીના કૉન્ટ્રૅક્ટરે એક દુકાનનું છજું તોડવા માટે રોડ ખોદવાનું મશીન વાપર્યું હોવાથી પહેલા માળનો કેટલોક ભાગ નીચે પડ્યો હતો. એ ઘટના પછી સાવચેતીરૂપે બીએમસીએ અહીં આવેલી ૧૮ દુકાનોને ખાલી કરવાની નોટિસ આપી હતી જેનો વેપારીઓએ વિરોધ કર્યો હતો.

એસ. એલ. રોડ પર આવેલા ચાગપાર ખીમજી બિલ્ડિંગની નીચે આવેલી આશરે ૫૦ દુકાનો હજી પણ બીએમસી હસ્તક ચાલતી હોવાથી અહીં ભલે દુકાન વેપારીઓ ચલાવે, પણ તમામ બાબતની દેખરેખની જિમ્મેદારી બીએમસી નિભાવે છે. મુલુંડના ‘ટી’ વૉર્ડ બિલ્ડિંગ ઍન્ડ મેઇન્ટેનન્સ વિભાગ અને માર્કેટ વિભાગ દ્વારા અહીંની દુકાનોનું સમારકામ કરાવવું જરૂરી હોવાથી ટેન્ડર બહાર પાડીને એક પછી એક દુકાનનું કામ હાથ ધર્યું હતું. એ દરમ્યાન ગયા સોમવારે લાડકા નામની દુકાનમાં છજાનું કામ કરતી વખતે બીએમસીના કૉન્ટ્રૅક્ટરોએ રોડ પર ખાડો કરવાના મશીનથી છજું તોડવાની કોશિશ કરી હતી. એમાં એકાએક એ મશીનના વધુ પ્રેશરથી પહેલા માળે રહેતા પરિવારના કિચનમાં મશીન આરપાર થઈ ગયું હતું. એ પછી બીએમસીના અધિકારીઓએ અહીંનું કામ બંધ કરી દીધું હતું અને ગઈ કાલે એકાએક તેમણે અહીં આવીને ૧૮ દુકાનોને ખાલી કરવા નોટિસ આપી હતી. જોકે વેપારીઓએ તેમને એમ પૂછ્યું કે દુકાન તો અમે હાલમાં ખાલી કરી આપીએ, પણ ફરી પાછી ક્યારે અમને આપશો? ત્યારે એ વિશે બીએમસીના અધિકારીઓ પાસે કોઈ જવાબ નહોતો.

લાડકો અને લાડકી દુકાનના માલિક બાબુભાઈ ચૌહાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીએમસીએ અમને કહ્યું એ પ્રમાણે અમે એક પછી એક દુકાન ખાલી કરતા હતા અને એમાં બીએમસીના કૉન્ટ્રૅક્ટરો કામ કરતા હતા. મારી લાડકો દુકાનમાં કામ કરતી વખતે કૉન્ટ્રૅક્ટરની બેદરકારીને લીધે છજામાં મશીન આરપાર થઈ ગયું હતું. એ જોતાં બીએમસીએ બિલ્ડિંગ વધુ જર્જરિત હોવાનું કહી બધાને ખાલી કરવાની નોટિસ આપી છે.’

અહીં આવેલી રી-સ્ટાઇલ દુકાનના માલિક ખોડીદાસ કોટકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીએમસીના કહેવા પ્રમાણે મેં અને મારા અન્ય સાથીઓએ દુકાન ખાલી કરી હતી. હું મારી વાત કરું તો મેં માત્ર એક મહિના માટે બીજી દુકાન ભાડે લીધી હતી, પણ હવે બીએમસી તરફથી બધાને ખાલી કરવા કહેવામાં આવ્યું છે અને તેઓ ક્યારે પાછી દુકાન આપશે એની કોઈ માહિતી આપવામાં આવી નથી એ બાબતે બધા વેપારીઓને ચિંતા છે. નોટિસ આપવા પહેલાં અહીંના દુકાનદારો સાથે બીએમસીના અધિકારીઓએ એક મીટિંગ કરવી જોઈએ જેથી તમામને આગળ ક્યારે દુકાન મળશે એની માહિતી રહે.’

મુલુંડના ‘ટી’ વૉર્ડના બિલ્ડિંગ ઍન્ડ ફૅક્ટરી વિભાગના સિનિયર અધિકારી રાજન પ્રભુએ મિડ-ડે’ને કહ્યું હતું કે અમે ૧૮ દુકાનોને ખાલી કરવાની નોટિસ આપી છે, કારણ કે હાલમાં એ દુકાનો જર્જરિત દેખાઈ આવે છે. તેમને દુકાનમાં સમારકામ કરશો કે પછી નવું સ્ટ્રક્ચર ઊભું કરશો એમ પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું એ બાબતે હજી અમને કોઈ આઇડિયા નથી. તેમને અહીંની દુકાનો ક્યારે વેપારીઓને પાછી કરવામાં આવશે એમ પૂછવામાં આવતાં એ બાબતે તેમણે કહ્યું હતું કે આ બાબતે સિનિયર અધિકારીઓ નિર્ણય લેશે.

mumbai mumbai news mulund brihanmumbai municipal corporation mehul jethva