મુલુંડનાં ગુજરાતી મહિલાને કરકસર કરવી બહુ મોંઘી પડી

24 July, 2021 09:13 AM IST  |  Mumbai | Mehul Jethva

બિલ્ડિંગમાં ડૉક્ટર હોવા છતાં દાંતની ટ્રીટમેન્ટ ચૅરિટેબલ ક્લિનિકમાં કરાવવા ગયેલાં ભાનુબહેન જેઠવાની સોનાની ચેઇન અજાણી વ્યક્તિ ખેંચીને ભાગી ગઈ

ભાનુબહેન જેઠવાની

કોરોનામાં થયેલા લૉકડાઉનને લીધે લોકોને થઈ રહેલી આર્થિક તકલીફોને ધ્યાનમાં રાખીને મોટા ભાગના લોકોએ કરકસર કરવાનું શરૂ કરી દીધું છે. જોકે આવી જ કરકસર કરવાનું મુલુંડનાં એક ગુજરાતી મહિલાને મોંઘું પડી ગયું હોવાનું જાણવા મળ્યું છે.

મુલુંડ (વેસ્ટ)માં ન્યુ લાલન બિલ્ડિંગમાં રહેતાં ૫૮ વર્ષનાં ભાનુબહેન ગોવિંદ જેઠવા પોતાના બિલ્ડિંગમાં જ ડેન્ટિસ્ટ હોવા છતાં દાંતની ટ્રીટમેન્ટ કરાવવા લાયન્સ ક્લબમાં ગયાં હતાં, કારણ કે ત્યાં સારવારનો ખર્ચ ઓછો થતો હોય છે. સારવાર લઈને તેઓ આરઆરટી રોડ પરથી પાછાં ઘરે આવી રહ્યાં હતાં ત્યારે એક વ્યક્તિ તેમની સામે આવીને તેમના ગળામાંથી સોનાની ચેઇન ખેંચીને ભાગી ગઈ હતી.

ગુરુવારે રાત્રે આઠ વાગ્યે બનેલી આ ઘટનામાં આરોપી બાઇક કે બીજા કોઈ વાહન પર નહીં પણ ચાલીને આવ્યો હતો અને ચેઇન ખેંચીને ભાગી ગયો હતો. આખી ઘટના વિશે ભાનુબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરઆરટી રોડ પર માર્કેટમાંથી હું પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ ચડ્ડી પહેરેલો એક માણસ મારી સામે આવીને ઊભો રહી ગયો હતો. હજી હું કંઈ પૂછું-કરું એ પહેલાં જ તે મારા ગળામાંથી ચેઇન ખેંચીને ભાગી ગયો હતો. થોડી વાર માટે તો હું સ્તબ્ધ થઈ ગઈ હતી. જોકે ત્યાર બાદ મેં ચોર-ચોરની બૂમો મારી હતી, પણ ત્યાં સુધીમાં તો તે ભાગી ગયો હતો. મારી બૂમો સાંભળીને લોકો ભેગા થઈ ગયા હતા અને તેમણે પોલીસને બોલાવી હતી. મારી બે તોલાની ચેઇન હોવાથી મેં પોલીસને જેમ બને એમ જલદી આરોપીને પકડી પાડવા કહ્યું છે.’

મુલુંડ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પ્રદીપ વાળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અજાણી વ્યક્તિની સામે રૉબરીનો ગુનો નોંધીને આ કેસની તપાસ કરી રહ્યા છીએ. ઘટનાસ્થળના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ અમે ભેગાં કર્યાં છે અને અમુક આઇ-વિટનેસનાં સ્ટેટમેન્ટ પણ નોંધ્યાં છે. ફરિયાદીએ જે રીતે આરોપીનું વર્ણન કર્યું છે એ જોતાં એવું લાગે છે કે આ કોઈ લોકલ વ્યક્તિનું જ કામ હોવું જોઈએ.’

mumbai mumbai news mulund Crime News mumbai crime news mehul jethva