કરે કોઈ, ભરે કોઈ

22 January, 2022 11:51 AM IST  |  Mumbai | Mehul Jethva

મુલુંડની નિર્મલ લાઇફસ્ટાઇલ રેસિડન્સીમાં ૧૫ વર્ષ પહેલાં બિલ્ડર દ્વારા બાંધવામાં આવેલા કથિત ગેરકાયદે ક્લબહાઉસનું સુધરાઈએ ડિમોલિશન શરૂ કરતાં કોઈ વાંક વગર ૭૦૦ રહેવાસીઓએ ભોગવવી પડી તકલીફ

નિર્મલ લાઇફસ્ટાઇલ રેસિડન્સીનું અડધું ડિમોલિશ કરવામાં આવેલું ક્લબહાઉસ

મુલુંડ-વેસ્ટમાં એલબીએસ રોડ પર આવેલી નિર્મલ લાઇફસ્ટાઇલ રેસિડન્સીમાં બિલ્ડરે ૧૫ વર્ષ પહેલાં કથિત ગેરકાયદે બાધેલા ક્લબહાઉસનું ડિમોલેશન કાર્ય સુધરાઈએ ગઈ કાલે હાથ ધર્યું હતું. એ દરમ્યાન અહીં રહેતાં ૭૦૦ પરિવારોએ એનો જબરો વિરોધ કરતાં સુધરાઈ અને પોલીસ અધિકારીઓ ડિમોલિશનનું કામ અડધું મૂકીને પાછા ફર્યા હતા. જોકે સુધરાઈના અધિકારીએ કહ્યું હતું કે એ ગેરકાયદે છે અને એને અમે આવતા દિવસોમાં આખું તોડી પાડીશું.
કરે કોઈ અને ભરે કોઈ એવા હાલ મુલુંડમાં આવેલા નિર્મલ લાઇફસ્ટાઇલ રેસિડન્સીમાં રહેતા ૭૦૦ પરિવારોને થયા છે. નિર્મલ ડેવલપર દ્વારા ૨૦૦૫માં અહીં નવ બિલ્ડિંગનું કૉમ્પ્લેક્સ બાધવામાં આવ્યું હતું. એમાં આશરે ૭૦૦ ફ્લૅટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તમામ બિલ્ડિંગોને એક કૉમન ક્લબહાઉસ સહિત અન્ય ઍમિનિટીઝ આપવાનો વાયદો કરીને બિલ્ડર દ્વારા રેસિડન્સીની વચ્ચે એક જગ્યાએ પાર્કિંગના ઉપરના ભાગમાં ક્લબહાઉસ બાંધવામાં આવ્યું હતું. ત્યાર બાદ સોસાયટી બન્યા થયા પછી સુધરાઈએ સોસાયટીને ગેરકાયદે બાંધકામની નોટિસ મોકલતાં બિલ્ડર દ્વારા કહેવામાં આવ્યું હતું કે થોડા દિવસમાં એને રેગ્યુલરાઇઝ કરવામાં આવશે. જોકે કૉમ્પ્લેક્સને ૧૫ વર્ષ થઈ જતાં ગઈ કાલે સુધરાઈ જાગી હતી અને અહીંના ક્લબહાઉસનું ડિમોલિશન કરવા એના માણસો આવી પહોંચ્યા હતા. તેમને જોઈને અહીં રહેતાં બાળકો અને મહિલાઓ સુધરાઈના કામનો વિરોધ કરવા ભેગાં થતાં સુધરાઈએ થોડું ડિમોલિશન કર્યા પછી કામ બંધ કરી દીધું હતું અને વધુ પોલીસ ફોર્સ સાથે આવવાનું કહીને ત્યાંથી નીકળી ગયા હતા.
નિર્મલ લાઇફસ્ટાઇલ રેસિડન્સી લોકલ એરિયાના સેક્રેટરી રાજેશ સિંહએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને ચાર દિવસ પહેલાં સુધરાઈની નોટિસ મળી હતી. એની સામે અમે તેમને ગઈ કાલે પત્ર લખ્યો હતો કે અમે એને રેગ્યુલરાઇઝ કરવા માટેની તમામ પ્રક્રિયા કરવા તૈયાર છીએ. એ પત્ર તેમને આપીએ એ પહેલાં જ સુધરાઈના અધિકારીઓએ આવીને અહીં ડિમો​લિલશન કાર્ય હાથ ધર્યું હતું. અમે અહીં ફ્લૅટ બુક કર્યા હતા ત્યારે અમને આ બાબતની કોઈ માહિતી જ નહોતી. સુધરાઈએ અમારા પ્રત્યે કૂણું વલણ રાખીને અમારી વાતો સાંભળવી જોઈએ.’
નિર્મલ લાઇફસ્ટાઇલ રેસિડન્સીમાં રહેતા પૂરવ ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સોસાયટીમાં એન્ટરટેઇનમેન્ટ માટે એક જ જગ્યા છે જેમાં સવારે યોગ ક્લાસિસ, જિમ, બાળકો માટે ક્લાસિસ અને ડાન્સ ક્લાસિસ જેવી ઍક્ટિવિટી થતી હોય છે. અમારા કૉમ્પ્લેક્સમાં રહેતાં બાળકોને ડિમોલિશન વિશે જાણવા મળ્યું ત્યારે તેઓ નિરાશ થઈ ગયાં હતાં.’
મુલુંડના ‘ટી’ વૉર્ડ બિલ્ડિંગ ઍન્ડ ફૅક્ટરી વિભાગના સિનિયર અધિકારી રાજન પ્રભુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે તેમને બે વર્ષ પહેલાં પણ નોટિસ આપી હતી. જોકે એ પછી કોવિડ મહામારી આવતાં અમે કોઈ ઍક્શન લીધી નહોતી. ગઈ કાલે અમે ડિમોલિશન માટે ગયા ત્યારે તેમણે વિરોધ કર્યો હતો એટલે અમે પાછા ફર્યા હતા, પણ અમે પાછા જઈશું અને ગેરકાયદે બાધેલું ક્લબહાઉસ ડિમોલિશ કરીશું.’

mumbai mumbai news mulund mehul jethva