કહાં ઐસા યારાના...

20 November, 2022 12:05 PM IST  |  Mumbai | Mehul Jethva

૧૦ દિવસ પહેલાં મિત્રના થયેલા મૃત્યુનું દુઃખ સહન ન થતાં મુલુંડના ૪૨ વર્ષના વેપારીએ કરી આત્મહત્યા

મયૂર ઠક્કર

૧૦ દિવસ પહેલાં મિત્રના થયેલા મૃત્યુનું દુખ સહન ન થતાં ગઈ કાલે મુલુંડમાં રહેતા ૪૨ વર્ષના ગુજરાતી વેપારીએ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. તેની પત્ની માર્કેટથી ઘરે પાછી ફરી ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારે પત્નીને પતિએ ચાદર ગળામાં લપેટીને આત્મહત્યા કરી હોવાની જાણ થઈ હતી. આ ઘટના વિશે મુલુંડ પોલીસે એડીઆર નોંધીને તપાસ શરૂ કરી છે.

મુલુંડ-વેસ્ટમાં તાંબેનગરના રઘુવંશી વિસ્તારમાં આવેલા ઓધવરામ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા ૪૨ વર્ષના મયૂર ઠક્કરની પત્ની જ્યોત્સ્ના ગઈ કાલે સવારે માર્કેટ ગઈ હતી અને શનિવાર હોવાથી તેમનો પુત્ર દેવાંશ માસીના ઘરે રોકાવા ગયો હતો. ત્યારે મયૂરે બેડ પરની ચાદર પોતાના ગળામાં વીંટાળીને આત્મહત્યા કરી હતી. જ્યોત્સ્ના સવારે નવ વાગ્યે ઘરે પાછી ફરી ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. દરવાજો લૉક જોઈને તે બીજી ચાવીથી ઘર ખોલીને અંદર ગઈ ત્યારે જોયું કે મયૂરે આત્મહત્યા કરી હતી. મયૂરને તરત સ્થાનિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો. એ પછી મુલુંડ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

મુલુંડ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર સચિન ટપાલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આત્મહત્યા કરનાર વેપારી કારનો વ્યવસાય કરતો હતો અને તેની સાથે તેનો એક મિત્ર ત્યાં જ બેસીને રિયલ એસ્ટેટનું કામકાજ કરતો હતો. તેઓ છેલ્લાં ૧૦ વર્ષથી મિત્ર હતો. દસેક દિવસ પહેલાં મિત્રનું હાર્ટ-અટૅકને કારણે મૃત્યુ થયું હતું. એ પછી મયૂર પરેશાન અને ડિપ્રેશનમાં રહેતો હતો.

પ્રાથમિક માહિતીના આધારે તેણે મિત્રના મૃત્યુના દુખને કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ-નોટ મળી આવી નથી.’

મયૂર ઠક્કરના એક સંબંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મયૂર છેલ્લા ૧૦ દિવસથી સતત ડિપ્રેશનમાં લાગતો હતો અને ઘરમાં પણ શાંત-શાંત રહેતો હતો. આટલો બધો શાંત તો અમે તેને ક્યારેય નથી જોયો. મિત્ર અને તે બન્ને જિગરજાન હતા. બન્ને આખો દિવસ સાથે રહેતા હતા અને સાથે જમતા પણ હતા. એકાએક થયેલા મિત્રના મૃત્યુથી મયૂર ભારે પરેશાન થયો હતો.’

ગઈ કાલે મુલુંડના તાંબેનગર વિસ્તારમાં બનેલી આત્મહત્યાની બીજી ઘટનામાં શાંતિ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા ૩૨ વર્ષના વિજય પવારે પોતાની ઑફિસમાં જ આત્મહત્યા કરીને જીવનનો અંત લાવી દીધો હતો. ઑફિસનો અન્ય સ્ટાફ સવારે આવ્યો ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. વિજયે આત્મહત્યા કરી હોવાનું દેખાઈ આવ્યું હતું. મુલુંડ પોલીસે ઘટનાનો એડીઆર નોંધીને તેના પરિવારને જાણ કરી હતી.

mumbai mumbai news mulund mehul jethva