દાદ આપવી જ પડે આ ગુજરાતી મહિલાની હામને

31 March, 2021 08:25 AM IST  |  Mumbai | Mehul Jethva

ભાવિકા વીરાને ૬૦,૦૦૦ રૂપિયાનો ચૂનો લગાડીને નાસી ગયેલાં બન્ટી-બબલીની ફરિયાદ સામે પોલીસે કોઈ ધ્યાન ન આપતાં જાતે આરોપીઓની શોધમાં લાગી ગયાં અને તેમને પકડાવીને જ જંપ્યાં

આરોપી પ્રેમ અને પ્રીતિ એટલે કે બન્ટી-બબલી

એક સ્ત્રી ઇચ્છે તો આસમાનને પણ ઝુકાવી શકે છે એ વાક્ય મુલુંડમાં લેડીઝ કપડાંની દુકાન ધરાવતાં ભાવિકા વીરાએ સાચું સાબિત કરી દેખાડ્યું છે. ભાવિકા વીરાની મુલુંડ (વેસ્ટ)માં ગણેશ ગાવડે રોડ પર દુકાન છે. એમાં ફેબ્રુઆરીમાં બન્ટી-બબલી કપડાં ખરીદવાના નામે તેમને ૬૦,૦૦૦ રૂપિયાનો ચૂનો લગાડીને નાસી ગયાં હતાં. આ ઘટના બાદ ભાવિકા વીરા ફરિયાદ કરવા માટે મુલુંડ પોલીસ-સ્ટેશન પર ગયાં હતાં. જોકે તેમની ફરિયાદ સામે પોલીસે કોઈ ધ્યાન ન આપતાં તેમણે સિનિયર અધિકારીઓને મળીને ૮ દિવસ બાદ પોતાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પણ પોલીસ દ્વારા કોઈ તપાસ કરવામાં ન આવતાં તેઓ ખુદ આરોપીની શોધમાં લાગ્યાં હતાં. એ દરમ્યાન તેમને જાણ થઈ હતી કે તેમની સાથે છેતરપિંડી કરી ગયેલા આરોપીની વાશી પોલીસે ધરપકડ કરી છે. ત્યાર બાદ તેમણે મુલુંડ પોલીસ-સ્ટેશનનો સંપર્ક કરીને આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસને મદદ કરી હતી.

મુલુંડ (વેસ્ટ)માં ગણેશ ગાવડે રોડ પર આવેલા બી-ડિઝાઇન સ્ટુડિયોમાં રવિવાર, ૨૧ ફેબ્રુઆરીએ સાંજે એક મહિલા અને એક યુવક લગ્ન માટેનો ડ્રેસ ખરીદવા આવ્યાં હતાં એમ જણાવીને પોલીસે કહ્યું હતું કે ‘એક કલાકની ખરીદીમાં તેમણે આશરે ૬૫,૦૦૦ રૂપિયાનો માલ લેવાનું નક્કી કર્યું હતું. દુકાનની માલિક ભાવિકા વીરાએ તેમનું બિલ બનાવ્યું હતું. તેમને ત્યાં આવેલાં બન્ટી-બબલીએ ઑનલાઇન એટલે કે બારકોડ સ્કૅન કરીને પેમેન્ટ ચૂકવવાનું ભાવિકા વીરાને જણાવ્યું હતું. રાતનો સમય હોવાથી તેમણે એક વાર બારકોડ સ્કૅન કરીને ભાવિકા વીરાને પેમેન્ટ થઈ ગયું હોવાનો મેસેજ દેખાડ્યો હતો. જોકે એ સમયે ભાવિકાના મોબાઇલ પર પેમેન્ટ આવ્યાનો કોઈ મેસેજ આવ્યો નહોતો. ભાવિકા વીરાએ તેમને કહ્યું હતું કે તમારું પેમેન્ટ આવ્યું નથી. જોકે બન્ટી-બબલીએ કહ્યું કે મોટું પેમેન્ટ છે એટલે તમને મેસેજ આવતાં વાર લાગશે. એમ કહી તેઓ ત્યાંથી માલ લઈને જતાં રહ્યાં હતાં. કલાકો સુધી કોઈ પેમેન્ટ ન આવતાં ભાવિકા વીરાને શંકા ગઈ હતી. એટલે તેમણે બન્ટી-બબલીએ આપેલા નંબર પર ફોન કર્યો હતો. જોકે તેમના તરફથી કોઈ જવાબ ન મળતાં ભાવિકા વીરા મુલુંડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ગયાં હતાં. ત્યાં હાજર અધિકારીઓએ તેમની ફરિયાદ કેટલાક દિવસો સુધી ન લેતાં તેમણે ઝોનલ ડીસીપીને મળીને પોતાની ફરિયાદ નોંધાવી હતી.’

આવી ઘટના મારે ત્યાં પહેલી વાર થઈ છે એમ જણાવીને દુકાનનાં માલિક ભાવિકા વીરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ આરોપીએ આ પહેલાં પણ કેટલાક લોકો સાથે આવી છેતરપિંડી કરી હશે એ ધ્યાનમાં લઈને તેમની ધરપકડ કરાવવી એ મારો હેતુ  હતો. એ દરમ્યાન મને ખબર પડી કે મારી સાથે થયેલી એવી જ ઘટના વાશીમાં થઈ છે અને વાશી પોલીસે તેમની ધરપકડ કરી છે. મેં વાશી પોલીસ-સ્ટેશનમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમણે ધરપકડ કરેલા આરોપીઓને ત્યાંની ઘટનામાં જામીન આપી દીધા હતા. એટલે મેં મુલુંડ પોલીસ-સ્ટેશન પર જઈને આખી ઘટના તેમની સામે મૂકી હતી. ત્યાર બાદ મુલુંડ પોલીસ-સ્ટેશનના અધિકારીઓએ બે આરોપીની ધરપકડ કરી હતી.’

પોલીસનું શું કહેવું છે?

વાશી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રમેશ ચવાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વાશીના સેક્ટર ૧૭માં આવેલા અદા બુટિક સ્ટોરમાં પણ ધરપકડ કરેલાં બન્ટી-બબલી એટલે કે પ્રેમ નરોત્તમ સોલંકી અને તેની પ્રેમિકા પ્રીતિ યાદવ આવી જ રીતે દુકાનદારનો ૫૦,૦૦૦ રૂપિયાનો માલ લઈને રફુચકર થઈ ગયાં હતાં. અમે તેમની પાસેથી બધો માલ રિકવર કરીને અદા બુટિકને સોંપ્યો છે.’

મુલુંડ પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર પ્રદીપ વાળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓએ ઘણા વેપારીઓને પોતાના શિકાર બનાવ્યા હોય એવું પ્રાથમિક માહિતીમાં જા‌ણવા મળી રહ્યું છે. મુલુંડમાં થયેલી ઘટનામાં અમે બધો માલ રિકવર કરીને તેમની ધરપકડ કરી છે.’

mumbai mumbai news Crime News mumbai crime news mulund mehul jethva