17 December, 2025 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મંગળવારે રાતે ઘટનાની માહિતી મળતાં ભેગી થયેલી પબ્લિક અને સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલો મેસેજ.
મુલુંડ-વેસ્ટમાં આંબેડકર રોડ અને સેવારામ લાલવાણી રોડના જંક્શન પર વિજય સોસાયટી હૉલ નજીક મંગળવાર રાતે બે યુવતીઓનું કારમાં આવેલા યુવાનો દ્વારા અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો દાવો કરતો એક મેસેજ ગઈ કાલે સવારે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ મેસેજથી વાલીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓમાં જબરદસ્ત ફફડાટ જોવા મળ્યો હતો. બીજી બાજુ મંગળવારે રાતે આ મામલાની નોંધ લઈને મુલુંડ પોલીસના આશરે ૧૮ અધિકારીઓ યુવતીઓ અને અપહરણ કરવાની કોશિશ કરનારની શોધમાં લાગી ગયા હતા. જોકે ૪ કલાક ચાલેલી તપાસમાં યુવતીઓની માત્ર ગેરસમજ થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. મુલુંડ પોલીસે નાગરિકોને સાવચેત રહીને આવા મેસેજ સામે ધ્યાન ન આપવાની અપીલ કરી છે.
શું હતી ઘટના?
મુલુંડ પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર શિવાજી ચૌહાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે. એન. રોડ પર કેકની એક દુકાનમાં નોકરી કરતી બે યુવતીઓ આંબેડકર રોડ અને સેવારામ લાલવાણી રોડના જંક્શન નજીકથી રાતે ૧૦ વાગ્યાની આસપાસ પસાર થઈ રહી ત્યારે એક કારમાંથી એક વ્યક્તિ નીચે ઊતરી હતી. ત્યારે અંદર બેઠેલા યુવાને બહાર નીકળેલા યુવાનને જલદી અંદર લે... જલદી અંદર લે... એમ બેથી ૩ વાર કહ્યું હતું. એ સમયે ત્યાંથી પસાર થતી યુવતીઓને એમ લાગ્યું કે અંદર બેઠેલા યુવાને તેમને કારની અંદર લેવા માટે કહ્યું હતું એટલે ગભરાઈને તેઓ તરત જ ત્યાંથી ભાગી ગઈ હતી. એ પછી બન્ને યુવતીઓએ પોતાની સાથે બનેલી ઘટનાની રોડ પરથી પસાર થતા લોકોને જાણ કરી હતી એટલે મોટી સંખ્યામાં લોકો ત્યાં ભેગા થયા હતા. એની સાથે સામાન્ય રીતે જેમ બનતું હોય છે એમ એક વાતમાંથી અનેક વાતોએ જન્મ લીધો હતો જેના આધારે જાતજાતના મેસેજ સોશ્યલ મીડિયા પર વાઇરલ થવા માંડ્યા હતા. એની નોંધ અમારા સિનિયર અધિકારીઓએ લઈને ઝીણવટભરી તપાસ કરીને તાત્કાલિક આરોપીની ધરપકડ કરવા માટેનો મૌખિક આદેશ પણ અમને આપી દેવામાં આવ્યો હતો. એની સાથે જૉઇન્ટ તપાસ ક્રાઇમ બ્રાન્ચે પણ શરૂ કરી દીધી હતી એટલું જ નહીં, મોટા રાજનેતાઓએ પણ ફોન દ્વારા તપાસ કરવાની માગણી કરી હતી.’
અપહરણનો પ્રયાસ નહોતો
આ ઘટના બાદ અમારા આશરે ૧૮ અધિકારીઓ આરોપીને પકડવા માટે તપાસ પર લાગી ગયા હતા એમ જણાવતાં શિવાજી ચૌહાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શરૂઆતમાં ઘટના જ્યાં બની હતી એ વિસ્તાર નજીકના ૩૦થી વધારે CCTV કૅમેરાનાં ફુટેજ તપાસીને કારની ઓળખ કરવામાં આવી હતી. ત્યારે કાર નજીકના ઇન્દિરાનગરની હોવાની માહિતી મળતાં કારચાલકને તાત્કાલિક પોલીસ-સ્ટેશન પર લાવવામાં આવ્યો હતો. તેની પાસેથી માહિતી લેતાં તેણે જણાવ્યું હતું કે આંબેડકર રોડ અને સેવારામ લાલવાણી રોડના જંક્શનના પબ્લિક બાથરૂમમાંથી તે રોજ ડ્રમમાં પાણી ભરીને લઈ જતો હોય છે. મંગળવારે પણ તે પાણી ભરવા માટે તેના મિત્ર સાથે પબ્લિક બાથરૂમ પર આવ્યો હતો. ૪ ડ્રમમાં પાણી ભરાયા બાદ એક-એક કરીને ડ્રમ તેણે કારની અંદર રાખ્યાં હતાં. જોકે ચારને બદલે તેણે માત્ર ૩ ડ્રમ અંદર રાખ્યાં હતાં અને એક ફુટપાથ પર ભૂલી ગયો હતો એટલે પાછો ત્યાં ડ્રમ લેવા આવ્યો હતો. ત્યારે તેના મિત્રએ ડ્રમને જલદી અંદર લે... જલદી અંદર લે... એવી બૂમો પાડી હતી. જોકે આ ઘટનામાં યુવતીઓએ એ બૂમો પોતાના માટે પાડી હોવાનું માની લીધું હતું. આ કેસમાં સચોટ તપાસ કરવામાં આવી છે. યુવતીઓ સામે પણ આખી ઘટના રાખવામાં આવી છે એટલે તેમણે પણ ગેરસમજ થઈ હોવાની કબૂલાત આપી છે.’