ડબલ ટ્રૅજેડીનું કારણ સેલ્ફી

09 January, 2022 10:34 AM IST  |  Mumbai | Rohit Parikh

જબલપુરના ભેડાઘાટમાં નર્મદા કિનારે સેલ્ફી લેતી વખતે ઘાટકોપરમાં રહેતાં હંસાબહેન સોની અને તેમની ભાવિ પુત્રવધૂ રિદ્ધિ પીઠડિયા તણાઈ જતા બે પરિવારમાં માતમ છવાયો

જબલપુરના ભેડાઘાટ ખાતે પાણીમાં તણાઈને મૃત્યુ પામેલાં ઘાટકોપરનાં હંસાબહેન અને રિદ્ધિ પરિવાર સાથે

જબલપુરના ભેડાઘાટમાં શુક્રવારે બપોરે ૩.૩૦ વાગ્યે ઘાટકોપર-વેસ્ટની ગંગાવાડીમાં રહેતાં ૫૦ વર્ષનાં હંસાબહેન સોની અને તેમના પરિવારની બનનારી પુત્રવધૂ ઘાટકોપર-ઈસ્ટના પંતનગરના પટેલ ચોકમાં રહેતી ૨૨ વર્ષની રિદ્ધિ પીઠડિયા નર્મદા નદીને કિનારે એક ખડક પર ઊભાં રહીને સેલ્ફી લઈ રહ્યાં હતાં ત્યારે પાણીનું એક જોરદાર મોજું આવતાં હંસાબહેન અને રિદ્ધિ બન્ને પાણીમાં પડતાં તણાઈને મૃત્યુ પામ્યાં હતાં. આ બન્નેનાં મૃત્યુના સમાચાર ઘાટકોપરમાં ફેલાતાં ઘાટકોપરના સોની અને પીઠડિયા પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. હંસાબહેન અને રિદ્ધિ બન્નેના અંતિમ સંસ્કાર ઘાટકોપરની હિન્દુ સ્મશાનભૂમિમાં આજે બપોરે ત્રણ વાગ્યે કરવામાં આવશે.
હંસાબહેનના પતિ ૫૩ વર્ષના અરવિંદ સોની અને તેમના અન્ય ભાઈઓ ઘાટકોપર-વેસ્ટમાં જ્વેલરીનો બિઝનેસ કરે છે. જ્યારે તેમનો પુત્ર ૨૩ વર્ષનો રાજ સોની બૅન્કમાં નોકરી કરે છે અને રિદ્ધિ પીછડિયાના પિતા ટેલરિંગનો બિઝનેસ કરે છે. રિદ્ધિ માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરતી હતી. 

અરવિંદ સોની અને હંસાબહેન તેમના પુત્ર અને તેમની ભવિષ્યમાં બનનારી પુત્રવધૂ રિદ્ધિ સાથે ગુરુવારે બપોરે મુંબઈથી જબલપુર ફરવા ગયાં હતાં. સોનીપરિવાર ઓશોનો અનુયાયી છે. શુક્રવારે જબલપુર પહોંચીને સોનીપરિવાર રિદ્ધિ સાથે ઓશો આશ્રમ ગયો હતો. ત્યાર પછી બપોરે તેઓ ભેડાઘાટ ફરવા ગયાં હતાં. બપોરે ૩.૩૦ વાગ્યે હંસાબહેન અને રિદ્ધિ ભેડાઘાટના એક ખડક પર ઊભાં રહીને સેલ્ફી લઈ રહ્યાં હતાં એ વખતે પાછળથી જોરદાર પાણીનો પ્રવાહ આવતાં હંસાબહેન અને રિદ્ધિએ બૅલૅન્સ ખોઈ નાખ્યું અને બન્ને નર્મદા નદીના પાણીમાં પડીને તણાઈ ગયાં હતાં. 

આ બાબતે અરવિંદ સોનીના વર્ષોજૂના મિત્ર અતુલ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો સોનીપરિવાર સાથે ૪૦ વર્ષ જૂનો નાતો છે. ગુરુવારે બપોરે આ પરિવારને મારી કારમાં હું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મૂકવા ગયો હતો. અમે સવા વાગ્યે ત્યાંથી એકબીજાનું ધ્યાન રાખવાનું કહીને છૂટા પડ્યા હતા. એ સમયે પરિવાર ખૂબ ખુશ હતો. કોને ખબર હતી કે બીજા દિવસે આવા કરુણ સમાચાર આવશે. મને હંસાબહેન અને રિદ્ધિનાં મૃત્યુના સમાચાર શુક્રવારે સાંજે પોણાચાર વાગ્યે મળ્યા હતા. સમાચાર સાંભળીને મારા હોંશકોશ ઊડી ગયા હતા. ગુરુવારે જે પરિવારને મેં હસતાં-હસતાં વિદાય આપી હતી એ જ પરિવાર પર બીજા દિવસે આભ તૂટી પડ્યું. મારી આંખો પાણીથી ભરાઈ ગઈ હતી.’

અતુલ ઠક્કરે વધુમાં કહ્યું હતું કે ‘અરવિંદ સોનીએ મને શુક્રવારે સાંજે પોણાચાર વાગ્યે ફોન કરીને સમાચાર આપ્યા કે ‘હું અને રાજ દૂર બેઠા હતા. હંસા અને રિદ્ધિ ત્યાં ફરી રહ્યાં હતાં અને ફોટો પાડી રહ્યાં હતાં. અમને ત્યાં અચાનક લોકોની બૂમાબૂમ સાંભળવા મળી. કોઈકે કહ્યું કે બે મહિલા પાણીમાં તણાઈ ગઈ છે. અમને તરત જ ખ્યાલ આવી ગયો કે આ અણબનાવ હંસા અને રિદ્ધિ સાથે બન્યો હશે, પણ અમારા હાથમાં બન્નેને બચાવવા માટે કોઈ ઉપાય નહોતો.’ એટલું કહીને અરવિંદ ઢીલો પડી ગયો હતો.’

અરવિંદ સોનીએ આપેલા સમાચાર લઈને હું પટેલ ચોકમાં રહેતી રિદ્ધિના ઘરે પહોંચ્યો હતો. એ સંદર્ભે માહિતી આપતાં અતુલ ઠક્કરે કહ્યું કે ‘રિદ્ધિનાં મમ્મી-પપ્પા, કાકા-કાકી અને તેના દાદા રિદ્ધિ પાણીમાં તણાઈ ગઈ છે એ સમાચાર સાંભળીને હતપ્રભ બની ગયાં હતાં. તેના પપ્પાએ તરત રિદ્ધિની ડેડબૉડી શોધવા માટે જબલપુર જવાનો નિર્ણય લીધો હતો. તેઓ શુક્રવારે જ જબલપુર જવા નીકળી ગયા હતા.’ 

જબલપુરના તિલવારા પોલીસ-સ્ટેશનના એક પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે આ બનાવ બનતાં ભેડાઘાટમાં હાજર રહેલા સ્થાનિક તરવૈયાઓએ હંસાબહેનની બૉડીને પાણીમાંથી શોધી કાઢી હતી. તેમની ડેડબૉડી તરત જ નજીકની મેડિકલ કૉલેજમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી, પરંતુ તેમને એ વખતે રિદ્ધિની બૉડી મળી નહોતી. રિદ્ધિ પાણીના જોરદાર પ્રવાહમાં દૂર વહી ગઈ હતી. રિદ્ધિની ડેડબૉડી ગઈ કાલે સવારે નજીકના પંચવટી ઘાટ પાસેથી મળી હતી.’

રિદ્ધિના પિતા અને સોનીપરિવારના સભ્યો હંસાબહેન તથા રિદ્ધિની ડેડબૉડી લેવા જબલપુર ગયા હતા. આ વિશે અતુલ ઠક્કરે કહ્યું કે ‘આ બન્ને પરિવારના સભ્યો જબલપુરથી ગઈ કાલે રાતે ફ્લાઇટમાં ઘાટકોપર આવી ગયા હતા. જ્યારે અમુક સભ્યો હંસાબહેન અને રિદ્ધિની ડેડબૉડી લઈને ઍમ્બ્યુલન્સમાં જબલપુરથી ઘાટકોપર આવી રહ્યા છે. બન્નેની ડેડબૉડી ઘાટકોપર પહોંચતાં ઘાટકોપરની હિન્દુ સ્મશાનભૂમિમાં બપોરે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.’ 

ભેડાઘાટ શું છે?
જબલપુરથી ૨૦ કિલોમીટર દૂર નર્મદા નદીના કિનારે ભેડાઘાટ આવ્યો છે. ભેડાઘાટ એક પર્યટન-સ્થળ છે. ભેડાઘાટના પાણીના પ્રવાહ પર્યટકો માટે બહુ મોટું આકર્ષણ છે. ભેડાઘાટ પર સંગમખરી ખડક અને ચૌસઠ યોગિની મંદિર જોવા ભાવિકો અહીં આવે છે.

 

 

 

mumbai mumbai news ghatkopar jabalpur rohit parikh