ઘાટકોપરમાં મન્કી - ટેરર

07 July, 2021 08:26 AM IST  |  Mumbai | Rohit Parikh

વાંદરાઓનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે લોકોએ એમને ભગાવવા ફટાકડા ફોડવાની સાથે બાલ્કની અને રસોડાની બારીઓની બહાર સેફ્ટી નેટ નાખી છે

ઓઘડભાઈ લેનમાં એક ઘરમાં ઘૂસીને અંદરના ખાદ્યપદાર્થોને સફાચટ કરી રહેલા વાંદરાઓ.

ઘાટકોપર અને વિદ્યાવિહારમાં વાંદરાઓનો ત્રાસ દિનપ્રતિદિન વધતો જાય છે. આ ત્રાસ એટલી હદે વધી ગયો છે કે અત્યાર સુધી ઘરોમાં મચ્છરો, ઉંદરો અને પક્ષીઓથી બચવા માટે સેફ્ટી જાળી નખાવવામાં આવતી હતી, પણ હવે વિદ્યાવિહારની ચિતરંજન કૉલોનીમાં વાંદરાઓથી બચવા માટે જાળી નખાવવામાં આવી રહી છે. એટલું જ નહીં, વાંદરાઓ ફટાકડાથી ડરતા હોવાથી લોકો ઘરમાં ફટાકડા રાખવા લાગ્યા છે. વાંદરાઓ આવતાં જ લોકો ફટાકડા ફોડીને વાંદરાઓને તો ભગાડે છે. એની સાથે અન્ય રહેવાસીઓને પણ કૉલોનીમાં વાંદરાઓ આવ્યાની જાણકારી મળી જાય છે. 
સોમવારે સાંજના ચાર વાગ્યાની આસપાસ ત્રણ વાંદરાઓના પરિવાર ઘાટકોપરના પ્રમોદ મહાજન ગાર્ડનની બહાર લોકો માટે તમાશો બની ગયા હતા. ઘણા લોકો તો તેમના નાના બાળકને લઈને વાંદરાઓ જોવા આવતા હતા. જોકે મોટા ભાગના વાહનચાલકો વાંદરાઓને જોઈને અટકી જતા હતા. એમાં પણ બાઇકરો વાંદરાઓ પાસેથી પસાર થતાં ડરતા હતા. એમાં પણ એકાદ વાંદરો જો બાઇક પાછળ દોડે તો ધમાલ મચી જતી હતી. ત્યાર પછી આ વાંદરાઓ નજીકની એક સોસાયટીના રહેવાસીના ઘરમાં ઘૂસી ગયા હતા અને રસોડામાંથી ખાવાનું લઈને ભાગ્યા હતા. એક રહેવાસી તેના પાળેલા ડૉગીને લઈને ફરવા નીકળ્યો હતો, પરંતુ વાંદરાઓને જોઈને તેણે પાછા ફરવાનું મુનાસિબ માન્યું હતું.  
આ બાબતની માહિતી આપતાં ઘાટકોપર ઈસ્ટની ઓઘડભાઈ લેનના સ્મિત અપાર્ટમેન્ટમાં રહેતા કેવલ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લાં બે વર્ષથી રાજાવાડીના પ્રમોદ મહાજન ગાર્ડનની આસપાસના વિસ્તારોમાં વાંદરાઓએ ફફડાટ મચાવી દીધો છે. આ વાંદરાઓ અમારા ઘરમાં ઘૂસીને રસોડામાંથી ખાવાનો સામાન ઝૂંટવીને લઈ જાય છે. ક્યારેક અમારી સોસાયટીમાં રમતાં બાળકો અને મહિલાઓના પગ પકડી લે છે તો ક્યારેક તેમને નખ મારીને ભાગી જાય છે. બાળકોને એમની સાથે રમવાની મજા આવે છે, પણ કોઈને નખ મારી દે તો થોડી વાર માટે બાળકો ડરી જાય છે. સોસાયટીના કૂતરાઓ પણ વાંદરાઓથી ડરે છે.’ 
વિદ્યાવિહાર ઈસ્ટની ચિતરંજનનગર કૉલોનીની આસપાસના વિસ્તારોમાં ૧૦થી ૧૨ વાંદરા ત્રણ વર્ષ પહેલાં આવ્યા હતા એમ જણાવીને સ્થાનિક રહેવાસી આર્કિટેક્ટ શૈલેષ જોષીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા વિસ્તારમાં બંગલાઓ વધારે છે. વાંદરાઓ આવતાં બધા જ બંગલાઓના રહેવાસીઓએ એમના ત્રાસથી બચવા તેમના બંગલાનાં બારી-બારણાં બંધ રાખીને રહેવું પડે છે. એટલું જ નહીં, હવે રહેવાસીઓએ તેમના ઘરની બાલ્કનીઓ અને રસોડાની બારીની બહાર વાંદરાઓથી બચવા માટેની જાળી નાખવાની શરૂઆત કરી દીધી છે. આમ છતાં અચાનક તેઓ બંગલાની ટેરેસ પર કે સહેજ દરવાજો ખુલ્લો રહેતાં ઘરમાં ઘૂસી જાય છે. તેઓ ક્યારેક ખાવાનું લઈ જાય છે તો ક્યારેક ટેરેસ પર સુકાતાં કપડાં લઈ જાય છે. જોકે એમણે હજી સુધી કોઈ રહેવાસીને કોઈ મોટી ઈજા કરી નથી. જોકે પાછળથી આવીને પગ પકડે કે હાથમાં રહેલી કોઈ વસ્તુ ઝૂંટવવા આવે ત્યારે ફફડાટ ફેલાઈ જાય છે. હવે તો અમારા વિસ્તારમાં એટમ બૉમ્બ કે ટેટાં ફૂટે તો અમે સમજી જઈએ કે વાંદરા આવ્યા છે. અમે વનવિભાગમાં ફરિયાદ કરી ત્યારે અમને અધિકારીઓએ કહ્યું હતું કે અત્યારે ચારે બાજુ જંગલો સિમેન્ટનાં જંગલોમાં પરિવર્તિત થઈ રહ્યાં હોવાથી હવે પ્રાણીઓ મુંબઈના રસ્તાઓ પર દેખાય છે. વાંદરાઓને ખાવાનું આપીને અનેક લોકો એમને પ્રોત્સાહિત કરે છે, પરંતુ એમને ભગાવવા હોય તો ખાવાનું આપવાનું બંધ કરવું જોઈએ. જોકે જીવદયાપ્રેમીઓ ખાવાનું આપ્યા વગર રહી શકતા નથી અને વાંદરાઓ ઘાટકોપરમાંથી બહાર જવાનું નામ લેતા નથી.’ 
બે દિવસ પહેલાં જ અમારી સોસાયટીના એક બાળકને નખ મારીને વાંદરો ભાગી જતાં એ બાળક ધ્રૂજી ઊઠ્યો હતો અને હવે એ બાળક બહાર નીકળતાં ગભરાય છે એમ જણાવીને ઘાટકાપર વેસ્ટમાં આવેલી હાંસોટી લેનની મિથિલા સોસાયટીના રહેવાસી નીલેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘણા દિવસથી અમારી લેનમાં આવીને આ વાંદરાઓનો પરિવાર વસતો હતો. પછી અચાનક ગાયબ થઈ ગયો હતો. જોકે બે દિવસ પહેલાં જ ફરી અમારા વિસ્તારમાં વાંદરાઓએ દેખા દીધી હતી. તેઓ ઘરમાંથી કોઈ પણ વસ્તુ ઉપાડીને ભાગી જતા હોવાથી લોકોમાં ભય પ્રસરેલો છે.’ 
અમે અમારા બિઝનેસ કૉમ્પ્લેક્સમાં આવેલા વાંદરાઓના પરિવારને પકડી જવા માટે વનવિભાગમાં ફરિયાદ કરી છે એમ જણાવીને ઘાટકોપર ઈસ્ટના મહાત્મા ગાંધી રોડ પર આવેલા ઝેસ્ટ બિઝનેસ પાર્કના વેપારીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા બિઝનેસ પાર્કમાં એક અઠવાડિયાથી વાંદરાઓનો ત્રાસ શરૂ થયો છે. અમારે ત્યાં વાંદરાઓ ચોથા માળની ઑફિસોમાં ઘૂસી ગયા હતા એટલે સ્ટાફમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે વાંદરાઓએ કોઈ વ્યક્તિને નુકસાન કર્યું નહોતું. આમ છતાં વાંદરાઓ ઑફિસોમાં ઘૂસી જાય તો કામ પણ ડિસ્ટર્બ થાય છે અને એ કોઈને નુકસાન તો નહીં કરેને એવો ભય પણ રહે છે. અમારી પાર્કિંગ-સ્પેસમાં પણ તેઓ ઘૂસી જાય છે. આથી અમે વનવિભાગમાં ફરિયાદ કરી છે, પરંતુ હજી સુધી વનવિભગમાંથી કોઈ વાંદરાઓને પકડવા માટે આવ્યું નથી. આમ પણ વાંદરાઓ એક જ વિસ્તારમાં સ્થિર રહેતા ન હોવાથી વનવિભાગ માટે પણ વાંદરાઓને પકડવાનું મુશ્કેલીભર્યું બની જાય છે.’

 હવે તો અમારા વિસ્તારમાં એટમબૉમ્બ કે ટેટા ફૂટે તો અમે સમજી જઈએ કે વાંદરા આવ્યા છે. જીવદયાપ્રેમીઓ ખાવાનું આપ્યા વગર રહી શકતા નથી અને વાંદરાઓ ઘાટકોપરમાંથી બહાર જવાનું નામ લેતા નથી.- શૈલેશ જોષી

Mumbai Mumbai News ghatkopar rohit parikh