ઘાટકોપરમાં થઈ ગઈ ‘મન્કી બાત’

12 January, 2022 10:03 AM IST  |  Mumbai | Rohit Parikh

વાંદરાએ ઘરમાં ઘૂસીને બટકાં ભર્યાં અને અફરાતફરી મચી ગઈ

વાંદરાનો ભોગ બનેલાં ઘાટકોપરનાં સિનિયર સિટિઝન મહિલા નીલાબહેન જાની (તસવીર : અમન જાની)

ઘાટકોપરમાં બે વર્ષથી વાંદરાઓનો ત્રાસ વધી ગયો છે, પણ આજ સુધી આ વાંદરાઓએ ગંભીર રીતે કોઈને ઈજા નહોતી પહોંચાડી, પરંતુ ગઈ કાલે સાંજે ઘાટકોપર-વેસ્ટની હાંસોટી લેનમાં એક વાંદરાએ રસોડામાં ઘૂસી જઈને એક સિનિયર સિટિઝન મહિલાને બટકાં ભરી લેતાં હાંસોટી લેનમાં ખળભળાટ મચી ગયો છે. 
આ બાબતે માહિતી આપતાં આ સિનિયર સિટિઝન મહિલાના પાડોશી અમન જાનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપરની કામા લેન, હાંસોટી લેન અને બારોટવાડીના આસપાસના વિસ્તારોમાં એક વાંદરાએ છેલ્લા બે મહિનાથી તરખરાટ મચાવ્યો છે. આ વાંદરો સાંજે જ દેખાય છે અને રહેવાસીઓને હેરાન-પરેશાન કરી મૂકે છે.’
ગઈ કાલના બનાવની માહિતી આપતાં અમન જાનીએ કહ્યું કે ‘અમારું બિલ્ડિંગ નળિયાવાળું છે એમાં પહેલા માળે નીલાબહેન જગડ એકલાં રહે છે. ગઈ કાલે સાંજે નીલાબહેન રસોડામાં કામ કરતાં હતાં ત્યારે એક વાંદરો તેમના રસોડામાં ઘૂસી ગયો હતો. નીલાબહેન તેને બહાર કાઢવા માટે હડહડ કરતાં હતાં ત્યાં વાંદરાએ તેમના પર હુમલો કરીને હાથ-પગમાં બટકાં ભરી લીધાં હતા. એનાથી નીલાબહેન એકદમ ગભરાઈ ગયાં છે. તેઓ એકલાં હોવાથી પાડોશીઓ તેમની મદદે આવ્યા હતા.’
હાંસોટી લેનના રહેવાસી નીલેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે મહિનાથી આ વાંદરો અમારા માટે ત્રાસરૂપ બન્યો છે, પરંતુ આ વાંદરાને હટાવવા માટે મહાનગરપાલિકા કોઈ કાર્યવાહી કરતી નથી. ગઈ કાલના બનાવથી આ વિસ્તારના બધા જ પરિવારના જીવ ઊંચા થઈ ગયા છે. તેમનામાં રીતસરનો ફફડાટ પેસી ગયો છે.’

mumbai mumbai news ghatkopar rohit parikh