બહારના અને ભ્રષ્ટાચારીઓને સમર્થન નહીં મળે MNSનું

24 April, 2024 08:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

MNSનાં નેતાની આ ચેતવણીથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથની ચિંતામાં વધારો થઈ શકે છે.

શાલિની ઠાકરે

મહાયુતિમાં મુંબઈની ત્રણ લોકસભા બેઠકોનો નિર્ણય લેવાનો બાકી છે ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથની શિવસેના દ્વારા મુંબઈ નૉર્થ વેસ્ટ બેઠક માટે કૉન્ગ્રેસના ભૂતપૂર્વ નેતા સંજય નિરુપમ અને તાજેતરમાં જ ઉદ્ધવ ઠાકરે જૂથમાંથી આવેલા જોગેશ્વરી-ઈસ્ટના વિધાનસભ્ય રવીન્દ્ર વાયકરના નામની ચર્ચા ચાલી રહી છે. રાજ ઠાકરેએ કોઈ પણ શરત વિના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહાયુતિને સમર્થન જાહેર કર્યું હોવા છતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)નાં નેતા શાલિની ઠાકરેએ ગઈ કાલે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે ‘MNSને ધનુષ્યબાણના ચિહ‍્ન પર ચૂંટણી લડવાનું કહેનારાઓને બીજા પક્ષમાંથી ઉમેદવારો લાવવાની નોબત આવી છે. ધ્યાનમાં રાખો કે રાજસાહેબે માત્ર દેશને સક્ષમ નેતૃતવ મળે એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું છે. મહારાષ્ટ્રદ્રોહી સંજય નિરુપમ અને ભ્રષ્ટાચારી રવીન્દ્ર વાયકર જેવા ઉમેદવારોને MNSના સૈનિકો બિલકુલ સમર્થન નહીં આપે.’

MNSનાં નેતાની આ ચેતવણીથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથની ચિંતામાં વધારો થઈ શકે છે. તેઓ આ ચેતવણીને ગંભીરતાથી લે છે કે તેમની ઇચ્છા મુજબના જ નેતાને લોકસભાની ઉમેદવારી આપે છે એ જોવું રહ્યું.

mumbai news mumbai eknath shinde maharashtra navnirman sena congress