સફેદ પટ્ટાના વિવાદમાં હવે રાજકીય રંગ

14 June, 2026 07:16 AM IST  |  Mumbai | Mehul Jethva

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના આક્રમક, શ્રી દાદર આરાધના ભવન જૈન સંઘના દેરાસર નજીક ઉગ્ર વિરોધ નોંધાવ્યો, BMCએ સફેદ પૅચ પર માર્યો ગ્રે કલરઃ ઘાટકોપરમાં પણ મુંબઈ મહાનગરપાલિકાને આપ્યું ૮ દિવસનું અલ્ટીમેટમ

શ્રી દાદર આરાધના ભવન જૈન દેરાસરની બહારના સફેદ પટ્ટા પર ગઈ કાલે પટ્ટા પર ગ્રે કલર મારવામાં આવ્યો હતો.

જૈન સાધુઓ અને સાધ્વીજીઓના આગમન માટે સોસાયટીમાં સફેદ પટ્ટા મારવા સામે થોડા દિવસ પહેલાં વિદ્યાવિહારની એક સોસાયટીમાં રહેતા ઇન્ફ્લુએન્સર પ્રસાદ વેદપાઠકે વાંધો ઉઠાવ્યા પછી હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ આ મુદ્દે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. દાદર-વેસ્ટના ડી. એસ. બાબરેકર માર્ગ પર શ્રી દાદર આરાધના ભવન જૈન સંઘના દેરાસર નજીક આશરે દસથી ૧૨ મીટર લાંબો સફેદ પટ્ટો દોરવામાં આવ્યો હતો જેની સામે MNSના નેતા સંદીપ દેશપાંડેએ ગઈ કાલે સ્થળ પર જઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. MNSના આ આક્રમક વલણ બાદ BMC પ્રશાસન તાત્કાલિક ઍક્શનમાં આવ્યું હતું અને અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. શરૂઆતમાં MNSના કર્મચારીઓએ આ સફેદ પટ્ટાને ભૂંસી નાખવા માટે કેમિકલ રિમૂવરનો ઉપયોગ કર્યો હતો. જોકે કલર પાકો હોવાને કારણે પટ્ટા સહેલાઈથી ભૂંસાયા નહોતા. અંતે વિવાદને થાળે પાડવા BMCએ સફેદ પટ્ટાની ઉપર ગ્રે કલર મારીને એને રસ્તાના મૂળ રંગ જેવો કરી દીધો હતો અને વિરોધ શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

MNSના નેતા સંદીપ દેશપાંડેએ આ ઘટનાને ‘સાંસ્કૃતિક આતંકવાદ’ ગણાવતાં પત્રકારો સાથેની વાતચીતમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ‘આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ અમે મુંબઈમાં બિલકુલ ચલાવી નહીં લઈએ. આ રસ્તા BMCના છે, કોઈના બાપના નથી. જેમ ગણેશોત્સવ કે અન્ય તહેવારોમાં યોગ્ય સરકારી પરવાનગી સાથે બધી વ્યવસ્થા કરવામાં આવે છે એમ આ પટ્ટા દોરવા માટે કોઈ પરવાનગી લેવામાં આવી નહોતી. અમે BMCના અધિકારીઓને ખુલ્લી ચેતવણી આપી હતી કે જો BMC આ પટ્ટા તાત્કાલિક નહીં ભૂંસે તો MNSના કાર્યકરો એના પર કાળો કલર ફેરવી નાખશે.’

બીજી તરફ MNSની આ ભૂમિકા સામે જૈન સંત નીલેશચંદ્ર મુન‌િએ આક્રમક વલણ અપનાવીને સંદીપ દેશપાંડેને સીધો પડકાર ફેંક્યો છે. નીલેશચંદ્ર મુનિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જો સંદીપ દેશપાંડેને ખરેખર કાયદાનું પાલન કરાવવું હોય તો તેમણે મુંબ્રા, ભિંડીબજાર કે પાયધુની જેવા વિસ્તારમાં જવું જોઈએ, જ્યાં ઈદના દિવસે અથવા નમાજ પઢતી વખતે રસ્તાઓ પર સફેદ પટ્ટા મારીને લોકો બેસે છે. ત્યાં જઈને વિરોધ કરવાની ચૅલેન્જ હું તેમને આપું છું. મુંબ્રામાં AIMIMની નગરસેવિકા જ્યારે વિવાદાસ્પદ નિવેદન કરે છે ત્યારે તેનો વિરોધ કરો; માત્ર રાજકીય રોટલા શેકવા માટે બે સમાજ વચ્ચે વૈમનસ્ય કે તનાવ પેદા ન કરવો જોઈએ. જૈન સમાજ શાંત છે પણ જ્યારે તેમના પર આફત આવશે ત્યારે ચોક્કસ આ તમામ વાતનો જવાબ આપવામાં આપશે.’

શ્રી દાદર આરાધના ભવન જૈન સંઘના એક સભ્યએ નામ ન આપવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચોમાસામાં થતી લીલને જૈન ધર્મમાં મોટું મહત્ત્વ આપવામાં આવ્યું છે. એના પર ચાલવું પાપ ગણાય છે. એ માટે દર ચોમાસામાં આ પટ્ટા દોરવામાં આવે છે. છેલ્લાં પાંચ વર્ષથી આ પટ્ટા અમે દોરીએ છીએ અને એનાથી આસપાસના લોકોને કોઈ વાંધો નથી, પણ હાલમાં ચાલતા વિવાદનો અમે ભોગ બન્યા છીએ. આ સફેદ પટ્ટા ચોમાસું પૂરું થાય એ પહેલાં નીકળી જાય છે ત્યારે કોઈને શા માટે એનો વાંધો હોઈ શકે.’

વિવાદ શાંત પાડવા ગયેલા જૈન આચાર્ય ટાર્ગેટ થયા

ગઈ કાલે આરાધના ભવનની બહાર એકલાં ઘેરાયેલાં મહાસતીજીની વહારે આવેલા આચાર્ય અક્ષયબોધિસૂરિ મહારાજસાહેબ પોતે જ વિવાદના કેન્દ્રમાં આવી ગયા હતા. પત્રકારો અને કાર્યકરોની ભીડ વચ્ચે મહાસતીજી સાથે વધી રહેલા વિવાદને શાંત પાડવા આચાર્યશ્રી ગયા એ દરમ્યાન તેમણે એક મહિલાને શાંત રહેવાનું કહેતાં મામલો બીચક્યો હતો અને આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં દાવો કરવામાં આવ્યો હતો કે મહારાજસાહેબે મહિલાનું અપમાન કર્યું છે. જોકે આ મામલે સ્પષ્ટતા કરતાં આચાર્યશ્રીએ  ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહાસતીજીને ટાર્ગેટ થતાં જોઈને હું માત્ર વિવાદ રોકવા ગયો હતો, પરંતુ પૂર્વનિયોજિત પ્લાન મુજબ ટોળું મારા પર તૂટી પડ્યું હતું અને મારી શાંતિ જાળવવાની અપીલને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી.’

mumbai news mumbai jain community gujaratis of mumbai gujarati community news brihanmumbai municipal corporation maharashtra navnirman sena political news