ગુજરાતી સિનિયર સિટિઝન ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સામે ગિન્નાયા

23 September, 2022 10:27 AM IST  |  Mumbai | Mehul Jethva

મીરા રોડમાં રહેતા આ વડીલને તેમના ઍક્ટિવા પર ૫૦૦ રૂપિયાનું ખોટું ચલાન મળતાં વધુ માહિતી ભેગી કરીને એફઆઇઆર નોંધાવ્યો

પ્રતીકાત્મક તસવીર

મુંબઈની સાથે આસપાસનાં પરાંમાં કેટલીક વાર એવા કિસ્સા જોવા મળતા હોય છે જેમાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા ખોટું કે પછી તપાસ કર્યા વગર ટ્રાફિક ફાઇનનું ઑનલાઇન ચલાન લોકોને મોકલવામાં આવે છે. જોકે એ ફાઇન પોતાનો નથી એ સાબિત કરવા માટેની પ્રક્રિયા મોટી હોવાથી કેટલાક લોકો ફાઇન ભરી નાખતા હોય છે. મીરા રોડમાં રહેતા ૬૩ વર્ષના ગુજરાતી સિનિયર સિટિઝનને ૫૦૦ રૂપિયાનું ઑનલાઇન ચલાન ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા મોકલવામાં આવ્યું હતું. એ પોતાનું ન હોવાથી એ બાબતની તમામ માહિતી ભેગી કરીને તેમણે પોલીસ સ્ટેશનમાં એ ચલાન સામે એફઆઇઆર નોંધાવી હતી. ગામદેવી પોલીસ સ્ટેશન આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ કરી રહ્યું છે.

મીરા રોડ-ઈસ્ટના બાબાસાહેબ આંબેડકરનગરમાં આવેલી એક સોસાયટીમાં રહેતા પંકજ પરમારે કરેલી ફરિયાદ અનુસાર તેમણે ૨૦૧૬માં સફેદ કલરની હૉન્ડા ઍક્ટિવા (એમ-એચ-01-સીએફ-1926) લીધી હતી જેનો ઉપયોગ તેઓ ઘરનાં કામો માટે કરે છે. ૧૫ જુલાઈએ મોબાઇલ પર આરટીઓ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ચલાન મોકલવામાં આવ્યું હતું જેમાં ૫૦૦ રૂપિયાનો ફાઇન ભરવા માટે જણાવવામાં આવ્યું હતું. એ પછી શેનો ફાઇન છે એ જોવા માટે તેમણે આપેલી લિન્ક પર ક્લિક કરી એની પ્રિન્ટ કાઢીને તપાસ કરતાં તાડદેવ પરિસરમાં એ ફાઇન કરવામાં આવ્યો હતો. જોકે તેમનું ઍક્ટિવા તાડદેવ વિસ્તારમાં ક્યારેય ગયું ન હોવાથી વધુ માહિતી ભેગી કરી હતી. એમાં જાણવા મળ્યું હતું કે ટ્રાફિક અધિકારી શાંતારામ ઘુગે દ્વારા આ ફાઇન મારવામાં આવ્યો હતો. એ પછી તેમણે એ ફાઇન સમયનો ફોટો જોયો હતો. એમાં વાહનનો નંબર સેમ દેખાયો હતો. જોકે એ બુલેટ મોટરસાઇકલ હતી. એ પછી એક જાગૃત નાગરિક બનીને આવી બોગસ નંબરપ્લેટ લગાડીને કોઈ મોટો ક્રાઇમ થઈ શકે છે એવું ધ્યાનમાં આવતાં તેમણે નયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પત્ર આપ્યો હતો. એ પછી મંગળવારે ગામદેવી પોલીસ સ્ટેશને આ ફરિયાદ પર તપાસ શરૂ કરી છે.

ગામદેવી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દત્તારામ ગિરપે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદી મીરા રોડમાં રહે છે, પણ તેમના મોબાઇલ પર આવેલો ફાઇન અમારા વિસ્તારનો હોવાથી પ્રાથમિક તપાસ પહેલાં નયાનગર પોલીસ સ્ટેશને કરી હતી. એ પછી તેમણે વધુ તપાસ માટે અમારી પાસે કેસ ટ્રાન્સફર કર્યો છે. આ કેસ અમારી પાસે બે દિવસ પહેલાં જ આવ્યો છે જેની તપાસ અમારી ટીમ કરી રહી છે.’

mumbai mumbai news mira road mumbai police mumbai traffic mehul jethva