મીરા-ભાઇંદર મહાનગરપાલિકા હવે મેયર અને ડેપ્યુટી મેયરના ફન્ડમાંથી કરશે કોરોનાનો સામનો

11 May, 2021 10:00 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

ડેપ્યુટી મેયરે કમિશનર સમક્ષ પ્રપોઝલ મૂક્યા બાદ મેયરે પણ ગયા વર્ષની જેમ પોતાનું ફન્ડ મહામારી માટે આપવાની તૈયારી બતાવી

મીરા ભાઈંદર મહાનગરપાલિકાનાં મેયર જ્યોત્સ્ના હસનાળે અને ડેપ્યુટી મેયર હસમુખ ગહલોત

મીરા રોડના નગરસેવક અને પાલિકાના ડેપ્યુટી મેયરે પોતાના વિસ્તારનો વિકાસ કરવા માટે મળતું વાર્ષિક ૩૦ લાખ રૂપિયાનું ભંડોળ કોવિડની સારવારમાં વાપરવાનો નિર્ણય લીધો છે. ડેપ્યુટી મેયરે ગઈ કાલે આ બાબતનો પત્ર પાલિકાના કમિશનરને મોકલ્યો હતો.

મુંબઈની જેમ મીરા-ભાઈંદરમાં પણ ગયા વર્ષના માર્ચ મહિનાથી કોરોનાએ ઉપાડો લીધો છે. અત્યાર સુધી અહીં કોરોનાના ૪૫,૯૪૮ કેસ નોંધાયા છે, જેમાંથી ૧,૧૧૩ લોકો આ મહામારીમાં હોમાઈ ગયા છે, જ્યારે અત્યારે ૨૫૦૦ જેટલા ઍક્ટિવ કેસ છે. છેલ્લા કેટલાક દિવસમાં કોરોનાની બીજી લહેરમાં થોડી રાહત થઈ છે.

ડેપ્યુટી મેયર હસમુખ ગહલોતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાલિકા પ્રશાસન ગંભીર આર્થિક મુશ્કેલીમાં છે ત્યારે ગરીબોને ફ્રી સારવાર આપવાની માગણીનો પત્ર આપવાને બદલે મને વિચાર આવ્યો કે વાર્ષિક નગરસેવક અને ડેપ્યુટી મેયરના કુલ ૩૦ લાખ રૂપિયાના ભંડોળનો ઉપયોગ કરી શકાય છે. આથી મેં આ રકમ પાલિકાની હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા કે અહીં કોરોનાનો રિપોર્ટ કરવા આવી રહેલા દરદીઓની એચઆરસીટી ટેસ્ટ અને ઑક્સિજનના પુરવઠા માટે કરવાનો પત્ર કમિશનરને લખ્યો હતો, જે તેમણે સ્વીકાર કર્યો છે. ગયા વર્ષે પણ મારા ભંડોળમાંથી આવી જ રીતે ૨૫ લાખ રૂપિયા કોવિડના સંકટમાં વાપરવામાં આવ્યા હતા.’

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર દિલીપ ઢોલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને ડેપ્યુટી મેયર હસમુખ ગહલોતનો ૩૦ લાખ રૂપિયાની તેમની વાર્ષિક નિધિનો ઉપયોગ કોવિડની સારવારમાં કરવાનો પત્ર મળ્યો છે. પ્રશાસનની આર્થિક સ્થિતિ સારી નથી એટલે આ રકમ ઘણી ઉપયોગી થઈ શકશે. આથી મેં એ સ્વીકાર કર્યો છે.’

મીરા-ભાઈંદર મહાનગરાલિકાનાં મેયર જ્યોત્સ્ના હસનાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા વર્ષે મેં મારા ફન્ડમાંથી ૨૫ લાખ રૂપિયા કોવિડમાં આપ્યા હતા. આ વર્ષે પણ આટલા રૂપિયા આપીશ. બજેટ તાજેતરમાં જ મંજૂર થયું છે. આથી ફન્ડ પ્રાપ્ત થયા બાદ હું આપીશ. ગયા વર્ષે અનેક નગરસેવકોએ અમુક ટકા તો કેટલાકે આખા વર્ષનું સંપૂર્ણ ભંડોળ આપ્યું હતું. અત્યારની સ્થિતિ જોતાં હું તમામને આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા કોવિડના દરદીઓની મદદ કરવાની અપીલ કરીશ.’

mumbai mumbai news prakash bambhrolia coronavirus covid vaccine covid19 mira road bhayander