16 June, 2025 12:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગયા અઠવાડિયે મુંબ્રા સ્ટેશન પર લોકલ ટ્રેનમાંથી પડી જવાને કારણે ૧૩ મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. તેથી લોકલ ટ્રેનમાં મુસાફરોનો ધસારો હળવો થાય એ ધ્યાનમાં રાખીને મેટ્રો 5 અંબરનાથ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
થાણે પછીનાં લોકલ ટ્રેનનાં સ્ટેશનો પર મુસાફરોની ખૂબ ભીડ હોય છે જેને કારણે મુસાફરો ટ્રેનમાંથી પડી જવાના બનાવો પણ વધુ બને છે. એને ટાળવા માટે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ના કમિશનર ડૉ. સંજય મુખરજીની અધ્યક્ષતા હેઠળ કલ્યાણના સંસદસભ્ય શ્રીકાંત શિંદેએ ઉચ્ચ સ્તરની બેઠકનું આયોજન કર્યું હતું. એમાં થાણે-ભિવંડી-કલ્યાણ વચ્ચે દોડનારી મેટ્રો 5ને ઉલ્હાસનગર થઈને અંબરનાથ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શ્રીકાંત શિંદેએ તેમના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સના હૅન્ડલ પર આ બાબતે પોસ્ટ કરી હતી કે ‘હાલમાં થાણે, ભિવંડી અને કલ્યાણને જોડતી મેટ્રો 5 દુર્ગાડી નાકાને બદલે અંબરનાથના ચીખલોલી રેલવે-સ્ટેશન સુધી ચાલશે. એને લીધે કલ્યાણ-બદલાપુર રોડ પરનો ટ્રૅફિક ઓછો થશે. ઉપરાંત અંબરનાથ, બદલપુર તેમ જ ઉલ્હાસનગરની લોકલ ટ્રેનની ભીડ હળવી થશે.’