માનસિક રીતે અક્ષમ આ ગુજરાતી યુવતી બે વાર ભાળ મળ્યા બાદ પણ થઈ લાપતા

02 April, 2021 10:24 AM IST  |  Mumbai | Mehul Jethva

ચેમ્બુર પોલીસે આયુષી મજેઠિયાને શોધવા બનાવી સ્પેશ્યલ ટીમ, પરિવારજનોએ મુંબઈગરાને કરી મદદની અપીલ

આયુષી મજેઠિયા

ચેમ્બુરમાં ગુમ થયેલી માનસિક રીતે અક્ષમ યુવતીને શોધવા માટે ચેમ્બુર પોલીસે એક ટીમ તૈયાર કરી છે જે માત્ર આ કેસ પર જ કામ કરશે. એ સાથે મુંબઈનાં તમામ રેલવે-સ્ટેશનો પર આ યુવતી વિશે વારંવાર અનાઉન્સમેન્ટ પર કરવામાં આવી રહ્યું છે. ચેમ્બુર પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે યુવતીને શોધવી એ અમારી મકસદ બની ગઈ છે, જેના માટે અમે અનેક પ્રયત્નો સિનિયર પોલીસ અધિકારીઓ સાથે મળીને કરી રહ્યા છીએ.

ચેમ્બુર ગાવઠણ વિસ્તારમાં જૈન મંદિર પાસે રહેતી ૨૭ વર્ષની આયુષી મજેઠિયા ૨૫ માર્ચે તેની મામી સાથે બપોરના સમયે રાઉન્ડ મારવા નીકળી હતી એ દરમ્યાન ગુમ થઈ હતી એમ જણાવીને પોલીસે કહ્યું હતું કે ‘કલાકો સુધી તપાસ કર્યા બાદ પણ તેની ભાળ ન મળતાં પરિવારજનોએ ચેમ્બુર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી એ પછી પોલીસોએ તપાસ હાથ ધરી હતી. જોકે તે સાનપાડા સ્ટેશન પર ચાર દિવસ અગાઉ ટ્રેસ થઈ હતી, પણ કમ્યુનિકેશન ન હોવાથી ત્યાંથી ભાગી ગઈ હતી. ત્યાર બાદ તે અંધેરીમાં ટ્રેસ થઈ હતી. ત્યાંથી પણ લોકો ભેગા થતાં તે ભાગી ગઈ હતી. બે વાર આવી પરિસ્થિતિ સર્જાતાં ચેમ્બુર પોલીસે એક વિશેષ ટુકડી માત્ર આ યુવતીને શોધવા તૈયાર કરી છે.’

આયુષીના ભાઈ નિશાંતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી બહેન માનસિક રીતે અક્ષમ છે. જો તે વધારે સ્ટ્રેસ થાય તો તેને ફિટ આવી શકે છે. એ સાથે તેને રોજના ક્રમમાં ગોળીઓ ખાવી અત્યંત જરૂરી છે. હાલમાં મારી બહેન કઈ હાલતમાં હશે એની અમને કોઈ કલ્પના નથી. સિનિયર પોલીસોને અમારી અપીલ છે કે મારી બહેનને વહેલી તકે શોધી કાઢે.’

પોલીસનું શું કહેવું છે?

શાલિની શર્મા, ચેમ્બુર પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર

આયુષીને શોધવા માટે અમારા અધિકારીઓ આકાશ-પાતાળ એક કરી રહ્યા છે. મુંબઈનાં રેલવે-સ્ટેશનો, બસ-સ્ટેશનો, મોટાં મંદિરો, ગાર્ડન અને મેદાનો પર અમારી વિશેષ ટીમો રોજ મોકલવામાં આવી રહી છે. એ સાથે અમે દરેક રેલવે-સ્ટેશનનો સંપર્ક કરીને આ યુવતી માટે અનાઉન્સમેન્ટ પણ કરાવી રહ્યા છીએ. દરેક પોલીસ-સ્ટેશનમાં સિનિયર ઇન્સ્પેક્ટરોને આ સંબંધી સૂચના આપી યુવતીનો ફોટો વાઇરલ કરવા કહેવામાં આવ્યું છે. ગઈ કાલે તે પનવેલમાં હોવાની માહિતી મળવાના આધારે અમે ત્યાં તપાસ કરી રહ્યા છીએ.

mumbai mumbai news chembur mumbai police mehul jethva