મુંબઈમાં ઓરીના દરદી વધ્યા કોરોનાને કારણે?

29 November, 2022 10:55 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

મુંબઈમાં ઓરીને લીધે ૧૩ બાળકોએ જીવ ગુમાવવા પાછળ કોરોનાના સમયમાં રહી ગયેલું વૅક્સિનેશન કારણભૂત હોવાની સુધરાઈને શંકા: સ્લમમાંથી સોસાયટીઓમાં ઓરી ન પ્રસરે એ માટે બીએમસીએ નવજાતથી લઈને પાંચ વર્ષનાં બાળકોને ઓરીના વધારાના ડોઝ આપવાની શરૂઆત કરી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

કોરોના મહામારીમાંથી બેઠા થઈ રહેલા મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયમાં નવજાતથી લઈને પાંચ વર્ષનાં બાળકોમાં ઓરીના કેસમાં ધરખમ વધારો થયો છે. રાજ્યભરમાં ૨૦૧૯માં ૧૩૩૭, ૨૦૨૦માં ૨૧૫૦, ૨૦૨૧માં ૩૬૬૮ અને આ વર્ષે અત્યાર સુધીમાં ઓરીના કન્ફર્મ ૬૫૮ દરદી અને શંકાસ્પદ ૧૦૨૩૪ કેસ સામે આવ્યા છે. મુંબઈમાં અત્યાર સુધી ઓરીના ૨૯૨ કેસ સામે આવ્યા છે, જેમાં ૧૩ દરદીનાં મૃત્યુ થયાં છે. આ તમામ કેસ અત્યારે સ્લમ વિસ્તારમાંથી આવ્યા છે, પરંતુ આ ચેપી રોગ ઝડપથી સોસાયટીઓમાં પણ ફેલાઈ શકે છે. એને ધ્યાનમાં રાખીને મુંબઈ બીએમસીના હેલ્થ વિભાગે છ મહિનાથી પાંચ વર્ષનાં ૧.૩૮ લાખ બાળકોને ઓરી વૅક્સિનના વધારાના ડોઝ આપવાનો નિર્ણય લીધો છે, જેની શરૂઆત શુક્રવારથી કરવામાં આવી છે. આ સિવાય સોસાયટીઓમાં ઓરીનો ચેપ ન પ્રસરે એ માટે ઘરે-ઘરે જઈને સર્વે કરવા સહિતના પ્રયાસ બીએમસીએ હાથ ધર્યા છે. ઓરીના અચાનક વધેલા કેસ માટે કોરોના મહામારી જવાબદાર હોવાનું જણાઈ આવ્યું છે.

મુંબઈ બાદ હવે ઓરીના કેસ નવી મુંબઈ, થાણે, વસઈ-વિરારમાં દેખાવા લાગ્યા છે. મુંબઈને બાદ કરતાં માલેગાંવમાં ૧૧ અને થાણેના ભિવંડીમાં ઓરીના ૧૦ કેસ નોંધાયા છે. આથી ઓરીને ફેલાતો રોકવા માટે મુંબઈ સહિત રાજ્યભરનો આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયો છે. 

મુંબઈના ૧૨ વૉર્ડ પ્રભાવિત
મુંબઈમાં પહેલા આઠ વૉર્ડમાં ઓરીના ૧૭ કેસ નોંધાયા છે, જે દસ દિવસમાં ૧૨ વૉર્ડમાં ૨૯ થયા હતા. એ વધતા-વધતા ૨૬૦ સુધી પહોંચ્યા છે અને આ ચેપી બીમારીમાં ૧૩ દરદીનાં અત્યાર સુધી મૃત્યુ થયાં છે. ઈસ્ટર્ન સબર્બ્સના કુર્લા અને ગોવંડી તેમ જ વેસ્ટર્ન સબર્બ્સમાં મલાડના માલવણી અને કાંદિવલીના લાલજી પાડા વગેરે વિસ્તારમાં ઓરીના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. હેલ્થ વિભાગ દ્વારા આ તમામ વૉર્ડમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

કોરોના કરતાં પણ ચેપી
મુંબઈ બીએમસીનાં એક્ઝિક્યુટિવ હેલ્થ ઑફિસર ડૉ. મંગલા ગોમારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઓરીના વાઇરસ કોરોના કરતાં પણ ચેપી હોય છે. કોરોના મહામારીમાં વાઇરસની ચેઇન બ્રેક કરવા માટે આઇસોલેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે ઓરીના મામલામાં આવી કોઈ ગોઠવણ નથી. બીજું, સ્લમમાં ગીચ વસતિની સાથે ઘરો નજીક-નજીક હોય છે એટલે ઓરીના વાઇરસ અહીં ઝડપથી ફેલાઈ રહ્યા છે. જ્યાં ઓરીના દરદી મળી આવે છે ત્યાં હેલ્થ વિભાગ દ્વારા આ વાઇરસ વધુ ન ફેલાય એ માટે લોકોમાં જાગૃતિ લાવવાની સાથે બીજા ઉપાય કરાઈ રહ્યા છે.’

કોરોનાને લીધે રસીકરણ રઝળ્યું
મુંબઈ સહિત રાજ્યભરમાં ઓરીના કેસ અચાનક વધવા માટે કોરોના મહામારી જવાબદાર હોવાનું જણાઈ આવ્યું છે. મુંબઈ બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલે આ વિશે કહ્યું હતું કે ‘સામાન્ય સંજોગોમાં નવ મહિનાથી લઈને પાંચ વર્ષનાં બાળકોને ઓરીની રસી આપવાની ઝુંબેશ બારે મહિના વિવિધ હેલ્થ સેન્ટરોમાં ચાલતી હોય છે. જોકે ૨૦૨૦ અને ૨૦૨૧માં કોરોના મહામારી આવ્યા બાદ હેલ્થ સંબંધી બીજાં બધાં કામ અને યોજના પડી ભાંગ્યાં હતાં. આ સમય દરમ્યાન નવજાત બાળકોના ઓરીના રસીકરણની ઝડપ ઓછી થઈ હતી. આથી આ સમયમાં જન્મેલાં જે બાળકોને સમયસર ઓરીની વૅક્સિન નહોતી અપાઈ તેમને અત્યારે ઓરીનો ચેપ લાગી રહ્યો છે. જોકે આ વાઇરસને ફેલાતો રોકવા માટે ઝડપથી વૅક્સિનેશનની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.’

હાઉસિંગ સોસાયટીઓમાં સર્વે
ઓરીના કેસ અત્યારે સ્લમમાં આવી રહ્યા છે, પણ એ સોસાયટીઓમાં પણ ફેલાઈ શકે છે એ વાતને ધ્યાનમાં રાખીને મુંબઈ બીએમસીએ તમામ ૨૪ વૉર્ડમાં આવેલી સ્લમની સાથે હાઉસિંગ સોસાયટીઓમાં ઓરીના દરદીઓ સંબંધી સર્વે કરવાનો નિર્ણય લીધો છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘરે-ઘરે જઈને નવજાત બાળકથી લઈને પાંચ વર્ષનાં બાળકોને ઓરીની રસી આપવામાં આવી છે કે નહીં એની નોંધ કરશે. આ સર્વેમાં ઓરીનો કોઈ શંકાસ્પદ દરદી મળી આવશે તો તેની બ્લડ-ટેસ્ટ કરવામાં આવશે.

mumbai mumbai news coronavirus covid19 maharashtra prakash bambhrolia