24 July, 2025 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આરોપી કિરણ સોલંકી
મુંબઈથી ગુજરાત જતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના સ્લીપર કોચમાં જનરલ ટિકિટ પર પ્રવાસ કરતી બે મહિલાઓ પાસેથી ૪૦૦ રૂપિયા પડાવી લેવાના આરોપમાં પાલઘર ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ઘાટકોપર-વેસ્ટના ગોલીબાર રોડ પર રહેતા ૨૩ વર્ષના કિરણ સોલંકીની સોમવારે ધરપકડ કરી હતી. પ્રાથમિક માહિતીના આધારે કિરણની પૂછપરછ કરતાં તેના પિતાને તાજેતરમાં પૅરૅલિસિસની બીમારી થઈ હતી. એટલે ઘરની આર્થિક સ્થિતિ ખરાબ જોતાં એ સુધારવા ટિકિટ કલેક્ટર (TC) જેવાં કપડાં પહેરીને તે ટ્રેનમાં ચડ્યો હોવાની કબૂલાત કરી હતી. આરોપીએ જે મહિલા પાસેથી પૈસા લીધા હતા તેમનાં પણ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યાં છે.
પાલઘર GRPના પોલીસ-ઇન્સ્પેક્ટર દામાજી હરાલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના સ્લીપર કોચમાં આરોપી કિરણે સોમવારે પ્રવાસ શરૂ કર્યો હતો. એ દરમ્યાન તેણે TC જેવું સફેદ શર્ટ પહેર્યું હતું. બોરીવલી સ્ટેશન ગયા બાદ તેણે સ્લીપર કોચના મુસાફરોની ટિકિટ તપાસવાનું શરૂ કર્યું હતું. એ દરમ્યાન વલસાડમાં રહેતી બે મહિલા જનરલ કોચની ટિકિટ પર સ્લીપર કોચમાં પ્રવાસ કરતી હોવાનું જોતાં તેણે પહેલાં તેમને ફાઇન ભરવા માટે કહ્યું હતું, ત્યાર બાદ તોડપાણી કરીને એક વ્યક્તિદીઠ ૨૦૦ એમ કુલ ૪૦૦ રૂપિયા લીધા હતા. એ સમયે જ એ કોચની જવાબદારી સંભાળતા TC ત્યાંથી પસાર થયા હતા અને તેમની નજર આરોપી કિરણ પર પડી હતી. વધુ માહિતી લેતાં મામલો પ્રકાશમાં આવ્યો હતો. અંતે રેલવેના TC દ્વારા રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને જાણ કરીને પાલઘર રેલવે સ્ટેશન પર આરોપીને અમારા તાબામાં આપ્યો હતો. આરોપીની વધુ પૂછપરછમાં તેણે પૈસા સ્વીકાર્યા હોવાની કબૂલાત કરીને તેના ઘરની આર્થિક સ્થિતિ સુધારવા તેણે આવ્યું કર્યું હોવાની માહિતી અમને આપી હતી.’