બે વર્ષની બાળકી બની સ્કૂલ ટીચરની બેદરકારીનો ભોગ

18 January, 2023 12:02 PM IST  |  Mumbai | Mehul Jethva

પ્રી-સ્કૂલમાં ટીચરે એકાએક દરવાજો બંધ કરતાં તેનો હાથ એમાં આવી જવાથી બે આંગળી કપાઈ ગઈ : છથી આઠ મહિના સુધી હાથમાં રહેશે ફ્રૅક્ચર : સ્કૂલે પોતાની ભૂલ છુપાવવા માટે બાળકીએ જ દરવાજો બંધ કર્યો હોવાનું કહ્યાંનું પરિવારનો આક્ષેપ

સ્કૂલમાં જખમી થયેલી ક્રિધા જૈન

મલાડની એક પ્રી-સ્કૂલમાં ટીચર દ્વારા એકાએક દરવાજો બંધ કરવામાં આવતાં બે વર્ષની એક બાળકીનો હાથ એમાં આવી જવાથી તેની બે આંગળી કપાઈ ગઈ હતી. સ્કૂલ તરફથી પોતાની ભૂલ છુપાવવા માટે બાળકીએ પોતે દરવાજો બંધ કર્યો હોવાની માહિતી પરિવારને આપવામાં આવી હતી. બાળકીના હાથની સર્જરી થયા બાદ સ્કૂલ પાસેથી મળેલા સીસીટીવી કૅમેરાના ફુટેજમાં એક ટીચરની બેદકારીને કારણે આ ઘટના થઈ હોવાનું સામે આવતાં પરિવાર દ્વારા દિંડોશી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે આ ઘટનામાં ઈજા પામેલી કિશોરીના હાથમાં છથી આઠ મહિના સુધી ફ્રૅક્ચર રહેશે એમ ડૉક્ટરોનું કહેવું છે.

મલાડ-ઈસ્ટમાં રાહેજા ટાઉનશિપના એક ટાવરમાં રહેતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સચિન જૈને કરેલી ફરિયાદ અનુસાર તેમની બે વર્ષની દીકરી ક્રિધા મલાડ-ઈસ્ટના ગોવિંદનગરમાં આવેલી યુરો કિડ્સ પ્રી-સ્કૂલમાં અભ્યાસ કરે છે. પાંચમી જાન્યુઆરીએ ક્રિધાને સ્કૂલમાં સવારે સાડાનવ વાગ્યે મૂક્યા બાદ સ્કૂલમાંથી તેમની પત્ની પાયલને સાડાબાર વાગ્યે ફોન આવ્યો હતો. એમાં સ્કૂલ તરફથી કહેવામાં આવ્યું હતું કે ક્રિધાના હાથમાં વાગી ગયું છે એટલે તેને અમે હૉસ્પિટલમાં લઈ ગયા છીએ. પહેલાં તેને અશોક હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી હતી, પરંતુ વધુ વાગ્યું હોવાથી સાંતાક્રુઝમાં આવેલી સૂર્યા હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી. અહીં તેના પર પ્રાથમિક ઇલાજ કર્યા બાદ કોઈ ફરક ન જણાતાં પ્લા​સ્ટિક સર્જ્યન દ્વારા તેની આંગળીઓ પર સર્જરી કરવામાં આવી હતી. એ સમયે સ્કૂલ પાસે કેવી રીતે આ થયું એની માહિતી લેતાં તેમણે કહ્યું હતું કે ક્રિધાએ પોતે દરવાજો બંધ કરવા જતાં તેને માર લાગ્યો હતો. જોકે થોડા દિવસ પછી સ્કૂલ જઈને સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચેક કરતાં એમાં સ્કૂલમાં હાજર ટીચર આફરીન સિદ્દીકીએ જોરથી દરવાજો બંધ કરતાં ક્રિધાનો હાથ દરવાજાની અંદર ફસાઈ ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ ઘટનાની ફરિયાદ દિંડોશી પોલીસ-સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.

ક્રિધાના પિતા સચિન જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી પુત્રીને વાગ્યું ત્યારે સ્કૂલે અમને ખોટી માહિતી આપી હતી. મેં સ્કૂલ પાસે સીસીટીવી કૅમેરાનાં ફુટેજની ડિમાન્ડ કરી ત્યારે તેમણે એ આપવાનો ઇનકાર કર્યો હતો. એટલું જ નહીં, સ્કૂલ તરફથી મને જે માફીપત્ર આપવામાં આવ્યો છે એમાં પણ ખોટી માહિતી આપી હતી. અંતે મેં પોલીસ-ફરિયાદ નોંધાવી હતી. ક્રિધાના હાથની મિડલ ફિંગર અને રિંગ ફિંગરની સર્જરી થઈ છે. ડૉક્ટરે કહ્યું છે કે છથી આઠ મહિના તેના હાથમાં ફ્રૅક્ચર રહેશે. આ ઘટના પછી તે ખૂબ જ ડરી ગઈ છે.’

યુરો કિડ્સનાં પ્રિ​ન્સિપાલ રાજેશ્વરી સુબ્રમણ્યમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સ્કૂલમાં બનેલી આ ઘટના પછી અમે બાળકીની ફૅમિલીના ટચમાં છીએ. તેની સર્જરી સમયે પણ અમે ત્યાં હાજર હતા. અમારાથી બનતું બધું અમે તેના માટે કરી રહ્યાં છીએ.’

તેમને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે જે ટીચરને કારણે કિશોરીને વાગ્યું છે તેના પર કોઈ ઍક્શન લેવામાં આવી છે? ત્યારે તેમણે કહ્યું હતું કે તેને હાલમાં હોલ્ડ પર રાખવામાં આવી છે.

દિંડોશી પોલીસ-સ્ટેશનનાં તપાસ-અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર શુભાંગી શિરગાવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આરોપી ટીચરની અમે ધરપકડ નથી કરી, પણ તેને અમે નોટિસ આપી છે.’

mumbai mumbai news malad mehul jethva