મેં હત્યા કરી છે, પણ બંગડીઓ ચોરી નથી

17 March, 2024 01:06 PM IST  |  Mumbai | Mehul Jethva

નેપિયન સી રોડનાં જ્યોતિ શાહની હત્યાના કેસમાં આરોપી સતત આવું રટણ કરી રહ્યો છે

કન્હૈયાકુમાર પંડિત

નેપિયન સી રોડનાં ૬૭ વર્ષનાં જ્યોતિ શાહના હત્યાકેસમાં ભુસાવળમાંથી પકડાયેલા કન્હૈયાકુમાર પંડિતે પોલીસને કહ્યું છે કે ‘મેં જ્યોતિ શાહની હત્યા કરી હતી, પણ ત્રણ લાખ રૂ​પિયાની હીરાની બંગડીઓ ચોરી નથી. હું ચોરી કરવાના ઇરાદે બેડરૂમમાં ગયો હતો. જોકે જ્યોતિબહેન ત્યારે જ જાગી જતાં ગભરાઈને તેમનું ગળું દબાવી હત્યા કરીને ભાગી ગયો હતો.’

નેપિયન સી રોડ પર તા​હની હાઇટ્સમાં ૨૦મા માળે રહેતાં જ્યોતિ શાહની ૧૨ માર્ચે બપોરે તેમના ઘરે માત્ર એક દિવસ પહેલાં નોકરી પર જોડાયેલા ૨૦ વર્ષના કન્હૈયાકુમાર પંડિતે ગળું દબાવીને હત્યા કરી હતી. પરિવારે દાવો કર્યો હતો કે હત્યા કરનાર યુવાન જ્યોતિબહેને પહેરેલી આશરે ત્રણ લાખ રૂપિયાની બંગડીઓ લઈ ગયો હતો. ત્યાર બાદ પ્રાથમિક માહિતીના આધારે મલબાર હિલ પોલીસે હત્યાની ફરિયાદ નોંધીને તપાસની ગ​તિ વધારી હતી. મુંબઈનાં પોલીસ-સ્ટેશનોમાંથી બેસ્ટ ઑફિસરોની આ કેસ માટે નિમણૂક કરી તપાસનાં ચક્રો ગતિમાન કરીને માત્ર ૨૪ કલાકમાં ભુસાવળ રેલવે-સ્ટેશન પરથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેને કોર્ટમાં હાજર કર્યા બાદ પોલીસને પાંચ દિવસની કસ્ટડી પણ મળી હતી. જોકે તપાસના ચાર દિવસમાં પોલીસ આરોપી પાસેથી ચોરાયેલી બંગડીઓ કબજે કરી શકી નથી. પૂછપરછ કરતા અધિકારીઓ સામે કન્હૈયાકુમારે દાવો કર્યો હતો કે તે ૧૨ માર્ચે ચોરી કરવાના ઇરાદે બેડરૂમમાં પ્રવેશ્યો હતો, પણ ત્યારે જ જ્યોતિબહેનની આંખ ખૂલી જતાં ડરીને તેણે તેમની હત્યા કરી દીધી હતી. આ કેસમાં તેણે બંગડી ચોરી ન હોવાનો પોલીસ સમક્ષ દાવો કર્યો છે.

મલબાર હિલ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેકટર ગણેશ આંધેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે હત્યા ચોરીના ઇરાદે થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે ચોરાયેલી બંગડીઓ આરોપી પાસેથી હજી અમને મળી નથી. તેણે બંગડીઓ ચોરીને કોને આપી અને શું કર્યું કે પછી તેણે બંગડી ચોરી જ નથી એના પર આવતા બે દિવસમાં તપાસ કરવામાં આવશે.’

મલબાર હિલ પોલીસ સ્ટેશનના અન્ય એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીએ હત્યા કરી હોવાનો સ્વીકાર અમારી પાસે પહેલા દિવસે જ કરી લીધો હતો, પણ તેણે બંગડી ચોરી ન હોવાનો દાવો તે પહેલા દિવસથી કરી રહ્યો છે. એ જોતાં પ્રાથમિક એવું લાગે છે કે તેણે બંગડી ચોરી નથી. એમ છતાં અમે એની ટેક્નિકલ માહિતી ભેગી કરીને તે તાહની હાઇટ્સમાંથી નીકળીને ક્યાં ગયો હતો અને કોને-કોને મળ્યો હતો તથા તેણે કેટલો સમય ક્યાં વિતાવ્યો હતો એની ચોક્કસ માહિતી કાઢવામાં આવી રહી છે.’

murder case malabar hill Crime News mumbai crime news mumbai police mumbai mumbai news mehul jethva