Maharashtra TET Paper Leak: પેપર લીકનો માસ્ટરમાઇન્ડ બિહારથી ઝડપાયો: પત્ની પણ સંડોવાયેલી હતી આ કેસમાં

25 July, 2026 12:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra TET Paper Leak કેસમાં સંડોવાયેલ અને છેલ્લા કેટલાક મહિનાઓથી ફરાર માસ્ટરમાઇન્ડ બીરેન્દ્ર કુમારને છેક બિહારમાંથી પક પાડવામાં પોલીસને સફળતા મળી છે.

પ્રતીકાત્મક તસવીર

એકબાજુ નીટ પેપર લીક મામલે વિદ્યાર્થીઓનું જબરદસ્ત આંદોલન ચાલી રહ્યું છે. તેની વચ્ચે મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા (Maharashtra TET Paper Leak) પેપર લીક કેસ અંગે થાણે પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસમાં સંડોવાયેલ અને છેલ્લા કેટલાક મહિનાઓથી ફરાર માસ્ટરમાઇન્ડ બીરેન્દ્ર કુમારને છેક બિહારમાંથી પક પાડવામાં પોલીસને સફળતા મળી છે. બીરેન્દ્ર કુમાર આ કેસનો મુખ્ય આરોપી છે. મૂળ તે બિહારના સમસ્તિપુરનો રહેવાસી છે. તે પેપર સિંડિકેટ ચલાવતો હતો. આ કેસમાં જાણવા મળ્યું હતું કે આ પેપર લીકનું કાવતરું બિહારમાં ગોઠવાતું અને પછી આખા દેશમાં પહોંચતું. 

બીરેન્દ્ર કુમાર ગુપ્તાની ધરપકડ

બીરેન્દ્ર કુમાર ગુપ્તાનું નામ ૨૦૨૩ની ઓડિશા સ્ટાફ સિલેક્શન કમિશન (OSSC) પરીક્ષા, બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) પરીક્ષા અને મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (MPPSC) પરીક્ષા સહિત સમગ્ર દેશમાં અન્ય ઘણા પરીક્ષાના પેપર લીક કેસો સાથે સંકળાયેલું હોવાનું જાણવા મળ્યું છે. હવે તેને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યો છે. 

હવે જ્યારે આ કેસ (Maharashtra TET Paper Leak)ના માસ્ટરમાઇન્ડ બીરેન્દ્ર કુમાર ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે ત્યારે અનેક પાસાઓ ઊઘડી શકે એમ છે. તેની પત્ની સુમન ગુપ્તા સુદ્ધાં આ પેપર લીકના કેસમાં સંડોવાયેલી હતી. તે ટીઇટી પેપર લીક નેટવર્કના ગેરકાયદે વ્યવહારો મેનેજ કરતી હોવાની માહિતી સામે આવી છે. બીરેન્દ્રને વિમાન દ્વારા પૂણે એરપોર્ટ પર લાવવામાં આવ્યો છે. હવે તેને ભારે પોલીસ સુરક્ષા હેઠળ ભિવંડીમાં લાવીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

પોલીસતપાસ આગળ વધી રહી છે તેમ તેમ હવે આ કેસ (Maharashtra TET Paper Leak)માં નવા નવા ખુલાસાઓ પણ થઇ રહ્યા છે. પોલીસે સોનુ સિંહની નામના આરોપીની બિહારના હાજીપુરથી ધરપકડ કરી હતી. પોલીસને શંકા છે કે લીક થયેલા પેપર્સ સોનુ સિંહના કનેક્શનમાં રહેલા પ્રિન્ટિંગ પ્રેસમાંથી છપાતા હતા. આથી હવે પોલીસે બીરેન્દ્ર કુમાર ગુપ્તા અને સોનુ સિંહ વચ્ચેના લાંબા સમયથી ચાલતા કનેક્શનની સુદ્ધાં તપાસ આદરી છે.

આ કેસમાં અત્યારસુધી થયેલી ધરપકડ

ટીઇટી પેપર લીક કેસ (Maharashtra TET Paper Leak)માં પોલીસે શરૂઆતમાં રાજીવ કુમાર, આકાશ કુમાર અને ધીરજ કુમારની ધરપકડ કરી હતી. ૨૭મી જૂને ભિવંડી પોલીસે આ પેપર લીક કેસ અંતર્ગત દરોડા પાડીને આ ત્રણેયની ધરપકડ કરી હતી. આ ત્રણેય દિલ્હીથી આવ્યા હતા.  તેમની પાસેથી TET પરીક્ષા માટેના પ્રશ્નોનો સેટ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. ૩ જુલાઇએ એસઆઈટીએ કપિલ દહિયા, મિથુન સિંહ અને સોનુ સિંહ સહિત વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. પેપર લીક સામે આવતાં ૨૮મી જૂને યોજાનારી TET પરીક્ષા રદ કરવામાં આવી હતી જેનાથી લગભગ છ લાખ ઉમેદવારોને અસર થઈ હતી.

હવે તપાસકર્તાઓએ આ આંતરરાજ્ય નેટવર્કનો સંપૂર્ણરીતે પર્દાફાશ કરવા અને તેમાં સામેલ અન્ય વ્યક્તિઓ સુધી પહોંચવા માટે ગુપ્તાની પૂછપરછ શરૂ કરી છે.

mumbai news mumbai thane bhiwandi maharashtra government maharashtra news maharashtra