31 May, 2024 07:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે મહારાષ્ટ્ર એસએસસી પરીક્ષા 2024નું પરિણામ (Maharashtra SSC Result 2024) 27 મેએ જાહેર કર્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડનું પરિણામ મહારાષ્ટ્રની ગુજરાતી માધ્યમની શાળાઓમાં ફળદાયી નિવડ્યું છે. આ વર્ષે માતૃભાષાની શાળાઓએ પરિણામના બધા રેકૉર્ડ તોડી નાખ્યા છે. આ વર્ષે કુલ 62માંથી 27 ગુજરાતી માધ્યમની શાળાઓ (Maharashtra SSC Result 2024) ૧૦૦ ટકા પરિણામ લાવવામાં સફળ થઈ છે.
100 ટકા પરિણામ લાવનાર શાળાની યાદી
પરિણામનો ડેટા શેર કરતાં મુંબઈ ગુજરાતી સંગઠનના ભાવેશ મહેતા કહે છે કે, “આજે જ્યારે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ પાસે ગાઈડ કે ક્લાસીસની વ્યવસ્થા વિના વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનતથી માત્ર મુંબઈ ગુજરાતી સંગઠનની વેબસાઇટ પર આપેલા સ્વાધ્યાયના ઉકેલ અને શિક્ષકોના માર્ગદર્શન સાથે આ પરિણામ હાંસલ કર્યું છે અને શાળાનું ગૌરવ વધાર્યું છે.”
ઉલ્લેખનીય છે કે મુંબઈ ગુજરાતી સંગઠન છેલ્લાં ૧3 વર્ષથી મહારાષ્ટ્રમાં માતૃભાષાની શાળાઓના ઉત્કર્ષ માટે કાર્ય કરી રહ્યું છે. વર્ષ 2011-12માં વિદ્યાર્થીઓના અભાવનું કારણ આગળ ધરી એક ગુજરાતી શાળા બંધ કરવાનો નિર્ણય સંચાલકોએ જાહેર કર્યો. શાળામાં ભણતા વિદ્યાર્થીઓના માતૃભાષાપ્રેમી વાલીઓએ શાળા બંધ થવાનાં કારણોનું નિરાકરણ કરવાનાં પૂરતા પ્રયત્નો કર્યા, જરૂરી વિદ્યાર્થીઓની સંખ્યા પણ કરી આપી, વધારાનો ખર્ચ આપવાની તૈયારી પણ બતાવી, એ છતાં, શાળાનું પહેલું ધોરણ બંધ કરવામાં આવ્યું અને એ રીતે શાળા બંધ થવાની શરૂઆત થઈ ગઈ. આ આઘાતથી ઝખમાયેલા માતૃભાષાપ્રેમી વાલીઓએ શહેરની એવી ગુજરાતી શાળાઓ માટે કાર્ય કરવાનું નક્કી કર્યું, જેમના સંચાલક-શિક્ષકો પણ શાળાને આગળ વધારવા કટિબદ્ધ હોય!