વારા પછી વારો...બીજેપી પછી શિવસેનાનો

11 November, 2019 08:54 AM IST  |  Mumbai

વારા પછી વારો...બીજેપી પછી શિવસેનાનો

રિસોર્ટમાં ધારાસભ્યોને મળવા જતા સમયે ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યાંને બે અઠવાડિયાં થઈ ગયાં હોવા છતાં નવી સરકારની સ્થાપના થવાને બદલે બીજેપીએ સરકાર બનાવવાની ના પાડી દેતાં મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો મામલો વધુ ઊલઝી ગયો છે. ગઈ કાલે રાજ્યપાલે શિવસેનાને સરકાર રચવા માટેનું આમંત્રણ આપ્યું હતું અને તેમને આજે સાંજે સાડાસાત વાગ્યા સુધીમાં આ સંબંધે નક્કર પ્રસ્તાવ રજૂ કરવાની મહેતલ આપવામાં આવી છે. આ પરિસ્થિતિને પગલે ઉદ્ધવ ઠાકરે એનસીપીના નેતા શરદ પવારને મળે એવી શક્યતા છે. બીજેપીએ હાથ ઊંચા કરી દેતાં હવે શિવસેના કૉન્ગ્રેસ અને એનસીપીનો સાથ લઈને સરકાર રચી શકે એમ છે. જોવાનું એ રહે છે કે પવાર કિંગમેકરની ભૂમિકા ભજવે છે કે નહીં અને એમ થાય તો ઉદ્ધવ ખરેખર તેમનો ટેકો લઈને સરકાર રચવા માટે તૈયાર થાય છે કે નહીં.
એનસીપીના નેતા નવાબ મલિકે ગઈ કાલે કહ્યું હતું કે જ્યાં સુધી શિવસેના એનડીએ સાથેનો છેડો ફાડતી નથી અને તેમના નેતા અરવિંદ સાવંત મોદી સરકારમાંથી રાજીનામું આપતા નથી ત્યાં સુધી તેમને ટેકો આપવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો.
સૌથી મોટા પક્ષને છોડીને શિવસેના કૉન્ગ્રેસના ટેકાથી એનસીપી સાથે મળીને સરકાર બનાવવાનું જો શક્ય ન બને તો રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાગી શકે છે.
એનસીપીના ચીફ શરદ પવારે પહેલેથી જ સ્પષ્ટતા કરી છે કે ‘જ્યાં સુધી શિવસેના એનડીએમાંથી બહાર નહીં પડે ત્યાં સુધી સરકાર બનાવવાનો વિચાર નહીં કરે. એ સિવાય હજી સુધી શિવસેના તરફથી સરકાર બનાવવાનો કોઈ પ્રસ્તાવ નથી મળ્યો, આથી આ વિશે વિચાર નથી કર્યો.’
બીજી તરફ કૉન્ગ્રેસ અને શિવસેનાની વિચારધારા ઉત્તર-દક્ષિણની હોવાથી ખીચડી સરકાર બને તો પણ લાંબું નહીં ખેંચે એને ધ્યાનમાં રાખીને કૉન્ગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ આ દિશામાં પૉઝિટિવ નિર્ણય લે એવી શક્યતા ઓછી છે.

આ પણ વાંચોઃ BJP ની પીછેહટ બાદ રાજ્યપાલનો શિવસેનાને પ્રશ્ન : શું તમે સરકાર બનાવશો ?

પોતાનો મુખ્ય પ્રધાન બેસાડવાના બધા દરવાજા બંધ થશે તો શિવસેના નમતું જોખીને બીજેપી સાથે ચર્ચા ફરી આગળ નહીં વધારે તો રાષ્ટ્રપતિશાસન સિવાયનો કોઈ વિકલ્પ અત્યારે તો દેખાતો નથી.

mumbai maharashtra shiv sena devendra fadnavis uddhav thackeray