અચ્છા ચલતા હૂં...

30 June, 2022 09:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કાેર્ટે ફ્લોર-ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો એ સાથે જ વિધાનસભામાં લડી લેવાને બદલે ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું જ આપી દીધું અને જતાં-જતાં ઊભરો ઠાલવ્યો

તસવીર : સૈયદ સમીર અબેદી

સુપ્રીમ કોર્ટે ફ્લોર-ટેસ્ટ પર સ્ટે મૂકવાની અરજી ફગાવી દીધા બાદ ગઈ કાલે રાત્રે મુખ્ય પ્રધાન અને શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઇવના માધ્યમથી જનતા સાથે સંબોધન કરીને મુખ્ય પ્રધાનપદ અને વિધાન પરિષદના પદેથી રાજીનામું આપી દીધું હતું. આથી આજે ફ્લોર-ટેસ્ટ કરવાની જરૂર નહીં પડે અને નવી સરકાર રચવા માટેની હિલચાલ શરૂ થશે.

ઉદ્ધવ ઠાકરે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રાજીનામું આપી દે એવી અટકળો ચાલી રહી હતી, જે ગઈ કાલે મોડી સાંજે સાચી ઠરી હતી. સુપ્રીમ કોર્ટે ફ્લોર-ટેસ્ટ લેવા સામેની અરજી ફગાવી દીધા બાદ તેમણે જનતાને સંબોધન કર્યું હતું.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘તમારા સહયોગથી અત્યાર સુધી અમે જનતા માટેનાં અનેક સારાં કામ કર્યાં. બાળાસાહેબે જેની માગણી કરી હતી એ ઔરંગાબાદ અને ઉસ્માનાબાદનાં નામ બદલ્યાં. બાળાસાહેબે અનેક શિવસૈનિકોને મોટા કર્યા. પક્ષે જેમને મોટા કર્યા તેઓ જ ભૂલી ગયા છે. તેમને જે આપી શકાતું હતું એ બધું આપ્યું. આમ છતાં તેઓ નારાજ છે. જેમને કંઈ જ નથી મળ્યું તેઓ માતોશ્રીમાં આવીને અમે તમારી સાથે છીએ એવું કહી રહ્યા છે. કોર્ટે ન્યાય કર્યો. ફ્લોર-ટેસ્ટ માટે રાજ્યપાલે જે ઝડપ રાખી એવી ઝડપ વિધાન પરિષદના ૧૨ સભ્યોની નિયુક્તિમાં કરી હોત તો આનંદ થાત. કૅબિનેટની બેઠકમાં અશોક ચવાણે મને કહ્યું હતું કે અમે સરકારમાંથી બહાર નીકળીએ. ગઈ કાલે મેં ગુવાહાટીમાં બેસેલા વિધાનભ્યોને સામે આવીને વાત કરવાની અપીલ કરી હતી. તેઓ સુરતથી ગુવાહાટી ગયા પણ માતોશ્રીમાં આવીને બોલ્યા નહીં. મારે તેમની સાથે ઝઘડો નથી કરવો. આમ છતાં તેઓ માન્યા નહીં. આટલી નારાજગી શા માટે?’

ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે ‘ગુવાહાટી ગયેલા વિધાનસભ્યો મુંબઈ-મહારાષ્ટ્રમાં આવે તો એક પણ શિવસૈનિક તેમને નહીં રોકે. આવીને સરકારમાં શપથ લો. હું કહું છું કે તમારી વચ્ચે કોઈ નહીં આવે. લોકશાહીમાં વિધાનસભ્યોનાં માથાં ગણાય છે. મારી સામે એક પણ વિધાનસભ્યે આવીને ફરિયાદ કરી હોત તો મારું માથું ઝૂકી જાત. મારે માથાં ગણવાની રમત નથી રમવી. શિવસેના પ્રમુખના પુત્રને ખુરસી ઉપરથી ખેંચવાનું પુણ્ય તેમને લેવા દો. મારે તેમના આનંદને ખેંચી નથી લેવો.’

અંતમાં શિવસેના-પ્રમુખે કહ્યું હતું કે ‘અમે નિરાશ નથી થયા. મુંબઈ હિન્દુત્વ માટે જાગે છે. બધાની સામે હું મુખ્ય પ્રધાનના પદેથી રાજીનામું આપું છું. હું ડરીશ નહીં. કાલે જેમને આનંદ થયો હોય તે પેંડા ખાય, મને શિવસૈનિકોનો પ્રેમ જોઈએ છીએ. હું અચાનક આવ્યો હતો અને એવી જ રીતે જઈ રહ્યો છું. શિવસેનાને નવેસરથી ઊભી કરીશું. ઠાકરે પરિવાર પાસેથી કોઈ શિવસેના લઈ નહીં શકે. સાથે હું વિધાન પરિષદના પદ પરથી પણ રાજીનામું આપું છું.’

શું બોલ્યા ઉદ્ધવ?

- બાળાસાહેબે અનેક શિવસૈનિકોને મોટા કર્યા. પક્ષે જેમને મોટા કર્યા તેઓ જ ભૂલી ગયા છે.

- તેમને જે આપી શકાતું હતું એ બધું આપ્યું. આમ છતાં તેઓ નારાજ છે. જેમને કંઈ જ નથી મળ્યું તેઓ માતોશ્રીમાં આવીને અમે તમારી સાથે છીએ એવું કહી રહ્યા છે.

- શિવસેના પ્રમુખના પુત્રને ખુરસી ઉપરથી ખેંચવાનું પુણ્ય તેમને લેવા દો. મારે તેમના આનંદને ખેંચી નથી લેવો.

mumbai mumbai news maharashtra indian politics shiv sena uddhav thackeray