બાળાસાહેબે જિંદગીભર જેનો વિરોધ કર્યો એની સાથે સરકાર બનાવી ​બીજેપીને બહાર રાખવામાં આવી હતી : ફડણવીસ

01 July, 2022 09:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન પદે એકનાથ શિંદેનું નામ જાહેર કરવા માટે બોલાવેલી પ્રેસ કૉન્ફરન્સમાં ૨૦૧૯માં લોકોએ કરેલા મતદાનનું શિવસેનાએ કઈ રીતે અપમાન કર્યું હતું એની વાત તેમણે ફરી એકવાર કરી હતી

ફાઇલ તસવીર

ગઈ કાલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન બનવાનો દિલ્હીથી આદેશ આવ્યા પહેલાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન પદે એકનાથ શિંદેનું નામ જાહેર કરવા માટે બોલાવેલી પ્રેસ કૉન્ફરન્સમાં ૨૦૧૯માં લોકોએ કરેલા મતદાનનું શિવસેનાએ કઈ રીતે અપમાન કર્યું હતું એની વાત તેમણે ફરી એકવાર કરી હતી.દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કૉન્ફરન્સને સંબોધતાં કહ્યું હતું કે ‘૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણી બીજેપી અને શિવસેનાની યુતિ સાથે મળીને લડી હતી. જોકે પરિણામ આવ્યા બાદ શિવસેનાએ અલગ નિર્ણય લીધો હતો. બાળાસાહેબે જિંદગીભર જેનો વિરોધ કર્યો એ કૉન્ગ્રેસ અને એનસીપી સાથે શિવસેનાએ મહાવિકાસ આઘાડી સરકાર બનાવી ​બીજેપીને બહાર રાખી. આ મૅન્ડેટનું અપમાન હતું. છેલ્લાં અઢી વર્ષમાં વિકાસને લગતાં અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતાં અનેક કામો અટકી પડ્યાં છે. એટલું જ નહીં, મહાવિકાસ આઘાડીની સરકારમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી હતી. રાજ્યના બે પ્રધાન મની લૉન્ડરિંગના આરોપસર જેલમાં ગયા જે બહુ ખેદજનક હતું. બાળાસાહેબે દાઉદને દેશનો શત્રુ કહ્યો હતો. એ દાઉદ સાથે સંબંધ ધરાવનાર પ્રધાન જ્યારે જેલમાં ગયા ત્યાર બાદ પણ તેનું પ્રધાનપદ તેમણે પાછું ખેંચ્યું નહોતું. તેમણે જતાં-જતાં ઔરંગાબાદને સંભાજીનગર, ઉસ્માનાબાદને ધારાશિવ અને નવી મુંબઈ ઍરપોર્ટને ડી. બી. પાટીલનું નામ આપ્યું. જોકે ખરું જોતાં રાજ્યપાલે ફ્લોર-ટેસ્ટ માટેની મંજૂરી બાદ કૅબિનેટની મીટિંગ ન લઈ શકાય એમ છતાં તેમણે લીધી અને આ નિર્ણયો લીધા. જોકે અમે એનો વિરોધ નહીં કરીએ, પણ આ નિર્ણય અમારે ફરીથી કૅબિનેટમાં પાસ કરાવવા પડશે.’

ફડણવીસે એ પછી કહ્યું હતું કે ‘આવી પરિસ્થિતિમાં શિવસેનાના વિધાનસભ્યોની હાલત કફોડી થઈ ગઈ હતી. એ વખતે એકનાથ શિંદેએ જે તેમની ઓરિજિનલ બીજેપી સાથે યુતિ હતી એની સાથે જવું એટલું જ નહીં, એ માટે સરકારમાંથી કૉન્ગ્રેસ અને એનસીપીનો સાથ છોડવો એવું નક્કી કર્યું. ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યા બાદ એક ઑલ્ટરનેટ સરકાર બને એ જરૂરી હતું. એથી શિવસેનાનું વિધાનસભાનું ગ્રુપ, બીજેપી અને ૧૬ અપક્ષોના સાથ-સહકાર સાથે એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બનશે.’

mumbai mumbai news maharashtra indian politics bharatiya janata party shiv sena congress devendra fadnavis bal thackeray