07 May, 2025 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજ્યમાં વાહનોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે અને એમાં પણ પરંપરાગત ફ્યુઅલ પેટ્રોલ અને ડીઝલ પર ચાલતાં વાહનોને કારણે પ્રદૂષણમાં સતત વધારો થતો રહે છે. જૂનાં અને અનફિટ વાહનો વધુ પ્રદૂષણ ફેલાવતાં હોય છે એટલે એના પર રોક લાવવા રાજ્ય સરકાર હવે અનફિટ અને પૉલ્યુશન અન્ડર કન્ટ્રોલ (PUC)નું ઑથેન્ટિક સર્ટિફિકેટ ન ધરાવતાં વાહનોને ફ્યુઅલ આપવાનું જ બંધ કરવાનું વિચારી રહી છે.
ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે સોમવારે મંત્રાલયમાં મોટર વેહિકલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી. એમાં તેમણે કહ્યું હતું કે ‘શહેરી વિસ્તારોમાં ટેક્નિકલી જે વાહનો ફિટ ન હોય એમને કારણે ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) બગડતો હોય છે. બધાં વાહનો માટે PUC સર્ટિફિકેટ ફરજિયાત હોય છે. જોકે એવી માહિતી મળી છે કે ઘણી વાર બનાવટી અથવા ખોટી રીતે સર્ટિફિકેટ મેળવી લેવામાં આવે છે. એથી આ સમસ્યાનો ઉકેલ લાવવા સરકાર હવે ક્વિક રિસ્પૉન્સ (QR) કોડ આધારિત PUC સર્ટિફિકેટ આપવાની સિસ્ટમ વિકસાવવાનું વિચારી રહી છે, જે પેટ્રોલ-પમ્પ પર સ્કૅન કરવામાં આવશે. જે વાહનો અનફિટ હશે એમને આ સર્ટિફિકેટ ઇશ્યુ જ નહીં થાય. આમ No PUC, No fuelની સિસ્ટમ અમલમાં લાવવામાં આવશે.