24 April, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સરકારી સ્કૂલોમાં ત્રીજી ભાષા તરીકે હિન્દીને ફરજિયાત કરવાના શિક્ષણ વિભાગના આદેશને સ્થગિત કરવાનો હુકમ રાજ્યના શિક્ષણપ્રધાન (સ્કૂલ વિભાગ) દાદા ભુસેએ આપ્યો હતો. હિન્દી અને અંગ્રેજી મીડિયમ સ્કૂલોમાં મરાઠી અને અંગ્રેજી ભાષા ફરજિયાત રહેશે તથા હિન્દી ભાષા વૈકલ્પિક ભાષા તરીકે સ્વીકારવામાં આવશે એમ ગવર્નમેન્ટ રેઝોલ્યુશનમાં જણાવવામાં આવ્યું હતું.
ગત સપ્તાહે નૅશનલ એજ્યુકેશન પૉલિસી (NEP), ૨૦૨૦ હેઠળ રાજ્યની સ્કૂલોમાં એકથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓને ત્રીજી ભાષા તરીકે હિન્દી ફરજિયાત ભણાવવાની જાહેરાત કરવામાં આવી હતી. એના પ્રતિસાદમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના રાજ ઠાકરે સહિત અનેક દિગ્ગજોએ વિરોધ કર્યો હતો. આ નિર્ણયથી મરાઠી ભાષાનું મહત્ત્વ ઘટી જશે તેમ જ માતૃભાષામાં જ પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ, ઉત્તર ભારતનાં રાજ્યોમાં મરાઠી ફરજિયાત કરવા જેવી અનેક દલીલો પણ કરવામાં આવી હતી. છેવટે મહારાષ્ટ્ર સરકારની લૅન્ગ્વેજ કન્સલ્ટેશન સમિતિએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને હિન્દીને માથે ન મારો એમ કહીને આ નિર્ણય પર ફેરવિચાર કરવાનું સૂચન કર્યું હતું. એના પગલે મંગળવારે હિન્દી ભાષા ફરજિયાત ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.