11 August, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસે રક્ષાબંધન ગઈ કાલે મુલુંડના કાલિદાસ ઑડિટોરિયમમાં ઊજવી હતી.
રક્ષાબંધન નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગે ચાલીને મહારાષ્ટ્રમાં પણ અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જેમાં લાડકી બહિણ યોજના મહત્ત્વની છે. ઘણા લોકોને લાગતું હતું કે દેવાભાઉ ચૂંટણી સુધી જ પૈસા આપશે, ચૂંટણી પછી પૈસા મળવાનું બંધ થઈ જશે. વિરોધીઓએ એ માટે આખું વાતાવરણ ઊભું કરી દીધું હતું. આજે ચૂંટણી પતીને વર્ષ થઈ ગયું છતાં યોજના ચાલુ જ છે. આવતાં પાંચ વર્ષ પણ આ યોજના ચાલુ જ રહેશે એટલું જ નહીં, યોગ્ય સમયે એની રકમમાં અમે વધારો પણ કરવાના છીએ.’
રક્ષાબંધનના દિવસે બહેનોને સંબોધતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘આ યોજનાની જે પ્રામાણિક લાભાર્થી બહેનો છે તેમને અમે એ લાભ આપતા જ રહીશું. છેવટે ફક્ત ભાષણ કોણ કરે છે અને કામ કોણ કરે છે એ આપણી માતાઓને અને બહેનોને સમજાય છે એટલે ગમે એટલું ખોટું બોલાશે તો પણ બહેનોના આશીર્વાદ સગા ભાઈની પાછળ રહેશે જ. સાવકા ભાઈ જ્યાં સુધી સાવકા ભાઈ તરીકે વર્તશે ત્યાં સુધી બહેનો તેમને ઊભા નહીં રાખે.’
યોજનાનો ગેરલાભ કેટલાક પુરુષોએ પણ લીધો હતો એવું થોડા વખત પહેલાં જ બહાર આવ્યું હતું. એ બાબતે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ‘કેટલાક લોકોએ આનો ગેરલાભ પણ લીધો. કેટલાક ભાઈઓ એટલા હોશિયાર નીકળ્યા કે તેમણે બહેનોના નામે અરજીઓ કરી અને પૈસા લેવાનું શરૂ કર્યું હતું.’