વસઈ કિલ્લામાં દીપડાના આતંકનો આખરે અંત

24 April, 2024 08:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પચીસ દિવસ બાદ વન-વિભાગને કેદ કરવામાં સફળતા મળી

દીપડાની તસવીર

વસઈના કિલ્લામાં છેલ્લા પચીસ દિવસથી આતંક મચાવનાર દીપડાને શોધવાનું ઑપરેશન આખરે સફળ રહ્યું હતું. વન-વિભાગને આ દીપડાને કેદ કરવામાં સફળતા મળી હોવાથી સૌકોઈએ રાહતનો શ્વાસ લીધો છે. ગઈ કાલે રાતે બે વાગ્યે દીપડો પાંજરામાં પુરાઈ ગયો હતો. જ્યારથી દીપડો કિલ્લામાં પ્રવેશ્યો હતો ત્યારથી આ વિસ્તારમાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. લોકોના અવરજવરના મુખ્ય માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા. કિલ્લામાં પર્યટન પણ બંધ પડી ગયું હતું. એ ઉપરાંત વસઈ કિલ્લાથી ભાઈંદર સુધીની રો-રો સર્વિસના સાંજના બે રાઉન્ડ પણ કૅન્સલ કરવા પડ્યા હતા. આખરે દીપડો પાંજરામાં સપડાઈ જતાં અહીંના લોકોનું જીવન ફરી એક વાર સામાન્ય બન્યું છે.

વસઈનો કિલ્લો ૧૦૯ એકર જમીન પર પથરાયેલો હોવાથી વન-વિભાગને દીપડો પકડવા માટે મોટો પડકાર હતો. દીપડાની હિલચાલ પર નજર રાખવા માટે કિલ્લામાંથી દીપડો કૂદીને રસ્તો ઓળંગે ત્યાં રસ્તાની બન્ને બાજુએ કૅમેરા બેસાડવામાં આવ્યા હતા. એ વખતે તે લગભગ પાંચથી છ વખત એક જ વિસ્તારમાં હોવાનું જણાયું હતું, પણ દીપડો કોઈ રીતે પાંજરામાં આવતો નહોતો. છેલ્લા બે દિવસથી તો ટ્રૅપ-કૅમેરામાં પણ દીપડો દેખાતો નહોતો, પણ સોમવારે રાતે ભોંયરાની સામે જે પાંજરાં ગોઠવવામાં આવ્યાં હતાં એમાં એ ફસાયો હતો. 

mumbai news vasai vasai virar city municipal corporation wildlife