તલાસરીના બે ગામમાં દીપડાનો અડધા કલાકમાં બે જણ પર અટૅક

05 May, 2025 09:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સદ્નસીબે ગુલાબ વર્થા અને રાજા ચીમડાને આ હુમલામાં કોઈ ગંભીર ઈજા નથી થઈ. તેમને સરકારી હૉસ્પિટલમાં લઈ જઈને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તલાસરી પાસેના કરંજગાવ અને ધામણગાવમાં શનિવારે સવારે અડધો કલાકમાં બે વ્યક્તિ પર દીપડાએ હુમલો કરીને ઘાયલ કરવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે ગામમાં દહેશત ફેલાઈ ગઈ છે. સવારના ૮.૩૦ વાગ્યે કરંજગાવના પાતલીપાડા વિસ્તારમાં ગુલાબ મધુકર વર્થા નામની મહિલા ચીકુના ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે એક દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. હુમલા બાદ મહિલાએ બૂમો પાડતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોને જોઈને દીપડો ભાગી ગયો હતો. આ ઘટનાના અડધા કલાક બાદ ધામણગાવના અપતોલપાડા વિસ્તારમાં રાજા ચીમડા નામનો યુવક મરચાંની ખેતી કરી રહ્યો હતો ત્યારે તેના પર દીપડાએ હુમલો કર્યો હતો. હુમલો થવાથી રાજાએ પણ ચીસ પાડતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. હુમલો કર્યા બાદ દીપડો ભાગી ગયો હતો. અડધો કલાકમાં બે ગામમાં હુમલો એક જ દીપડાએ કર્યો હતો કે બીજો દીપડો હતો એ જાણવાનો જંગલ ખાતાએ પ્રયાસ હાથ ધર્યો હોવાનું જાણવા મળ્યું હતું. સદ્નસીબે ગુલાબ વર્થા અને રાજા ચીમડાને આ હુમલામાં કોઈ ગંભીર ઈજા નથી થઈ. તેમને સરકારી હૉસ્પિટલમાં લઈ જઈને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

wildlife palghar mumbai mumbai news news maharashtra maharashtra news