‘કથક સમ્રાટ’ બિરજુ મહારાજનું ૮૩ વર્ષની વયે નિધન

17 January, 2022 09:01 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

મોડી રાત્રે હાર્ટ-એટેક આવતા નિધન થયું

પંડિત બિરજુ મહારાજ (તસવીર સૌજન્ય : ટ્વિટર)

‘કથક સમ્રાટ’ તરીકે જાણીતા ‘પદ્મ વિભૂષણ’ ડાન્સર પંડિત બિરજુ મહારાજ (Pandit Birju Maharaj)નું રવિવારે મોડી રાત્રે નિધન થયું છે. તેઓ ૮૩ વર્ષના હતા. મળતી માહિતી પ્રમાણે તેમનું નિધન હાર્ટ એટેક આવવાને કારણે છે. તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ આ અંગે ટ્વિટ કરીને જણાવ્યું છે.

પંડિત બિરજુ મહારાજ રવિવારે મોડી રાત્રે તેમના પૌત્ર સાથે રમી રહ્યા હતા. ત્યારે અચાનક બેભાન થઇ ગયા અને તેમને દિલ્હીની એક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. હાર્ટ-એટેક આવવાને કારણે તેમનું નિધન થયુ હતું. થોડાક દિવસો પહેલા તેમને કિડનીના રોગનું નિદાન થયુ હતું અને તેની સારવાર ચાલી રહી હતી.

બિરજુ મહારાજનો જન્મ ૪ ફેબ્રુઆરી ૧૯૩૮ના રોજ ઉત્તર પ્રદેશના એક ગામડામાં થયો હતો. તેમનું સાચું નામ પંડિત બ્રિજમોહન મિશ્રા હતું. કથક નૃત્યકાર ઉપરાંત તેઓ શાસ્ત્રીય ગાયક પણ હતા. હિન્દુસ્તાની ક્લાસિક મ્યુઝિક ઉપર તેમની સારી પકડ હતી. બિરજુ મહારાજના પિતા અને ગુરુ અચ્છન મહારાજ, કાકા શંભુ મહારાજ અને લચ્છુ મહારાજ પણ પ્રખ્યાત કથક નૃત્યકાર હતા. પિતાના મૃત્યુ બાદ ખૂબ જ સંઘર્ષ બાદ બિરજૂ મહારાજનો પરિવાર દિલ્હી આવ્યો હતો. બિરજૂ મહારાજે ૧૩ વર્ષની નાની ઉંમરે સંગીત ભારતીમાં ડાન્સ શીખવાનું શરૂ કરી દીધું હતું.

બિરજુ મહારાજે બૉલિવૂડમાં અનેક ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી છે. ‘દેવદાસ’, ‘દેઢ ઇશ્કિયા’, ‘ઉમરાવ જાન’ અને ‘બાજી રાવ મસ્તાની’ જેવી ફિલ્મો માટે તેમણે ડાન્સની કોરિગ્રાફી કરી હતી. આ ઉપરાંત તેમણે સત્યજિત રાયની ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’માં સંગીત પણ આપ્યું હતું.

વર્ષ ૧૯૮૩માં બિરુજ મહારાજને ‘પદ્મ વિભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે તેમને ‘સંગીત નાટક અકાદમી પુરસ્કાર’ અને ‘કાલિદાસ સન્માન’ પણ મળી ચૂક્યા છે. ‘કાશી હિંદુ યુનિવર્સિટી’ અને ‘ખૈરાગઢ યુનિવર્સિટી’એ બિરજુ મહારાજને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી. વર્ષ ૨૦૧૨માં તેમને ‘વિશ્વરૂપમ’ ફિલ્મમાં ડાન્સ કોરિયોગ્રાફી માટે ‘રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૬માં ‘બાજીરાવ મસ્તાની’નું ‘મોહે રંગ દો લાલ’ ગીતની કોરિયોગ્રાફી માટે ‘ફિલ્મફેર અવૉર્ડ’ પણ મળ્યો હતો.

entertainment news bollywood bollywood news