09 September, 2025 08:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મુંબઈના જાણીતા લાલબાગચા રાજાની મૂર્તિનું વિસર્જન થવામાં વિલંબ થયા બાદ રવિવાર સવારથી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક સહિત સોશ્યલ મીડિયા સહિતનાં પ્લૅટફૉર્મ પર લાલબાગચા રાજાનાં દર્શન કરતી વખતે VIPઓને કારણે સામાન્ય લોકો સાથે થયેલા અમાનવીય વર્તન અને ભેદભાવ વિશે વિવિધ ટિપ્પણીઓ થઈ હતી જેમાં ‘સામાન્ય લોકો સાથે થયેલા અપમાનને કારણે ગણપતિબાપ્પાની મૂર્તિનું વિસર્જન નથી થયું’ એવો દાવો કરવામાં આવ્યો હતો એટલું જ નહીં, અમુક યુઝર્સે પોલીસને આડે હાથ લઈ તેમના પર પણ કમેન્ટ કરી હતી. જોકે પોલીસે સોશ્યલ મીડિયા પર ગેરવાજબી કમેન્ટ અને પોસ્ટ કરનાર સામે હવે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવાની શરૂઆત કરી છે. રવિવારે સાંજે કાલાચૌકી પોલીસે ઇન્સ્ટાગ્રામ-યુઝર ઓમ નાઈક સામે ફરિયાદ નોંધી છે. મુંબઈ પોલીસની સાઇબર-ટીમે ખોટી અને ખરાબ કમેન્ટ કરનાર અને પોસ્ટ કરનાર યુઝર્સની શોધખોળ શરૂ કરી છે તો બીજી બાજુ પોલીસ અને લાલબાગચા રાજા વિશે થયેલી ખરાબ પોસ્ટને આગળ ફૉર્વર્ડ ન કરવા માટેની વિનંતી પણ પોલીસે કરી છે.
ભોઈવાડાના એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગણેશોત્સવના પહેલા દિવસથી લાલબાગચા રાજાના પંડાલમાં ભક્તોની ભારે ભીડ હતી. દર્શનાર્થે આવતા લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એ માટે મંડળ અને પોલીસ ડિપાર્ટમેન્ટે યોગ્ય સુવિધા ઊભી કરી હતી. જોકે લોકોનો ભારે ધસારો હોવાને કારણે અમુક વખતે પોલીસ અને ભક્તો વચ્ચે બોલાચાલી થઈ હોવાના વિડિયો પહેલા દિવસથી સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટની બદનામી કરવામાં આવી હતી. છેલ્લા દિવસે ગણપતિબાપ્પાની મૂર્તિના વિસર્જનમાં વિલંબ થતાં અનેક લોકોએ પોલીસ અને લાલબાગચા રાજા વિશે સોશ્યલ મીડિયા પર ખરાબ ટિપ્પણી કરી હોવાનું જાણવા મળતાં અમારી મેઇન સ્પેશ્યલ ટીમે ખોટી અને ખરાબ ટિપ્પણી કરનાર સામે FIR નોંધવાની શરૂઆત કરી છે. એ ઉપરાંત સાઇબર-ટીમ પણ સોશ્યલ મીડિયા પર સતત વૉચ રાખી રહી છે. જેકોઈ વ્યક્તિ આવી પોસ્ટ કરશે તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. લોકોને અમે અપીલ કરીએ છીએ કે એવી કોઈ પણ પ્રકારની પોસ્ટ સોશ્યલ મીડિયા પર ન કરવી, જેનાથી કોઈની બદનામી થતી હોય અથવા તનાવભર્યું વાતાવરણ સર્જાય.’
પોલીસે શા માટે અને કોના પર FIR નોંધ્યો?
લાલબાગચા રાજાના પંડાલની મુખદર્શનની લાઇનમાં પોલીસે લોકોને સમજાવીને સાઇડમાં કરવાની કોશિશ કરી હોવાનો એક વિડિયો ઓમ નાઈક નામના યુવકે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો જેમાં ‘જો તમે VIP કે સુપરરિચ ન હો તો લાલબાગચા રાજાનાં દર્શને ન જતા’ એવી કમેન્ટ લખવામાં આવી હતી. એ ઉપરાંત છેલ્લી વાર બાપ્પાનાં દર્શન કરવા આવેલા ભક્તોની મારઝૂડ થઈ હોવાનો દાવો પોસ્ટમાં કરવામાં આવ્યો હતો. આ વિડિયોની કાલાચૌકી પોલીસે નોંધ લીધા બાદ ઇન્સ્ટાગ્રામ પર omi_naikના નામે આઇડી ચલાવતા ઓમ નાઈક સામે ફરિયાદ નોંધી છે.