ઘાટકોપરના કચ્છી વેપારીને ૭ લાખની ફિક્સ્ડ ડિપોઝિટના નામે નવડાવ્યા

25 August, 2026 07:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્મૉલ ફાઇનૅન્સ બૅન્કનો કર્મચારી બનાવટી રસીદ આપી રૂપિયા લઈને ગામમાં નાસી ગયો

પ્રતીકાત્મક તસવીર

ઘાટકોપર-ઈસ્ટના સંત જ્ઞાનેશ્વરનગરમાં રહેતા ૭૨ વર્ષના કચ્છી વેપારીને ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં સારું વ્યાજ અપાવવાની લાલચ આપી, ૭ લાખ રૂપિયાની રોકડ રકમ લઈ, એની સામે FD થઈ હોવાની બોગસ રસીદ આપીને રફુચક્કર થઈ ગયેલા જાણીતી સ્મૉલ ફાઇનૅન્સ બૅન્કના કર્મચારી સામે પંતનગર પોલીસે ફરિયાદ નોંધી છે. કચ્છી વેપારીના જમાઈએ બૅન્કની ઑનલાઇન ઍપ્લિકેશન પર પૈસા જમા ન થતાં બ્રાન્ચની મુલાકાત લીધી ત્યારે ખાતામાં એક પણ રૂપિયો જમા ન થયો હોવાનું અને આ છેતરપિંડી કરીને બૅન્કનો કર્મચારી પોતાના વતન ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

ઘટના શું બની?

આ કેસમાં ફરિયાદી કચ્છી દંપતીનો જમાઈ છે. તેણે બીજી એપ્રિલે ઘાટકોપરની એક જાણીતી સ્મૉલ ફાઇનૅન્સ બૅન્કમાં FD કરાવી હતી.
 ત્યાર બાદ ૭ એપ્રિલે સ્મૉલ ફાઇનૅન્સ બૅન્કનો એક કર્મચારી નવા નિયમોનું બહાનું બતાવીને તેમના ઘરે આવ્યો હતો અને અન્ય સભ્યોની FD કરાવવા 
વિશે પૂછપરછ કરી હતી. ત્યારે ફરિયાદીએ તેમનાં સિનિયર સિટિઝન સાસુ-સસરાની FD કરાવવા સંમતિ દર્શાવી હતી.
 ૯ એપ્રિલે આરોપીએ ફરિયાદી પાસેથી ૫૦,૦૦૦-૫૦,૦૦૦ રૂપિયાના બે ચેક લીધા હતા અને ત્યાર બાદ રોકડ FDની લાલચ આપીને ફરિયાદીનાં સાસુ-સસરા પાસેથી બે તબક્કામાં ૭,૦૦,૦૦૦ રૂપિયા રોકડા મેળવ્યા હતા.
 રોકડ રકમ લીધા બાદ આરોપીએ બૅન્કની ખોટી અને નકલી ડિપોઝિટ રસીદ ફરિયાદીને આપી હતી.
 બૅન્કની મોબાઇલ ઍપ્લિકેશનમાં રકમ દેખાતી ન હોવાથી શંકા ગઈ ત્યારે ફરિયાદીએ બૅન્કમાં જઈને મૅનેજરનો સંપર્ક કર્યો હતો.
 તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે આરોપીએ ફક્ત ચેક બૅન્કમાં જમા કરાવ્યા હતા, જ્યારે ૭ લાખ રૂપિયા રોકડા જમા કરાવ્યા નહોતા અને તેણે આપેલી રસીદ પણ બોગસ હતી.
 છેતરપિંડીનો ખુલાસો થતાં જ આરોપી બૅન્ક-કર્મચારી ફરાર થઈ ગયો હતો. અંતે આ મામલે ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

mumbai news mumbai ghatkopar kutchi community gujaratis of mumbai gujarati community news