ફિટ ઍન્ડ ફાઇન રહેવા મુંબઈ પોલીસ કરશે હવે એક્સરસાઇઝ

02 August, 2021 01:07 PM IST  |  Mumbai | Mehul Jethva

અનફિટ અધિકારીઓના ડાયટ પર ધ્યાન આપીને તેમને શીખવવામાં આવશે કસરત : ૧૦૦ અધિકારીઓની ટ્રેઇનિંગ શરૂ કરવામાં આવી

પ્રતીકાત્મક તસવીર

કોરોનાને લીધે મુંબઈ પોલીસના ૧૦૦ કરતાં વધુ અધિકારીઓનાં મૃત્યુ થયાં છે. એની પાછળનું કારણ તેઓ અનફિટ હોવાનું જાણવા મળ્યું છે. એને ધ્યાનમાં લઈને મુંબઈ પોલીસ દ્વારા પોલીસ સર્વિસમાં કાર્યરત અનફિટ અથવા તો કોઈ બીમારીથી પીડાતા અધિકારીઓ માટે ટ્રેઇનરની વ્યવસ્થા કરવામાં આવી છે. તે અધિકારીઓનો કેસ-સ્ટડી કરીને તેમને યોગ્ય ડાયટ સાથે ઘરે એક્સરસાઇઝ કેવી રીતે કરવી એ શીખવશે.

મુંબઈ પોલીસમાં કાર્યરત અનફિટ અધિકારીઓના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવા માટે ફિટનેસ ઝુંબેશ શરૂ કવામાં આવી છે. એ અંતર્ગત પોલીસમાં કાર્યરત ૪૫ વર્ષથી મોટા અને ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર તથા અન્ય બીમારીઓથી પીડાતા અધિકારીઓને ફિટનેસ ટ્રેઇનર દ્વારા ડાયટ બતાવવામાં આવશે તથા ફિઝિકલ એક્સરસાઇઝ શીખવવામાં આવશે. હાલમાં મુંબઈનાં પાંચ પોલીસ સ્ટેશનો ઘાટકોપર, પંતનગર, ટ્રૉમ્બે, શિવાજીનગર અને આરસીએફ પોલીસ સ્ટેશનોના કુલ ૧૦૦ અધિકારીઓની ટ્રેઇનિંગ શરૂ કરવામાં આવી છે. આ માટે પોલીસ વેલ્ફેર ફન્ડમાંથી ૩૦૦૦ રૂપિયા ફિટનેસ કોચને આપવામાં આવશે.

અધિકારીઓને ફિટનેસ ટ્રેઇનિંગ આપતાં સાયલી ભોસલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈનાં પાંચ પોલીસ સ્ટેશનોમાંથી ૧૦૦ અનફિટ અધિકારીઓની ટ્રેઇનિંગ તેમની બ્લડ-ટેસ્ટ બાદ શરૂ કરવામાં આવી છે. આમાંના ૯૦ ટકા અધિકારીઓ ઓવરવેઇટ છે. ૪૦ ટકા અધિકારીઓ ડાયાબિટીઝથી પીડાય છે અને ૩૦ ટકા અધિકારીઓને બ્લડ-પ્રેશર છે. હાલમાં અમે તેમને ડાયટ-પ્લાન આપ્યો છે. આ સેશન ત્રણ મહિના ચાલશે. એમાં અઠવાડિયામાં એક વાર તેમના પર શું અસર થઈ છે એ જોવામાં આવશે. એક મહિના બાદ તેમને એક્સરસાઇઝ શીખવવામાં આવશે જે તેઓ ઘરે પણ કરી શકે છે.’

પંતનગર પોલીસ સ્ટેશનમાં કાર્યરત એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘મારી ઉંમર ૫૨ વર્ષની છે. છેલ્લાં ૧૧ વર્ષથી મને ડાયાબિટીઝ છે. એની પાછળનું કારણ અમારા જમવાના સમયમાં અનિયમિતતા છે. હાલમાં અમને અપાતી ટ્રેઇનિંગમાં અમને શું ખાવું એ જણાવવામાં આવ્યું છે.’

મુંબઈ પોલીસના પ્રવક્તા ડીસીપી ચૈતન્ય એસ.એ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ પોલીસ સાથે જોડાયેલા અધિકારીઓના હેલ્થને લઈને આ અભિયાન ચલાવવામાં આવ્યું છે. એમાં બીમારીથી પીડાતા અધિકારીઓ પર વિશેષ ધ્યાન આપીને તેમની રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધી શકે એની ટ્રેઇનિંગ આપવામાં આવશે.’

mumbai mumbai news mumbai police mehul jethva