જ્યારે લોકોને વૅક્સિનનો ડોઝ અપાયો ત્યારે ડૉક્ટર નહોતા

19 June, 2021 12:34 PM IST  |  Mumbai | Rohit Parikh

હીરાનંદાનીના વૅક્સિનેશન કૅમ્પ કૌભાંડમાં પોલીસે ચાર વ્યક્તિની કરી ધરપકડ : કૅમ્પ સાથે સંકળાયેલી પાંચમી વ્યક્તિ મધ્ય પ્રદેશમાંથી પકડાઈ

પ્રતીકાત્મક તસવીર

કાંદિવલી (વેસ્ટ)ની હીરાનંદાની હેરિટેજ સોસાયટીમાં થયેલા વૅક્સિનેશન કૅમ્પ કૌભાંડમાં ગઈ કાલે કાંદિવલી પોલીસે ચાર વ્યક્તિની બનાવટી વૅક્સિન કૅમ્પ યોજવા માટે ધરપકડ કરી હતી. આ કૌભાંડમાં સંકળાયેલી પાંચમી વ્યક્તિની પણ મધ્ય પ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે હીરાનંદાની હેરિટેજ સોસાયટીમાં જે ૩૯૦ રહેવાસીઓએ આ કૅમ્પમાં વૅક્સિન લીધી હતી તેમના મનમાં આજે પણ પહેલા દિવસનો જ સવાલ ઘૂંટાયેલો છે કે અમે જે વૅક્સિન લીધી એની અમારા શરીર પર શું અસર થશે એ બાબતનો પ્રશાસન તરફથી કેમ હજી કોઈ ખુલાસો કરવામાં આવતો નથી?

હીરાનંદાની હેરિટેજમાં ૩૦ મેએ હીરાનંદાની હેરિટેજ રેસિડન્ટ્સ વેલ્ફેર અસોસિએશન તરફથી વૅક્સિન કૅમ્પ યોજવામાં આવ્યો હતો. પહેલા દિવસથી આ કૅમ્પ પર રહેવાસીઓને શંકા ગઈ હતી, પરંતુ જ્યારે વૅક્સિન લેનારા ૩૯૦ રહેવાસીઓમાંથી કોઈની પણ વૅક્સિન લીધા પછી તાવ, શરદી કે દુખાવા જેવી કોઈ ફરિયાદ ન આવી ત્યારે રહેવાસીઓની શંકા વધુ મજબૂત બની હતી. આખરે ૩૯૦માંથી ફકત ૧૧૪ લોકોને જ અલગ-અલગ હૉસ્પિટલનાં વૅક્સિન લીધાંનાં સર્ટિફિકેટ આવ્યાં ત્યારે આખો મામલો કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં પહોંચ્યો હતો.

આ મામલાની ગંભીરતા સમજીને પોલીસ અને મહાનગરપાલિકાએ વૅક્સિન કૅમ્પ કૌભાંડની તપાસ શરૂ કરી હતી. એમાં સૌથી પહેલી જાણકારી પોલીસને એ મળી હતી કે આ કૅમ્પ બાબતથી સંબંધિત મહાનગરપાલિકા સાવ જ અજાણ છે. તેમને સોસાયટી તરફથી કૅમ્પ બાબતની કોઈ જ જાણકારી આપવામાં આવી નથી. એટલું જ નહીં, સોસાયટીએ આ કૅમ્પ માટે મહાનગરપાલિકાની પરવાનગી પણ લીધી નહોતી. આ કૅમ્પ માટે સોસાયટીએ કૅમ્પના આયોજકને ચાર લાખ છપ્પન હજાર રૂપિયાની ચુકવણી કરી હતી. પોલીસને એવી પણ જાણકારી મળી હતી કે આ કૅમ્પ માટે ખરીદવામાં આવેલી વૅક્સિન અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદવામાં આવી નહોતી. લોકોને વૅક્સિનનો ડોઝ આપ્યો ત્યારે ત્યાં એક પણ ડૉક્ટર હાજર નહોતા.

પોલીસ-તપાસની માહિતી આપતાં ઍડિશનલ પોલીસ કમિશનર દિલીપ સાવંતે કહ્યું હતું કે ‘અમને મળેલી ફરિયાદના આધારે જાહેર ઉપદ્રવ, કોઈ પણ રોગનો ચેપ ફેલાવાની સંભાવના અને જીવના જોખમ, દવામાં ભેળસેળ, છેતરપિંડી, બનાવટી દવાઓ તેમ જ કોવિડ ઍક્ટની કલમો લગાડીને આયોજકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. અમારી તપાસ પછી અમે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી.’

પોલીસની તપાસ સંદર્ભમાં હીરાનંદાની હેરિટેજના રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે પોલીસને સંપૂર્ણ સાથ-સહકાર આપવા તૈયાર છીએ, પરંતુ અમને એમ લાગે છે કે પોલીસ અમારી સાથે વાતચીત કર્યા વગર જ ફક્ત દસ્તાવેજોના આધારે તપાસ કરી રહી છે. દસ્તાવેજો સાથે ચેડાં નહીં થયાં હોય એની શું ખાતરી? અમને વૅક્સિન આપ્યાના ૨૦ દિવસ પછી પણ હજી પોલીસ પાસે કે મહાનગરપાલિકા પાસે આ કૅમ્પ માટેના કોઈ ઠોસ સબૂત હોય એવું અત્યારે અમને દેખાતું નથી. અમારી સોસાયટી સિવાય પણ અમને મળેલી માહિતી પ્રમાણે છથી સાત બીજી જગ્યાએ આ જ આયોજકો તરફથી કૅમ્પ યોજાયા હતા. વૅક્સિનને લઈને હજી અમને આરોગ્ય ખાતા તરફથી કોઈ જાણકારી મળી નથી.’

ગઈ કાલે અમુક સવાલો સાથે સોસાયટીના અમુક સભ્યોએ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ ચહલ, ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણી અને અન્યોને ઈ-મેઇલ કરી હતી. આ જાણકારી આપતાં સોસાયટીના સભ્ય દિનેશ ઝાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સોસાયટીનું વૅક્સિન કૌભાંડ જગજાહેર થતાં મહાનગરપાલિકાની ઇમેજ ખરાબ થઈ શકે છે. કોવિડ એક ખતરનાક રોગ છે. આ મહામારીથી બચવા માટે લોકો વૅક્સિન લેવા આગળ આવી રહ્યા છે ત્યારે આવા છળકપટથી મહાનગરપાલિકાની છબિ ખરાબ થવાની સંભાવના છે. મુંબઈ પોલીસે અમારી સોસાયટીનો કૅમ્પ ઑથેન્ટિક હતો કે કેમ એની તપાસ કરવી જરૂરી છે. આ કૅમ્પના કૌભાંડથી અમારા પર શારીરિક અને માનસિક અસર થઈ છે. અમારા ૩૯૦ જણમાંથી બહું ઓછા લોકોને જ સર્ટિફિકેટ મળ્યાં છે. આ સર્ટિફિકેટમાં પહેલો ડોઝ દર્શાવાયો છે. એ કેટલો જેન્યુઇન છે એ ક્યારે અને કેવી રીતે ખબર પડશે? નાણાવટી અને કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ સિવાય આ સર્ટિફિકેટ બાબતમાં કોઈ અન્ય હૉસ્પિટલ તરફથી ખુલાસો કરવામાં આવ્યો નથી. તો એ વૅક્સિન લેનાર વ્યક્તિઓની સલામતીનું શું? કોઈ હેલ્થ-પ્રૉબ્લેમ થઈ જાય તો એના માટે જવાબદાર કોણ?’

coronavirus covid19 covid vaccine vaccination drive mumbai mumbai news rohit parikh