01 September, 2025 12:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાંદિવલીના ૧૮ જૈન સંઘોની નીકળી સામૂહિક રથયાત્રા
કાંદિવલીના ૧૮ જૈન સંઘોની સામૂહિક રથયાત્રાનું ગઈ કાલે આયોજન કરવામાં આવ્યું હતું. ‘કાંદિવલી એક-રથયાત્રા એક’ એ નારા હેઠળ કાંદિવલીના ઇતિહાસમાં પ્રથમ વાર કાંદિવલીના રાજમાર્ગો પર રથયાત્રા નીકળી હતી, જેમાં ૫૦,૦૦૦ જેટલા જૈનો જોડાયા હતા. ૭૫થી ૮૦ જેટલા ફ્લોટ્સ સાથે સવારે ૮.૩૦ વાગ્યે શ્રી દહાણુકરવાડી જૈન સંઘથી શરૂ થયેલી આ રથયાત્રામાં ૧૦૦થી વધુ પૂજ્ય સાધુ-સાધ્વીજી અને ભગવંતો જોડાયાં હતાં. બે કિલોમીટર લાંબી આ રથયાત્રા બપોરે ૧૨.૩૦ વાગ્યે દામોદરવાડીના શ્રી શાંતિનાથ ઝાલાવાડ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘમાં પૂરી થઈ હતી. એ પછી કબૂતરોને ચણ નાખવાનું પાછું પ્રસ્થાપિત થાય અને શ્વાનોને પણ અન્યાય ન થાય એ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ રથયાત્રાને સફળ બનાવવા માટે ૧૨૦૦ જેટલા યુવાનોએ સખત મહેનત કરી હતી અને રથયાત્રા ઉલ્લાસ અને ઉમંગપૂર્વક પાર પડી હતી.