08 September, 2026 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનીષભાઈની સીમા રાજધાની સોસાયટીના પરિસરમાં પડેલી ડેડ-બૉડી.
ઘાટકોપર-ઈસ્ટના પંતનગરમાં ગઈ કાલે સવારે બિઝનેસના પૈસાની ઉઘરાણી વસૂલ કરવામાં નિષ્ફળ ગયેલા ગારોડિયાનગરમાં રહેતા ૬૧ વર્ષના મનીષ ભાયાણીએ એ જ બિલ્ડિંગની ટેરેસ પર જઈને આત્મહત્યા કરતાં ઘાટકોપરના જૈન સમાજમાં હાહાકાર મચી ગયો હતો. મનીષભાઈ બૉલબેરિંગનો બિઝનેસ કરતા હતા.
ગારોડિયાનગરના કલ્યાણ સાગર પ્લૉટમાં રહેતા મનીષ ભાયાણી ગઈ કાલે સવારે ૯.૩૭ વાગ્યે પંતનગરના ગણેશ મંદિર પાસે આવેલા સીમા રાજધાની બિલ્ડિંગના ૧૩૦૨ નંબરના ફ્લૅટમાં ૭૧ વર્ષના અશોક સોલંકી પાસે તેમના બિઝનેસના પૈસાની ઉઘરાણી કરવા ગયા હતા. જોકે અશોક સોલંકીએ મનીષભાઈને કહ્યું હતું કે તમે મારા ૪૫ વર્ષના પુત્ર સાથે બિઝનેસ કર્યો હતો, જે હવે મારી સાથે એક વર્ષથી રહેતો નથી. આ વાતચીત થયા પછી મનીષભાઈ સીમા રાજધાની બિલ્ડિંગમાંથી ૧૦.૪૦ વાગ્યે બહાર નીકળી ગયા હતા.
પંતનગર પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર લતા સુતારે આ બાબતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોસાયટીના CCTV કૅમેરાના ફુટેજના પ્રમાણે અશોક સોલંકી મનીષભાઈને નીચે સુધી મૂકવા આવ્યા હતા. જોકે થોડી જ વારમાં ૧૧ વાગ્યે મનીષભાઈ પાછા અશોકભાઈની સોસાયટીમાં આવ્યા હતા અને અશોકભાઈના ઘરે જવાને બદલે સીધા સોસાયટીના વીસમા માળે ગયા હતા. ત્યાર પછી સોસાયટીના ૬૧ વર્ષના રહેવાસી સુરેશ રાઠીની નજર સામે જ મનીષભાઈએ સોસાયટીની ટેરેસ પરથી નીચે કૂદકો માર્યો હતો. તરત જ સોસાયટીમાં દોડાદોડી થઈ ગઈ હતી અને અમને મનીષભાઈની આત્મહત્યાની જાણકારી આપવામાં આવી હતી. ટેરેસ પરથી કૂદકો મારવાને લીધે મનીષભાઈની ખોપડી ફાટી ગઈ હતી તેમ જ શરીરનાં બીજાં અંગોમાં પણ જોરદાર માર વાગ્યો હતો. અમે તેમની ડેડ-બૉડીનું પંચનામું કરીને તેમને પોસ્ટમૉર્ટમ માટે રાજાવાડી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. અમે તેમની દીકરી અને પરિવારના અન્ય સભ્યો સાથે વાતચીત કરીને આખા મામલાની તપાસ કરી રહ્યા છીએ.’