ઘાટકોપરના જ્વેલરની દુકાનમાં ૪૬ લાખની લૂંટ

23 September, 2022 11:25 AM IST  |  Mumbai | Rohit Parikh

ચોર શોરૂમની પાછળથી એના મેડામાં આવી લાકડાની બારી તોડીને લૉકરમાં મૂકેલા ૨૬ લાખ રૂપિયાના ૭૦૦ ગ્રામ સોનાના દાગીના, ૧૬ લાખ રૂપિયાની ચાંદીની વસ્તુઓ અને સાડાત્રણ લાખ રૂપિયા રોકડા લઈને પલાયન થઈ ગયો

લૂંટ થયા બાદ પી. બી. જ્વેલર્સના શોરૂમની તપાસ કરી રહેલી પોલીસ

ઘાટકોપર-વેસ્ટના ૨૪ કલાક ધમધમતા વિસ્તાર મહાત્મા ગાંધી રોડ પર આવેલા પી. બી. જ્વેલર્સના શોરૂમની પાછળથી શોરૂમના મેડામાં આવીને લાકડાની બારી તોડીને મંગળવારે રાતના એેક વાગ્યાથી ચાર વાગ્યાની વચ્ચે લૉકરમાં મૂકેલા ૨૬,૬૦,૦૦૦ રૂપિયાના ૭૦૦ ગ્રામ સોનાના દાગીના, ૧૬,૦૦,૦૦૦ રૂપિયાની ચાંદીની વસ્તુઓ અને ૩,૫૦,૦૦૦ રૂપિયા રોકડા એેમ ૪૬,૧૦,૦૦૦ની લૂંટ કરવામાં આવી હતી. આ બનાવથી મહાત્મા ગાંધી રોડના જ્વેલરો સાવધાન થઈ ગયા હતા. પોલીસ કહે છે કે અમે લૂંટારાની નજીક પહોંચી ગયા છીએ.

આ બનાવની માહિતી આપતાં પી. બી. જ્વેલર્સના ૬૩ વર્ષના માલિક ચીતરમલ સિંઘવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ૨૦ સપ્ટેમ્બરે રાતના ૧૦ વાગ્યે અમારા બધા જ સોનાના દાગીના લૉકરમાં અને ચાંદીની વસ્તુઓને ટેબલ નીચેના ડ્રૉઅરમાં મૂકીને ઘરે ગયા હતા. એની સાથે છેલ્લા ત્રણ દિવસમાં કરેલો ૩,૫૦,૦૦૦ રૂપિયાનો વકરો પણ ડ્રૉઅરમાં મૂકીને ઘરે ગયા હતા. અમે અમારા શોરૂમની નજીકમાં જ રહીએ છીએ. બુધવારે સવારે ૧૦ વાગ્યે મારો દીકરો દીપેશ અને મારો કર્મચારી શંકરસિંહ શોરૂમ ખોલીને અંદર આવ્યા તો જોયું કે દુકાનમાં સોનાના દાગીનાનાં બૉક્સ અસ્તવ્યસ્ત પડ્યાં હતાં. તરત જ તેણે મને ફોન કરીને શોરૂમમાં ચોરી થઈ હોવાની શંકા દર્શાવી હતી. હું તરત જ અમારી સામે આવેલા ઉપાશ્રયમાંથી દોડીને દુકાનમાં પહોંચ્યો હતો. અમે બધી તપાસ કરતાં અમને ખબર પડી કે પાછલાના ભાગની લાકડાની બારી તોડીને અજાણ્યા માણસો અમારી દુકાનને સાફ કરીને ભાગી ગયા હતા. અમે આ બાબતની ઘાટકોપર પોલીસને જાણકારી આપી હતી. ઘાટકોપર પોલીસ આ લૂંટના બનાવની તપાસ કરી રહી છે.’

આના સંદર્ભમાં પોલીસ અત્યારે તો કંઈ કહેવા તૈયાર નથી. જોકે, સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે પોલીસ આ કેસ સૉલ્વ કરવાની નજીક છે.

mumbai mumbai news ghatkopar Crime News mumbai crime news rohit parikh