08 July, 2025 11:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પર્યુષણના ૯ દિવસ કતલખાનાં બંધ રાખવાની માગણી સાથે જૈન સમાજના એક ટ્રસ્ટે બૉમ્બે હાઈ કોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી, જેની સુનાવણી દરમ્યાન કોર્ટે જણાવ્યું હતું કે જો પ્રર્યુષણના ૯ દિવસ કતલખાનાં બંધ રાખવાની છૂટ આપીએ તો ક્યાંક એવું ન બને કે ગણેશચતુર્થી કે નવરાત્રિમાં પણ કતલખાનાં બંધ રાખવાની અરજીઓ આવવા લાગે.
ગયા વર્ષે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) તથા નાશિક અને પુણેની મહાનગરપાલિકાએ પ્રર્યુષણમાં એક દિવસ કતલખાનાં બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. આ વર્ષે પર્યુષણના ૯ દિવસ કતલખાનાં બંધ રાખવાની માગણી જૈન સમાજે કરી છે. કોર્ટે નોંધ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે વર્ષમાં કુલ ૧૫ દિવસ કતલખાનાં બંધ રાખવાનું નોટિફિકેશન આપેલું છે, જેમાં એક દિવસ પ્રર્યુષણનો પણ સામેલ કરવામાં આવ્યો છે. હવે આમાં ફેરફાર કરીને ૯ દિવસ કતલખાનાં બંધ રાખવાનો આદેશ આપી શકાય કે કેમ એવી મૂંઝવણ ચીફ જસ્ટિસ આલોક આરાધે અને જસ્ટિસ સંદીપ મારનેની ખંડપીઠે વ્યક્ત કરી હતી.
અહિંસાના સિદ્ધાંતમાં માનનારા જૈન ધર્મના મોટા તહેવારમાં પશુઓની કતલ થાય એ જૈન ધર્મ માટે નુકસાનકારક છે એવી દલીલ અરજદાર તરફથી કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે મુંબઈની આસપાસની પાલિકાઓના વિસ્તારમાં કતલખાનાં ન હોવાને લીધે તેઓ પણ મુંબઈના દેવનાર કતલખાના પર જ આધારિત રહે છે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. અદાલતે કતલખાનાં કેટલા દિવસ બંધ રાખી શકાય એનો નિર્ણય ૧૮ ઑગસ્ટ સુધીમાં મુંબઈ, નાશિક, પુણે અને મીરા- ભાઈંદરની મહાનગરપાલિકાઓને લેવાનો નિર્દેશ આપ્યો છે.